Friday, June 1, 2012

દાનનો મોર્ડન મહિમા

દાન નો મહિમા આપણાં શાસ્ત્રોમાં યથાયોગ્ય ગવાયો હશે પણ આપનું એ બાબતે જ્ઞાન કાચું છે. પણ આજની સ્થિતિ - પરિસ્થિતિ જોતાં આ મહિમા નવા યુગને અનુરૂપ ગાવાનો યોગ્ય સમય લાગે છે.
માંહ્યલામાં જો સામાજિક નિસ્બત જીવતી હોય તો તમને ગમતાં  વિષયોમાં દાનને યોગ્ય સંસ્થા/પ્રવુત્તિઓ/માણસો જરૂરથી મળી આવશે. દાન મંદિરમાં જ થાય કે દાન ધાર્મિક પ્રવુત્તિઓ માટે જ હોય એ વિચારો તો ક્યારનાય જુના થઇ ગયા છે. આજકાલ કઈ બધી ધાર્મિક પ્રવુત્તિઓ ખરેખર ધાર્મિક ક્યાં હોય છે??

રોડ પર ચાની કીટલીએ બેસી ચાની લિજ્જત માણતાં હોવ અને નાનું બાળક તમારા જૂતા પોલીશ કરવા કરગરતું હોય અને તમે એને તમારા જૂતા કાઢી આપો અને બે મિનીટ એની સાથે વાતો કરી એની જિંદગી જાણવા પ્રયત્ન કરો તો કદાચ મંદિરે તમારે પ્રભુદર્શન માટે પણ જવાની જરૂર નહિ રહે. આ પણ એક દાનનો પ્રકાર ના કહેવાય ? 

દાન હમેંશા નાણાકીય જ હોય એ પણ ક્યાં જરૂરી છે? ક્યારેક થોડી સાંત્વના કે થોડી સદભાવના કે તમારો થોડો સમય પણ મહાન દાન બની શકે છે.

સમયદાનનો  યથાયોગ્ય મહિમા અમેરિકામાં છે, કેટલીય લાઈબ્રેરીઓ આવા સમયદાનના સહયોગથી ચાલે છે. આ માત્ર એક નાનકડું ઉદાહરણ છે બાકી મસમોટી પ્રવુત્તિઓ આવી રીતે મોટા પાયા પર થાય છે. મોટા ભાગના કરોડપતિઓ અહી મોટા દાન કરે છે અને આવી પ્રવુત્તિઓમાં જિંદગીભર સંકળાયેલા રહે છે. પણ નાના પાયા પર થતી આવી અસંખ્ય સામાજિક પ્રવુત્તિઓથી સમાજમાં આવા દાનના સંસ્કારનું એનકેન પ્રકાર ઘડતર થાય છે, જે મને લાગે છે આપણે ત્યાં આ સંસ્કારની મહત્તા ખાસ નથી.

આપણે ત્યાં મંદિરોના મેળામાં જવાના રસ્તાઓ પર કેટલીય પરબો અને  જમવાની વ્યવસ્થાઓ જેટલી સરસ રીતે ગોઠવાય જાય છે એટલી સહજતાથી બીજા સામાજિક પ્રસંગોએ એટલી માત્રામાં થતી નથી. મંદિરોમાં જેટલો આરસનો ચળકાટ હોય છે એટલો ભુલકાઓની શાળાઓમાં કે અપંગ કેન્દ્રોમાં નથી જ હોતો. સ્કુલોમાં તૂટી ગયેલી લાદીઓ (ટાઈલ્સ ) છાશવારે છોકરાઓને વાગતી હોય એવું સગી આંખે જોયું છે.

યથાશક્તિ તમારા રસના વિષયને પ્રોત્સાહન આપવા ફૂલની પાંખડી આપી એની સોડમ માનવાની મજા અલગ જ હોય છે. લેવા કરતાં, આપવામાં સંતોષનો ઓડકાર વધારે મીઠો આવતો હોય છે.

મને વિજ્ઞાનમાં અને એમાય ટેકનોલોજીમાં ખાસ રૂચી છે માટે મને એમાં મદદ થઇ શકાય એવી નાનકડી યાદી બનાવેલી જે કૈક આવી છે -

૧. વિકિપીડિયા ( http://wikipedia.org/) 
ક્યારેય તમે આ વાપરો છો ? ઉપયોગી થાય છે? જો હા તો આપણી ફરજમાં આવે છે કે એમાં કન્ટેન્ટ લખીએ અથવા નાણાકીય સહાય કરીએ. ગુજરાતી વિકિપીડિયા પણ છે અને ત્યાં પણ મદદ કરી શકાય.

૨. doc2pdf.net  - હું આ મફત સર્વિસનો ખુબ ઉપયોગ કરું છું. 

૩.  ગુજરાતીલેક્સિકોન ગુજરાતી ડીક્ષનરી અને બીજા પ્રોજેક્ટ્સ - http://gujaratilexicon.com
ગુજરાતી ભાષાના સુંદર પ્રોજેક્ટ્સ ઈન્ટરનેટ પર લાવવા બદલ. એમના પ્રોજેક્ટ્સમાં નવા શબ્દો ઉમેરી કે પછી નાણાકીય સહાય કરી સહભાગી થઇ શકાય.


૪.  AdBlock પ્લગઇન  - હું બધા બ્રાઉઝરમાં આ પ્લગ ઇન ( અથવા એડ ઓન )  વાપરું છું.  દા.ત.  ફાયર ફોક્ષ માટેનું આ પ્લગ ઇન 


તમારા ધ્યાનમાં આવે છે આવા કોઈ પ્રોજેક્ટ્સ ? જરૂરથી જણાવજો.






No comments: