Monday, November 19, 2007

બિઝનેસ કિસ્સાઓ – વનરાજ માલવી

આઈ.બી.એમ કંપનીના ટોચના એક અધિકારીએ કશીક ભૂલ કરી. તેથી કંપનીએ સાઠ હજાર ડૉલરનું નુકશાન ભોગવવું પડેલું હતું. એટલે તેના ચૅરમેનને કોઈકે પૂછ્યું : ‘તો તમે એને કંપનીમાંથી બરતરફ કરશો ?’
વૉટસને જવાબ આપ્યો : ‘ના, મેં તેને ગફલત દ્વારા શીખવા માટે ને કીમતી અનુભવ લેવા સારુ 60,000 ડૉલર હમણાં જ ખરચ્યા છે. તો એના એ અનુભવનો લાભ હું બીજી કંપનીને શા માટે લેવા દઉં ?’
*****
અમેરિકામાં બે ધરખમ કંપનીઓ તેઓ સમાનપણે પ્રકાશન પ્રવૃત્તિમાં લગભગ આગળ પાછળના સમયમાં દાખલ થયા. એમાંની એક કંપની હતી ટાઈમ ઈન્કોર્પોરેટેડ. તેમણે શરૂઆત કરી ટેકનિકલ વિષયના પ્રકાશનથી. તેમાં તેઓ ફાવ્યા નહિ. આખરે થયું કે લોકોને સમાચારમાં ખાસ્સો રસ પડે છે. એટલે વિશ્વભરના દેશોના સમાચારને આવરી લઈ તેને લગતું મેગેઝિન શરૂ કર્યું. અને તેમાં તેઓ ખૂબ ખૂબ સફળ નીવડ્યાં ને દુનિયાભરમાં જાણીતા થયા.
તો બીજી કંપની હતી મૅકગ્રો હિલ – તેમણે જ્યાં ટાઈમ નિષ્ફળ નીવડેલું તે જ ક્ષેત્ર પકડ્યું. તેમણે વિશ્વના સમાચારોને આવરી લેતું સામાયિક શરૂ કર્યું. તેમાં તેઓ ફાવ્યા નહિ એટલે ટેકનિકલ વિષયોની માહિતીને આવરી લેતા મેગેઝિન શરૂ કર્યાં. અને સારી પેઠે સફળતા મેળવી ! કેવી નવાઈની વાત ! એ કંપની ગમે તે પગારથી ઉત્કૃષ્ટ શક્તિવાળા માણસોને નોકરીમાં રાખતા છતાં જ્યાં એક કંપની નિષ્ફળ ગઈ ત્યાં બીજીને સફળ થવામાં કોઈ તકલીફ ન પડી !

***
સાબુના એક પરદેશી ઉત્પાદકે આરબ દેશોમાં પોતાનું બજાર વિકસાવવાનું ઠરાવ્યું. ત્યાંના પ્રચાર માટે તેમણે પોસ્ટર છપાવ્યાં. એમાં એકની અડોઅડ બીજું, અને બીજાની અડોઅડ ત્રીજું એમ ત્રણ ચિત્રોની જાહેરાત તૈયાર કરાવી.
પહેલા ચિત્રમાં મેલાં થઈ ગયેલાં કપડાંનો ઢગલો બતાવ્યો. પછીના બીજા ચિત્રમાં એક ડોલમાં, પાણીમાં જે તે સાબુનો ભૂકો નાખી તેમાં મેલાં થયેલાં વસ્ત્રોને ડબોળતાં બતાવ્યાં. અને ત્રીજા ચિત્રમાં એ ડોલમાંથી બહાર કાઢેલાં ચોખ્ખાં ને ધોળાબંધ થયેલાં વસ્ત્રો બતાવ્યાં.
એ જાહેરાતનાં પોસ્ટર ઠેકઠેકાણે ચોંટાડાવ્યાં. ને તેના પરિણામની રાહ જોવા માંડી. પણ તે જોઈને, એ સાબુ ખરીદવા માટે કોઈ ગ્રાહક ફરક્યો જ નહિ ! તેમને વિસ્મય થયું ! આપણી આ જ જાહેરાત બીજા દેશોમાં ખૂબ સફળ નીવડી છે. સાબુની ખપત ખાસ્સી વધી છે. તો અહીં તે નિષ્ફળ કેમ ગઈ ? તેઓ એનાં કારણોમાં ઊંડા ઊતર્યા. ત્યારે એનું રહસ્ય ખુલ્લું થયું. આ તો આરબ દેશ છે. તેઓ અંગ્રેજી ભાષાની માફક ડાબેથી જમણી તરફ વાંચતા નથી; પણ તેમની પ્રણાલિ (ઉર્દુ) પ્રમાણે જમણેથી ડાબી તરફ નજર જતી હોય છે ! આરબોની ભાષાની લઢણ ખ્યાલ બહાર રહી જતાં, તે જાહેરાત નિષ્ફળ ગઈ.

***
From book રસભર્યા કિસ્સાઓ બિઝનેસની દુનિયાના - Vanaraj Malavi

Source: readgujarati.com


No comments: