Tuesday, November 25, 2008

મારું લગ્નજીવન

રિદ્ધિ દેસાઈ

એક સવારે એને ગુલાબી ઊંઘમાંથી ઉઠાડવામાં આવી.
એય… ઊઠ… ચા મૂક…
શું છે ! હું ચા નથી પીતી….
બીજી સવાર –
એય… ઊઠ… ચા મૂક….
હું ચા નથી પીતી યાર !
મારી માટે તો મૂક….
ચામાં ખાંડની જગ્યાએ ચમચી ભરીને મીઠું નાખવામાં આવ્યું.
એ પછી એને ક્યારેય સવારે ઊઠાડવામાં ન આવી.

એક સુંદર લઘુકથાનો આભાસ આપતી ઉક્ત ઘટના એ કોઈ કથા-બથા નથી, સત્ય છે. કોના લગ્નજીવનનું, એ તમે સમજી ગયા હશો. પુરાણોમાં પણ સાઉથ ઈન્ડિયનને પરણવાના અનેક ફાયદાઓ વર્ણવાયા છે. પ્રજા મહેનતકશ છે. એય એટલે સુધી કે એને ફીફાં ખાંડવા આપો તોય પૂરી મહેનત અને લગનથી ખાંડે ! મેનન (મારા પતિ) રોટલી એમના મોઢા જેવી (કાળમીંઢ અને ઘાટ વગરની) બનાવે. પણ ઈડલી-ઢોસા-સાંભારમાં કોઈ એમનો હાથ પકડી શકે નહીં. (હાથ પકડે તો એ બનાવે શી રીતે ?) આઠ-દસ બહેનપણીઓને જમવા બોલાવી હોય તો સમાજમાં ઈજ્જત વધે. ઈજ્જત જ નહીં, મારે તો શાંતિય જબ્બર વધી છે, કેમ કે જીવનમાં ‘સાસુ’ નામનું પાત્ર જ નથી ! ‘નથી’ એટલે મારી સાસુ અલ્લાહને પ્યારી થઈ ગઈ છે એવું નથી. (એ તો હજી મારા સસરાનેય પ્યારી થઈ શકી નથી) અમે પતિ-પત્ની વિદેશમાં વસ્યાં છીએ અને એ જમીન-સંપત્તિની દેખરેખ માટે ભારતમાં જ રહ્યાં છે. કહેનારે ખરું કહ્યું છે – ધન-દોલત માણસને પોતાના માણસથી અળગા કરી નાખે છે…. હાશ !

લગ્નજીવનની શરૂઆતમાં તમે નોંધ્યું હશે કે દરેક પતિ કલ્પવૃક્ષ જેવો હોય છે. એ ઘરની ચાદરથી લઈને પ્રાણ સુધીનું બધું પાથરી દેવા તૈયાર હોય છે. પણ મારે મન ચાદર કરતાં દેશ વધુ મહત્વનો એટલે લગ્નની પ્રથમ રાત્રિએ જ મેં દેશપ્રેમનો ઝંડો ફરકાવેલો – ‘જુઓ, આજની ભયંકર પરિસ્થિતિ જોતાં દેશની વસતિમાં વધારો કરવો એ દેશદ્રોહ જ ગણાય ! યુનો, અમારા વાઈબ્રન્ટ ગુજરાતમાં એક નારો અત્યંત બુલંદ થયો છે – નહીં બાળ, જયગોપાળ !’
‘એટલે ?’
‘એટલે કે જે બાળ-બચ્ચાંની માયામાં પડતો નથી એનો સ્વયં ગોપાળકૃષ્ણ જયજયકાર કરે છે…. એવા મનુષ્યો શ્રીકૃષ્ણને બહુ પ્રિય છે….’ પણ ભેંસ આગળ ભગતસિંહ, કે મારાથી ઈમ્પ્રેસ થવાને બદલે એ ખડખડાટ હસવા માંડેલા. આ તો ઓશીકું અને ચાદર લઈને મેં ચાલતી પકડેલી, એમાં એ દ્રવી ગયેલા – ‘ઓ.કે. તું કહીશ એમ જ થશે, બસ !’

પ્રેમલગ્નની આ જ નિરાંત છે. એકબીજા સમક્ષ ખૂલીને વ્યક્ત થઈ શકાય છે. પણ લગ્નજીવનમાં જેમ જેમ અમે વધારે ખૂલતાં ગયાં એમ એમ સમજાતું ગયું કે દેહરચના ઉપરાંત અમારા વિચારો, સ્વભાવ, ટેવ, ટેસ્ટ, શોખ-બોખ બધું જ સાલું અલગ છે ! (આ નભ ઝૂકયું તે કાનજી ને પાતાળલોક તે રાધા રે !) કોઈ પણ નોર્મલ માણસ હોય તો એ પથારી અથવા છત્રપલંગ પર સૂએ. વધુ સુખ જોઈતું હોય તો પલંગ પર મખમલની ચાદરબાદર બિછાવે. પણ મારા એમને તદ્દન લીચડ અને મુફલિસ જેવો – અર્થાત લીલા ઘાસ પર સૂવાનો શોખ ! નવરા પડે એટલે એ તો ભોંયભેગા થાય, ને મનેય હેરાન કરે – ‘ચાલને, ઘાસ પર સૂતાં સૂતાં વાદળોને જોઈએ !’ એટલે મારી સણકે. ‘કેમ ? વાદળમાં ઉમરાવજાનનો મુજરો ચાલે છે ? અમારે ત્યાં તો લુખ્ખાઓ જ ઘાસ પર સુએ. બપોરે બગીચામાં ડોકિયું કરો તો ઠેર ઠેર જોવા મળે !’ એમની ટેવો જ સાવ જુદા પ્રકારની.

લગ્નને વરસ પણ વીત્યું નહોતું ને એ ગલત દોસ્તોની સોબતમાં શાસ્ત્રીય સંગીતના રવાડે ચડી ગયેલા. કોઈ ગમે એટલો દંભ કરે પણ એ હકીકત છે કે શાસ્ત્રીય સંગીત દસ મિનિટથી વધારે સાંભળી શકાતું નથી. માથું ભમી જાય છે ! એમાં અમારે ત્યાં તો સવાર સવારમાં ભીમસેન (જોશી)ની ગદાના પ્રહારો શરૂ થઈ જતા (ગદા=સંગીત). એમની પાછળ સુબ્બુલક્ષ્મી અને પરવીનબેન સુલતાના કછોટો વાળીને તૈયાર ઊભાં હોય ! એ પછી વીણાવાદનનો મૂઢમાર શરૂ થઈ જાય ! મા શારદાના સોગન, મહામુસીબતે એમને આ બૂરી લતમાંથી ઉગારેલા.

ટૂંકમાં કહું તો એમનામાં સજ્જન માણસોનું એકપણ લક્ષણ નહીં, એટલે અમારે તો સવારના પહોરથી જ ટંટા શરૂ થઈ જતા. એક તો લાટસાહેબને રોજ નાહવા જોઈએ. એટલું ઓછું હોય એમ નાહીને એ સૂર્યની સામે લોટો ભરીને પાણી ઢોળી દે. મારાથી એ બરદાશ થાય નહીં એટલે હું એમને ટોકતી : ‘ડુ યુ નો ? ગાંધીજી ફક્ત ત્રણ લોટા પાણી વડે નાહતા…’ ‘છી ! એમાં જ અંગ્રેજો ભારત છોડી ભાગી ગયેલા ?’ કોઈ ગાંધીબાપુની મશ્કરી કરે પછી હું ગુજરાતણ એને છોડું ? ઘરમાં ધમાધમી મચી જતી. ઘરેલું અસ્ત્ર-શસ્ત્રના પ્રહારો શરૂ થઈ જતા ! પરંતુ અહીં પણ એમની ધીટતા છાપરે ચડીને પોકારતી. કઠોર પરિશ્રમ કરીને હું રેડિયો, ટેપરેકોર્ડર, ખુરશી, ટેબલ, દળદાર પુસ્તકો વગેરેનો પ્રહાર કરતી અને સામે પક્ષે એ પેન, પેન્સિલ, રબર કે સિગારેટનું ખોખું જ મારતા ! કામચોરીની બી કોઈ હદ હોય કે નહીં ? શીટ્ !

આમ અમારા વિચારોમાં સખત અને સતત મતભેદ. છતાંય એક નિયમ અમે જીવનભર પાડ્યો છે. ભાણે જમવા બેસીએ એટલે બધા ડિફરન્સો ભૂલી જવાના. અલબત્ત, અમારા બંનેના ભોજનનો પ્રકાર અલગ. મારા ‘એ’ ઘાસ-ફૂસ ખાનારા, જ્યારે મને તો પકવાનો વગર ન ચાલે. છતાં ભોજન આરોગતા હોઈએ ત્યારે મા અન્નપૂર્ણાને સન્મુખ રાખીને અમે એકબીજાને પૂરો સાથ-સહકાર આપીએ.

સંસાર તો પંખીનો માળો છે ભૈ. બે વાસણ ભેગાં થાય તો ખખડે-ટિચાય-ગોબાય-પતરુંબતરું ફાટીય જાય. પણ એનો મતલબ એ નથી કે અમારી વચ્ચે પ્રેમ નથી. તપેલીમાં તપેલી અને પ્યાલામાં પ્યાલો ગોઠવાયો હોય એમ અમે એકબીજામાં હળીમળી જઈએ છીએ; સમાઈ જઈએ છીએ. અમને જોઈને કોઈને કલ્પનાય ના આવે કે હજી અડધા કલાક પહેલાં જ મેં એમને ‘લોકસંસ્કૃતિમાં પશુઓ’ ગ્રંથ છૂટ્ટો માર્યો હશે….. બાય ધ વે, અમારે ઘેર રહી ચૂકેલા ઘણા મહેમાનોએ અમને પૂછ્યું છે : ‘આ લોકસંસ્કૃતિમાં પશુઓ એટલે….. (તમે બે ?)’

Source: ReadGujarati.com

No comments: