Friday, November 9, 2007

સરદાર,તિલક અને અંગ્રેજો:શાહબુદ્દીન રાઠોડ


શાહબુદ્દીન રાઠોડ અને મોરારી બાપુ બંનેમાં સામ્ય છે. બંને જણા બોલે ત્યારે વ્યંગ કરે છે, સમકાલીન સમાજનો આયનો બતાવે છે, ખૂબ બધુ વાંચ્યુ હોય એ સરણ વાણીમાં અને બોધપ્રદ રીતે રજૂ કરે છે. મંગળવારે છ નવેમ્બરે ટાગોર હોલમાં આરપાર મેગેઝીન દ્વારા શાહબુદ્દીન રાઠોડની હાસ્યબારસ સંધ્યા હતી. આમાં બકુલ ધોળકીયા, કેડીલાના માલિક શ્રી મોદી, ડીસીપી અભય ચુડાસમા, આજતક ફેમ ધીમંત પુરોહિત આ બધા મોજૂદ હતા. શરૂઆત તો સરસ રહી પણ શાહબુદ્દીનભાઈ જ્યાં થાકે અને વિરામ લેવા બીજા કલાકારને માઈક આપે ત્યાં ઓડિયન્સ ખાલી થતુ જાય.કાર્યક્રમ રાતના સાડા બાર સુધી ચાલ્યો. શાહબુદ્દીનભાઈને અગાઉ બાર વાગ્યા સુધીનુ કહેવાયુ હતુ પણ પછી આયોજકો દ્વારા સવાબાર સુધી ખેંચવાનું કહેવામાં આવતા તેમણે અનિચ્છાએ આગળ ખેંચ્યું અને હોલમાં આયોજકો તરફથી ચાલતો વિડિયો કેમેરો બંધ કરાવી દીધો. ખૈર શાહબુદ્દીનભાઈની આ મહેફિલમાંથી જેપીએ ડાયરીમાં ટપકાવેલી ઢગલાબંધ વાતોમાંથી બે ચાર ચિંતનની વાતો અહીંયા પ્રસ્તુત છે.
- એક વખત સરદાર પટેલ, પુત્રી મણિબેન, સુશીલા નૈયર અને કોઈક ચોથા એમ ચાર જણા બેઠા હતા. આમાંના એકે કહ્યું કે મણિબેન એવા લૂગડા પહેરે છે કે રસ્તા કિનારે ઉભા હોય તો ભિખારી સમજીને કોઈ પૈસો નાખતો જાય. આ સાંભળી સુશીલાબહેને કહ્યુ કે મણિબહેન તો સરદારનું ધોતિયુ ફાટ્યુ હોય એને થીંગડુ મારે અને એ થીંગડાવાળુ ધોતિયુ જૂનુ થાય એટલે એના થીંગડા ઉકેલી પોતાની સાડી પર મારે છે. સરદારે જવાબમાં કહ્યું કે હશે … જેનો બાપ કમાતો ન હોય એની તો આ જ હાલત હોય ને ?
શાહબુદ્દીનભાઈએ કહ્યું કે આવો હતો ભારતનો ગૃહમંત્રી સરદાર. એ સમ્રાટ અશોકથીય વધુ મોટુ રાજ ભોગવનાર હતો. ૫૬૨ દેશી રજવાડા એક કરીને બેઠો હતો પણ એ સરદાર મર્યો તો પાછળ લોખંડની ટ્રંક અને ૨૬૨ રૂપિયા માત્રની મિલકત મૂકીને ગયો હતો. આ વાત જુવાનિયાઓ સુધી પહોંચાડવી જોઈએ કે આવો ય માણસ હતો.(તો લો શાહબુદ્દીનભાઈ અમે દેશગુજરાતના માધ્યમથી આ વાત હજારો જુવાનિયાઓ સુધી અહીં પહોંચાડી દીધી.)
-અંગ્રેજો ભારત પર રાજ કરવા આવેલા ત્યારે ભારતનો સર્વે કર્યો હતો અને તારણમાં કહ્યુ હતુ કે ભારત એવો દેશ છે કે જ્યાં લોકો દેશને નહી પણ પગાર આપનારાને વફાદાર છે.પછી ઈસ્ટ ઈંડિયા કંપની આવી અને ભારત ૧૯૦ વર્ષ ગુલામ રહ્યુ.
-અંગ્રેજોએ આપણા શૂરવીર લડવૈયાઓના શસ્ત્રો ઈંગ્લેન્ડમાં લઈ જઈને મૂકી રાખ્યા છે.શિવાજીની તલવાર અને ગુરૂ ગોવિદસિંહનો ભાલો વગેરે… શાહબુદ્દીને તેમના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પૂછ્યું કે આ ભારતના શૂરવીરોના જૂના શસ્ત્રો કેમ ઈંગ્લેન્ડ લાવીને રાખ્યા છે તો જવાબ મળ્યો કે કોઈ પ્રજાને બરબાદ કરવી હોય તો તેને તેનો ઈતિહાસ ભૂલાવડાવી દેવાનો હોય છે. આ જૂના શસ્ત્રો જોઈને પણ ભારતના લોકોને કાલે એમની વીરતાઅનો ઈતિહાસ યાદ ન આવે અને શૂરાતન ના ચડે એ માટે તેમને અહીં લાવીને મૂક્યા છે.
-લોકમાન્ય તિલકને અંગ્રેજ કોર્ટે પૂછ્યું કે તમારે માફી માંગવી છે તો તમને જવા દઈશું નહીંતો આંદામાન નિકોબારમાં કાળા પાણીની જેલમાં ધકેલીશું. તો તિલકે કહ્યું હતુ કે માફી માંગીને અહીં મહારાષ્ટ્રમાં રહું તો અહીં જ મારા માટે કાળા પાણી અને માફી માંગ્યા વગર આંદામાન નિકોબારની કાળા પાણીની જેલમાં જઊં તો એ જ મારા માટે મહારાષ્ટ્ર.


Shahbuddinbhai, all time hit... Salute !


Source: deshgujarat.com

No comments: