Sunday, November 23, 2008

એક પટેલની આત્મકથા

એક પટેલની આત્મકથા ! – સુધીર શાહ

મિનેશ જશભાઈ પટેલ દસમી ફેઈલ છે. એની ઉંમર ફક્ત 24 વર્ષની છે. પણ સુરત નજીક આવેલા એના ગામમાં જો કોઈને પણ અમેરિકાના ઈમિગ્રેશનને લગતો કોઈ પ્રશ્ન મુંઝવતો હોય તો તેઓ સુરત, નવસારી, બારડોલી, આણંદ, બરોડા, અમદાવાદ કે મુંબઈના વિઝા કન્સલટન્ટોને નહીં પણ મિનેશની સલાહ લે છે. મિનેશે 24 વર્ષની ટૂંકી જિંદગીમાં અમેરિકાના ઈમિગ્રેશનની લાંબી સફર ખેડી છે. કેવી રીતે ? ચાલો જોઈએ….

નાનો હતો, માંડ ચાર કે પાંચ વર્ષનો, ત્યારે એની ફઈએ એમનું ફેમિલી ફોર્થ પ્રેફરન્સ કેટેગરી હેઠળ દાખલ કરાયેલું ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન કરંટ થતા, મિનેશનું નામ પોતાના દીકરા તરીકે એમના પિટિશનમાં ઘુસાડ્યું હતું ! કોન્સ્યુલર ઑફિસરને વહેમ આવતા એણે મિનેશની ફઈને એનો અને મિનેશનો ડી.એન.એ. ટેસ્ટ કરવા જણાવ્યું હતું. જો આ ટેસ્ટ કરાવે તો પોલ પકડાઈ જાય એટલે એની ફઈએ એમ કરવાનું ટાળ્યું હતું. મિનેશના સદભાગ્યે એ જમાનામાં વિઝાની દરેક અરજીઓ કોમ્પ્યુટરમાં રેકોર્ડ કરવામાં આવતી ન હોવાથી મિનેશ એની ફઈનો છોકરો છે એવો રેકોર્ડ અમેરિકન કોન્સ્યુલેટમાં રહ્યો ન હતો. એ પછી તે દસ વર્ષની ઉંમરનો થયો ત્યારે મિનેશના પિતાએ અમેરિકી વિઝિટર્સ વિઝાની અરજી કરી હતી અને સાથે સાથે આખા કુટુંબની પણ વિઝિટર્સ વિઝાની અરજી કરી હતી. આખા કુટુંબની એ અરજી નામંજૂર કરવામાં આવી હતી. એ પછી મિનેશની માએ એ પોતે એક મંદિરમાં વર્ષોથી પૂજાપાઠ કરાવે છે એવું જણાવીને આર-1 વિઝાની અરજી કરી હતી અને પોતાના ડિપેન્ડન્ટ તરીકે મિનેશ અને એના પિતાની આર-2 વિઝાની અરજી કરી હતી. એક પટેલ પુજારી કેવી રીતે હોઈ શકે એવું જણાવીને આ અરજીઓ નકારવામાં આવી હતી.

ત્યારબાદ મિનેશના પિતાએ એક નાટક ભજવનાર મંડળીમાં જોડાઈને અમેરિકા નાટક ભજવવા જવું છે એમ જણાવીને પી-3 વિઝાની અરજી કરી હતી અને પોતાની સાથે સાથે મિનેશ અને એની માતાએ પી-4 વિઝાની અરજી કરી હતી. કોન્સ્યુલર ઑફિસરે મિનેશના પિતાને જ્યારે નાટકમાંનો એમનો રોલ ભજવી બતાવવાં કહ્યું ત્યારે મોઢા પર કોઈ પ્રકારના ભાવ દર્શાવી ન શકવાના કારણે તેમજ ડાયલોગ સરખી રાતે ઉચ્ચારી ન શકવાને કારણે, ‘તમે એકટર નથી’ એમ કહીને એમની અને સાથે સાથે મિનેશ અને એની માની અરજી પણ ફગાવી દીધી હતી. એ પછી મિનેશના કાકા જેઓ અમેરિકન સિટિઝન હતા એમણે મિનેશને દત્તક લેવાનો પ્લાન ઘડ્યો હતો પણ એમને પોતાના બે બાળકો હતા અને તેઓ મિનેશ આગળ ભારતમાં બે વર્ષ રહી શકે એમ નહોતા. આથી એમને જણાવવામાં આવ્યું હતું કે તેઓ મિનેશને હિન્દુ ધર્મના કાયદા હેઠળ દત્તક લઈ ન શકે.


એ પછી મિનેશના પિતાએ મેક્સિકોની સરહદથી ભોંયરું ખોદીને અમેરિકામાં પ્રવેશવાની કોશિશ કરી હતી. પણ જેવા તેઓ અમેરિકાની સરહદની અંદર ભોયરામાં બહાર નીકળ્યા કે એમની ધરપકડ કરવામાં આવી હતી. પણ સારા નસીબે એમને ફક્ત બેચાર દંડા મારીને અમેરિકાની બોર્ડર પોલિસે ફરી પાછા મેક્સિકોમાં ધકેલી મુક્યા હતા. હવે આ દરમિયાન મિનેશ અઢાર વર્ષનો થઈ ચૂક્યો હતો અને દસમી ફેલ હોવા છતાં બોગસ સર્ટિફિકેટો અને માર્કશીટ મેળવીને અમેરિકાની એક કમ્યુનિટી કૉલેજમાં બેચલરનો કોર્સ કરવા માટે એડમિશન મેળવી લીધું હતું પણ ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓની જેમ જ મિનેશને અંગ્રેજી બોલવાના ફાં ફાં હતા. આથી, ‘અંગ્રેજીમાં અપાતુ શિક્ષણ તું કેવી રીતે ગ્રહણ કરી શકીશ ?’ એમ કહીને કોન્સ્યુલર ઑફિસરે મિનેશની સ્ટુન્ડ વિઝાની અરજી નામંજૂર કરી હતી. મિનેશ ત્યારબાદ થોડા વધુ બોગસ સર્ટિફિકેટો મેળવીને પોતે સ્નાતક છે એમ જણાવીને એના એક અમેરિકન સખાવતી એચ-1બી વિઝા માટેનું પિટિશન દાખલ કરાવ્યું હતું પણ એ સ્વીકારાયું જ ન હતું.

બ્રહ્માસ્ત્ર તરીકે મિનેશે ત્યારબાદ અમેરિકન નાગરિક જોડે લગ્ન કરીને અમેરિકામાં પ્રવેશવાનું વિચાર્યું હતું. પણ એના કમનસીબે એને એની ઉંમરની કોઈ નિર્દોષ ડિર્વોસી જડતી ન હતી અને કુંવારી અમેરિકન સિટિઝન કન્યા એની જોડે લગ્ન કરવા તૈયાર નહોતી ! આખરે મિનેશ પોતે હિન્દુ છે અને એના ગામની આજુબાજુ અન્ય ધર્મના વ્યક્તિઓની વસ્તી વધુ છે આથી પોતાની સલામતી જોખમાં છે એવું જણાવીને અમેરિકામાં રાજકીય આશરો મેળવવા અરજી કરી છે. એના ઉપરના નિર્ણયની મિનેશ વાટ જુએ છે. મોટા ભાગે તો એ અરજી પણ નકારાશે અને જો એમ થશે તો મિનેશ કેનેડાની બોર્ડર ઉપરથી અમેરિકામાં ઘુસવાનો પ્લાન ઘડ્યો છે !!

આટઆટલી વિઝાની અરજીઓ કરતા મિનેશને અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાની પૂરેપૂરી જાણકારી મળી છે. એણે લગ્ન નથી કર્યા પણ જાનમાં તો એ વારંવાર ગયો છે ! ઈમિગ્રેશનના કાયદાની છટકબારીઓ એ બરાબર જાણે છે અને કોન્સ્યુલર ઑફિસરોનો સ્વભાવ અને વર્તનથી એ અત્યંત વાકેફ થઈ ગયો છે. આથી જ એના ગામ જ્યાના લગભગ દરેકે દરેક ઘરમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ અમેરિકામાં રહે છે, ત્યાંના લોકો અમેરિકાના ઈમિગ્રેશનને લગતા એમના કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ મિનેશ આગળ શોધે છે. મિનેશ જાત અનુભવ ઉપરથી એ વિષયમાં ખાં બની ગયો છે અને કોઈપણ હોશિયાર ઈમિગ્રેશન એડવોકેટને જાણ ન હોય એ સર્વે બાબતોની એને જાણ છે. એ વાત જુદી છે કે, જો તમે મિનેશ આગળ અમેરિકાના ઈમિગ્રેશનને લગતો કોઈ પ્રશ્ન લઈને જશો તો મિનેશ તમને ખોટું કરવાની જ સલાહ આપશે અને આથી તમારા વિઝા મેળવવાના સંજોગો ઘટી જશે ! (‘મુંબઈ સમાચાર’ માંથી સાભાર.)

Source: ReadGujarati.com

No comments: