Tuesday, November 25, 2008

ચાવીને ચાવી શકાતી નથી!


મારા ભાઈ-ભાભી રાજકોટ રહે છે. આવી મોંઘવારીમાં પણ બંનેને બેય ટાઇમ જમવા જોઈએ છે. એટલે બંને સર્વિસ કરે છે! એમનો દીકરો-દીકરી કોલેજમાં ભણે. ચારમાંથી કોણ ગુલ્લી મારીને વહેલું ધેર આવી જાય એ નક્કી ન હોય તેથી એ લોકો તાળું મારીને ચાવી કંપાઉન્ડમાં રાખેલા કૂંડામાં ખોસી દે! જોકે કૂંડામાં ખોસવા છતાં ચાવી કયારેય ઊગીને એકની બે નહોતી થઈ! કૂંડાના ખાતરમાં ખામી... બીજું શું?!

એક વાર એવું થયું કે એમની દીકરી અમીષા વહેલી અને પહેલી ઘરે આવી. એણે ચાવી લેવા રાબેતા મુજબ કૂંડામાં હાથ નાખ્યો. પણ ચાવી નહોતી. એને થયું કે મમ્મીએ કદાચ પડોશીને ચાવી આપી હશે. એટલે એણે બાજુવાળાને પૂછ્યું કે, ‘મમ્મી ચાવી આપી ગઈ છે?!’ તો પડોશી કહે, ‘ના રે... પણ કેમ, ચાવી કૂંડામાં નથી?!’ અમીષાએ સોસાયટીમાં બીજા ધેર, ત્રીજા ધેર, પૂછપરછ કરી તો એમણેય એવું જ પૂછ્યું કે, ‘કેમ, કૂંડામાં નથી?’ આમ અડધી સોસાયટીને ખબર હતી કે આ લોકો ચાવી કૂંડામાં રાખે છે! ફકત આ લોકોને જ નહોતી ખબર કે પડોશીઓ એમની ચાવીને ‘ચાવી’ જાણે છે!

આપણે ઘરને જો રેઢું મૂકીએ તો લોકોને ખ્યાલ આવી જાય કે આમના ઘરમાં ગાભા જેવા પાર્ટીવેર, એલ્યુમિનિયમના ઠોંચરા અને પ્લાસ્ટિકના ઘરેણાં સવિાય કશું છે નહીં. એટલે આપણી પાસે કીમતી વસ્તુઓ છે તેવો ભ્રમ ઊભો કરવા જ આપણે ઘરને તાળું મારીએ છીએ અને પૈસાદાર છીએ એવો રૂઆબ છાંટવા જ ચાવી પડોશીને જ આપીએ છીએ!! બીજું કે આપણે અમદાવાદ રહેતા હોઈએ અને સગાં સુરેન્દ્રનગર રહેતાં હોય તો રોજેરોજ ચાવી આપવા સુરેન્દ્રનગર ન જવાય ને? અને એટલે જ ચાવી પડોશીને જ આપવી પડે. ત્

ોથી પડોશીઓને મસકો મારવા જ ‘પહેલો સગો પડોશી’ એવું સૂત્ર તરતું મુકાયું છે. આમેય પડોશીનો ઉપયોગ મોટે ભાગે ચાવી આપવા માટે જ થાય છે. છતાં કેટલાક પોતાની ચાવી પડોશીને આપવાને બદલે કૂંડામાં કે બારણાની બહાર બનાવેલા ગણપતિના ગોખલામાં રાખે છે. એનું કારણ જણાવતાં મૂળચંદ કહે છે કે અમારા બધાં સગાં દગાખોર નીકળ્યા છે. અને પડોશીને પાછો પહેલો સગો કીધો છે. ઐટલે અમે પડોશીને ચાવી આપતાં ગભરાતા હોઈએ છીએ!

તાળું મારવું જેટલું સહેલું છે એટલું જ ચાવી સાચવવું અઘરું છે. ઘરમાં જેટલા સભ્યો હોય એટલી સંખ્યામાં ચાવી બનાવડાવી બધા પાસે એક એક ચાવી રાખવી. આ વિકલ્પ પણ લાગે છે એટલો સહેલો નથી. કારણ કે કયારેક એકાદ સભ્ય ચાવી રાખેલું પર્સ કે પેન્ટ ધેર જ ભૂલી જાય એવું બને! એટલે બધાની ચાવી બનાવડાવો તોય પડોશીને આપવા માટે તો એક બનાવડાવવી જ પડે! એટલે જ કહું છું કે ‘આપણી ચાવી’ પડોશીના હાથમાં ભલેને રહી!!

ચાવી એ ચાવી હોવા છતાં એને ‘ચાવી’ શકાતી નથી એ ચમત્કાર નહીં તો બીજું શું? અને કદાચ એકવાર ચાવી પણ જાવ તો એને પેટમાંથી પાછી લાવી શકાતી નથી. એટલે ચાવીને અન્ય રીતે જ ચોરનજરથી બચાવી લેવી ઘટે!

છમ્મવડું : ‘આપણે પડોશીને રોજ ચાવી આપીએ છીએ છતાં તેઓ કેમ આપણા ઘરમાંથી કંઈ ચોરી નથી જતાં?’ ‘કારણ કે એમના ઘરની ચાવી આપણા હાથમાં હોય છે!’

Source: DivyaBhaskar.co.in

1 comment:

Anonymous said...

ગુજરાતીમાં લેખ અને મને પણ (માત્ર) ગુજરાતી જ આવડતું હોવાં છતાપણ અંઘરેજીમાં કહું તો - રીયલી નાઇસ સેન્સ ઑફ હ્યુમર !

નાઇસ આવે કે ન આવે એવું નહી પુછવાનું. ફરી એક વાત અંગ્રેજી (આવડી ગયુ ને?) ઠપકારું? = Lol!