Wednesday, November 28, 2007

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા,નરેન્દ્ર મોદી

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પાછલા કેટલાક દિવસોથી પત્રકારોને નરેન્દ્ર મોદી વિશે ઓફબીટ સ્ટોરી લઈ આવવા માટે જબ્બર મોટિવેટ કર્યા છે. મોદી વિશે કઈ પણ એવી વાત લઈ આવો કે જે રસપ્રદ હોય, અગાઉ ખાસ બહાર ન પડી હોય તો ટાઈમ્સ ઓફ ઈન્ડિયા તેને પ્રથમ પેજ પર છાપે છે. સૌથી પહેલા ટાઈમ્સે સ્ટોરી છાપી કે કેટલાક મહિનાઓ પહેલા મોદી માથે ટોપી પહેરીને ફરતા હતા એનું કારણ એ હતું કે તેઓ આગળના ભાગની ટાલ પર વાળ ઉગે એ માટ વૈદની સલાહથી તેલ લગાવતા હતા અને આ પ્રક્રિયા દરમિયાન નિયમ છે કે માથુ તડકામાં ખુલ્લુ રહેવુ ન જોઈએ એ માટે મોદી ટોપી પહેરતા હતા. થોડા સમયમાં મોદીને વાળ ઉગી ગયા એટલે તેમણે ટોપી પહેરવાની બંધ કરી. ટાઈમ્સે પોતાની સ્ટોરીના સમર્થનમાં મોદીના અગાઉના વધેલી ટાલ વાળો અને હવે ત્યાં વાળ ઉગેલા છે એવુ બતાવતા બે ફોટા પણ પ્રકાશિત કર્યા. જેપીને તો આ સ્ટોરીમાં સત્યતા લાગતી નથી કારણકે ટાલ પર વાળ ઉગાડી દે એવુ તેલ વાર્તાઓમાં જ સારૂ લાગે છે અને બીજુ એ કે મોદી ટોપી પહેરતા હતા ત્યારે ગ્રાન્ડ ભગવતી હોટેલમાં રાત્રિના સમયે પણ ટોપી પહેરેલા જેપીએ જોયેલા છે કે જ્યારે કોઈ તડકો હોતો નથી.
ખેર ટાઈમ્સે બીજી સ્ટોરી નરેન્દ્ર મોદી એક સમયે અમદાવાદના એસટી સ્ટેન્ડની કેન્ટીનમાં કામ કરતા હતા તે અંગે છાપી. ત્રીજી સ્ટોરીમાં રિપોર્ટરને વડનગર દોડાવી જ્યાંથી રિપોર્ટ કરવામાં આવ્યો કે નરેન્દ્ર મોદી નાના હતા ત્યારે વડનગરના તળાવમાં ડૂબકી મારી નાવા જતા તા. એ વખતે તળાવમાં મગર રહેતા હતા. એક દિવસ બાળક નરેન્દ્રભાઈ એક મગરનું બચ્ચુ પકડીને ઘરમાં લઈ આવ્યા. નરેન્દ્રભાઈના માતાએ જીદ કરી કે આ મગરને પાછો તળાવમાં છોડી આવ પણ નરેન્દ્રભાઈ માન્યા નહીં છેવટે નરેન્દ્રભાઈને તેમના માતાએ સમજાવ્યા કે જો તુ મારાથી અલગ થઈ જાય, તને કોઈ મારાથી દૂર લઈ જાય તો મને કેવુ દુ:ખ થાય? તો એવું જ આ મગરના બચ્ચાની માતાને નહીં થતુ હોય ? જા બચ્ચુ પાછુ તળાવમાં મૂકી આવ. અને નરેન્દ્રભાઈ મગરને તળાવમાં છોડી આવ્યા.
વડનગરથી જ ટાઈમ્સના બીજા એક પ્રતિનિધિએ કરેલા અન્ય એક રિપોર્ટમાં નરેન્દ્રભાઈના પિતા વડનગર રેલવે સ્ટેશને ચાની કિટલી ધરાવતા હતા એની વાત છે. નરેન્દ્રભાઈના પિરા દામોદરદાસ કાળો કોટ પહેરતા હતા અને તારંગા જતી ટ્રેન વડનગર સ્ટેશને આવે એટલે તેમાંથી પેસેન્જરોના ચાના ઓર્ડર લેતા હતા. પિતા ઓર્ડર લે ત્યારે દસ વર્ષના સંતાન નરેન્દ્રભાઈ ચા બનાવી કાઢે. વડનગરમાં નરેન્દ્રભાઈના પિતાની કરિયાણાની દુકાન પણ હતી.
અને આજે ટાઈમ્સે અન્ય એક રિપોર્ટમાં નરેન્દ્રભાઈના પુસ્તક આંખ આ ધન્ય છે માટે તેમના ફોટોગ્રાફ પાડનારા ફોટોગ્રાફર વિવેક દેસાઈની મુલાકાત પ્રકાશિત કરી છે કે જેમાં વિવેક દેસાઈ કહે છે કે નરેન્દ્રભાઈ પોતે એક અચ્છા ફોટોગ્રફર છે. જ્યારે નરેન્દ્રભાઈ કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હતા ત્યારે તેમણે ખૂબ સારી ફોટોગ્રાફી કરી હતી જેનું પછી અમદાવાદમાં નિહારીકા ફોટો ક્લબમાં પ્રદર્શન પણ યોજાયુ હતુ. વિવેક દેસાઈએ ટાઈમ્સ સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું છે કે નરેન્દ્રભાઈ ફૂલો સાથે ફોટો પડાવવાનુ ક્યારેય પસંદ નથી કરતા કારણકે તેઓ માને છે કે ફૂલો તેમની સ્ટ્રોંગ ઈમેજ સાથે સુસંગત નથી થતા.
હુંહ!! તો જેમ ટીવીમાં નરેન્દ્રભાઈ આવતા જ ટીઆરપી વધી જાય છે એમ છાપામાં પણ નરેન્દ્રભાઈ હોટ સેલ આઈટમ લાગે છે. નહી તો ટાઈમ્સ ઓફ ઈન્ડિયા જેવુ પ્રોફેશનલ છાપુ નરેન્દ્રભાઈની લાઈફ સીરીઝ ફ્રન્ટ પેજ પર ના ચલાવે.

Source: deshgujarat.com.abg

No comments: