Monday, October 26, 2009

દિવ્ય ભાસ્કરનો તરખાટ
નવા વર્ષની શરૂઆત ગુજરાતી ઇ-છાપાઓ માટે કંઇક સારી નથી.  કદાચ સ્ટાફ રાજા પર હોય કે પછી તહેવારોની મોસમના લીધે બેધ્યાનપણું વધુ હોય - જે પણ હોય - પરંતુ સમાચાર પત્રની વેબસાઈટ પર સમાચાર મુકવા અંગે કોઈ પ્રોસેસનું પાલન થતું દેખાતું નથી અથવા તો આવી કોઈ પ્રોસેસ છે જ નહિ કે જેનું પાલન કરવું પડે.

જે રીતે છાપું પ્રિન્ટમાં જાય ઇ પહેલા બધું મટીરીયલ ચોકસાઇપૂર્વક જે તે વિભાગના એડિટરના ચશ્માં નીચેથી પસાર થાય, વાંધા-વચકા, જોડણી,  કાપકૂપ વગેરે પ્રોટોકોલ બાદ છાપું પ્રિન્ટમાં જાય પણ ઓનલાયન છાપાઓને  આ બધી બાબતો ઓછી લાગુ પડે છે એવી મારી માન્યતા દિન-પ્રતિદિન મજબુત થતી જાય છે.

માન્યું કે છાપું કાઢવું એ ૨૪ કલાકનો પ્રોજેક્ટ છે પણ દુનિયામાં ઘણા છાપા નીકળે છે અને બધા કઈ આવું દેવાળું ફૂંકતા નથી !

એમાંય દિવ્ય ભાસ્કરે તો હદ કરી છે. છાશવારે એમની વેબ સાઈટ પર છબરડા હોય છે. ખરેખર તો હાલની વેબસાઈટ તો હજુ ડેવલ્પમેન્ટમાં  (Under Construction) હોય એટલી નીચેની કક્ષાની છે જાણે કે કોઈ પણ પ્રકારનું QA થયા વિના મુકાય ગઈ છે. ખેર એ એક આડવાત થઇ, આપણે વાત કરતાં હતાં  સમાચારોની.
જુઓ નીચેના ચાર સમાચારો - આ આમ તો એક જ સમાચાર છે પણ એનું આપણે ટેસ્ટીંગ કરવાનું હોય એમ ચાર જુદા જુદા હેડીંગ સાથે
૧)અમદાવાદના ફેકલ્ટી 
૨)આઇઆઇએમ
૩)૧૧૧૧૧૧૧ 
૪)૨૨૨૨૨૨

અને સમાચારમાં પણ કેટલાય અક્ષરો બીજા ફોન્ટમાંથી બરાબર પરિવર્તન પણ પામ્યા નથી .
તો વળી બીજા એક સમાચારનું હેડીંગ છે : (............................),અમદાવાદ

છાપુ બંધ રહેશે પણ ઓનલાયન અપડેટ દિવાળીની રજાઓમાં ચાલુ રહેશેની જાહેર ખબરો ચીપ્કાવ્યા પછી આમ 'દિ વાળવાનો'?

આ સમાચાર ( શેરબજારોમાં મુહૂર્તના સોદામાં ટાબરિયાનો તરખાટ!) માં તમને ક્યાંય સમજાય કે ટાબરિયાએ શું તરખાટ કર્યો તો મને સમજાવશો પ્લીઝ ?

Friday, October 16, 2009

શુભ દિપાવલી - નૂતન વર્ષાભિનંદન
આજે ગુજરાતની અસ્મિતાની માવજત કરવાનો અવસર છે. આજે ઘરમાં એક સુંદર પુસ્તક કે એક સુંદર કેસેટ ભલે આવે. આજે ઘરનાં સંતાનો સાથે બેસીને એકાદ સુંદર કવિતા વંચાય કે એક ભજન ગવાય તો મિષ્ટાન્ન પણ અધિક મધુર બનશે. સરેરાશ ગુજરાતી નાગરિક ઉત્સવપ્રિય અને શાંતિપ્રિય છે. એને વિશ્વનાગરિક થવામાં મુશ્કેલી નથી પડતી. એ દુનિયાના કોઈ પણ ખૂણે જાય ત્યાં ગરબો લેતો જાય છે.
- ગુણવંત શાહ

Saturday, October 10, 2009

એક સાંજ મહેન્દ્ર મેઘાણી સાથે ...
આવતી ૨૫મી ઓક્ટોબર ૨૦૦૯ના સીકોક્સ સ્વામીનારાયણ મંદિરે સર્વશ્રી મહેન્દ્ર મેઘાણી એમના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા પુસ્તક 'ગાંધીજીની જીવનયાત્રા એમના જ શબ્દોમાં'નું વાંચન કરશે. આ કાર્યક્રમ સાંજના ૪ વાગ્યાથી ૫.૩૦ દરમિયાન રાખેલ છે.  ઝવેરચંદ મેઘાણીના પુત્ર  મહેન્દ્ર મેઘાણી  હાલ અમેરિકામાં આ પુસ્તકની વાંચન યાત્રા પર છે જેના ભાગરૂપે આ કાર્યક્રમ રખાયેલ છે.  મહેન્દ્ર મેઘાણી વિષે લખીએ એટલું ઓછુ પડે ! પણ એમણે ગુજરાતી ભાષાને જીવાડવાનું કામ કોઈ સભા કે રેલી વગર કરી બતાવ્યું છે. જ્યાં એક હજાર ગુજરાતી પુસ્તક વેંચવાના ફાંફા પડતા હોય ત્યાં એમણે એક જ પુસ્તકની નકલ લગભગ લાખની સંખ્યામાં વેંચી બતાવી છે!  ૮૬ વર્ષના મહેન્દ્ર મેઘાણીને પ્રત્યક્ષ સાંભળવા એક લ્હાવો બની રહેશે.

સાંભળો ગુણવંત શાહને, "જો તમે 'અર્ધી સદીની વાંચનયાત્રા'ના   { મહેન્દ્ર  મેઘાણી સંપાદિત પુસ્તકોની શ્રેણી }  ત્રણ ભાગ ન વાંચ્યા હોય તો તેના ચાર કારણો હોઈ શકે છે: ૧) તમે ગુજરાતી ન હો. ૨) તમે અંગ્રેજી માધ્યમમાં ભણ્યાં હો  ૩) તમે અભણ હો, ૪) તમે કંજૂસના કાકા હો. આવાં તો અનેક સુંદર પુસ્તકો ગુજરાતનાં ઘરે ઘરે સાવ જ ઓછી કિંમતે પહોંચાડવાનું  રૂષીકર્મ  કરવા બદલ ગુજરાત એમનું ઉપકૃત છે."

ઉપરોક્ત કાર્યક્રમમાં સહુને ભાવભીનું નિમંત્રણ છે, કાર્યક્રમ માટે કોઈ એન્ટ્રી ફી નથી અને અંતમાં મંદિર તરફથી પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.

Thursday, October 1, 2009

ફાધર સાથે મુલાકાત

ફાધર વાલેસ એમના બીજા વતનની મુલાકાતે છે અને સન્માન સમારંભ અને પુસ્તક વિમોચન જેવા પ્રસંગો વિવિધ માધ્યમોમાં ચમકી રહ્યા છે ત્યારે, મને કેમ વીસરે રે!!

તારીખ: ૬ઠ્ઠી માર્ચ ૧૯૯૫. સ્થળ: સેન્ટ ઝેવિયર્સ કવાટર્સ

સમય છે એવા સજ્જનને મળવાનો કે જેમના બેય હસ્તગત વિષયો - ગણિત અને ગુજરાતી - મને પણ ગમે છે. હું એ સમયે ગણિત વિષય સાથે બેચલર ડીગ્રીમાં એમના જ કાર્યક્ષેત્રની કોલેજ સેન્ટ ઝેવિયર્સમાં ભણી રહ્યો હતો. કોલેજમાં તો ઘણી વાર દેખાય જતાં પણ નજીકથી મળવાની તક ક્યારેય મળેલ નહીં.  આજે એ મહાન વિભૂતિનો ઇન્ટરવ્યુ લેવાનો પ્રસંગ છે જે અમે (હું અને સીમિત શેઠ) ચલાવતાં કોલેજપત્ર   "મેથેમેટીકલ ઇન્ટેલીજન્સર"માં   લખવાના છીએ.


કમનસીબે મારી પાસે આ પત્રોની કોપી રહી નથી પણ બે-ચાર પોઈન્ટસ  ઇન્ટરવ્યુ સમયની નોંધમાંથી મળે છે જે અહીં ગુલાલ કર્યા છે !

*  જેમને પ્રથમ શીખવામાં અને પછી શીખવવામાં આનંદ મળે એ જ ખરો આદર્શ શિક્ષક!

*  આજના યુવાનો પાસે આશાઓ ઘણી છે પણ યુવાનોની તૈયારી પુરતી જણાતી નથી.

* ગણિત આપણને ચોકસાઈ, પ્રમાણિકતા અને ઉત્સાહ પ્રેરે છે.

* ગણિતના ઉપયોગો એ ગણિતના રસિયાઓએ વિચારવાનો વિષય નથી.

* ફાધર વાલેસની ગણિતના ક્ષત્રે સૌથી મોટી દેન હોય તો એ છે 'કેવળ ગણિત'. તેઓ સૌ પ્રથમ આ વિષય ગુજરાતના આગને લાવ્યા અને આ વિષયના એમના પ્રથમ વિદ્યાર્થીઓ હતાં: પી.સી.વૈદ્ય, એ.આર.રાવ, આઈ. એચ. શેઠ