Sunday, December 2, 2007

અમેરિકા : ‘સુપર પાવર’માંથી હવે વૈશ્વિક ‘ડિસ્કાઉન્ટ મોલ’ ભણી...

અમેરિકા : ‘સુપર પાવર’માંથી હવે વૈશ્વિક ‘ડિસ્કાઉન્ટ મોલ’ ભણી...
Anil Patel, Ahmedabad
Sunday, December 02, 2007 21:32 [IST]

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે તાજેતરમાં નિમેષ કંપાણીને માણવાનો અવસર મળ્યો. ભવિષ્યના ભારતનું આકલન કરતાં તેમણે ઘણી રસપ્રદ વાતો કરી, જેમાં એક મુદ્દો અમેરિકન અર્થતંત્રનો પણ હતો. તેમણે કહ્યું કે અમેરિકા બહુ નજીકના સમયમાં જ મંદીનો ભોગ બનશે. આ મંદી એકથી દોઢ વર્ષની હોઈ શકે પરંતુ સંજૉગો વકરે તો લાંબી પણ ચાલી શકે છે.
ઇન્વેસ્ટમેન્ટ ગુરુ જીમ રોજર્સે આજથી અઢી દાયકા પહેલાં ભાખ્યું હતું : ૨૧મી સદી ચાઈનાની હશે. અમેરિકા સુપર પાવર તરીકેનું સ્થાન ગુમાવશે. તેની ભૂગોળ બદલાઈ જશે. તે કાળે કોઈએ જીમ રોજર્સના કથનને ગંભીરતાથી લીધું ન હતું, આજે સ્થિતિ જુદી છે. અમેરિકાએ ઘણા જલસા કર્યા, હવે પેમેન્ટનો સમય આવ્યો છે. દુનિયા આખીમાંથી પોતાને જરૂરી તમામ માલ-સામાન સસ્તો મળી રહે, વિશ્વ આખું મજૂરી કરે ને પોતે આરામથી ખાય તે માટે ગોઠવેલા આર્થિક શતરંજના દાવપેચ તેને ખુદને ભારે પડવા માંડયા છે.
આખું અમેરિકા ઉધારી પર જીવે છે. બચતદર શૂન્ય છે ! આંધળા ઉપભોકતાવાદે ત્યાં લોકોને સાવ ખોખલા કરી નાખ્યા છે. ગોલ્ડ સ્ટાન્ડર્ડનો અંત લાવી પોતાના ચલણ ડોલરને તેણે ‘વલ્ર્ડ કરન્સી’ બનાવી. બજારમાં ડોલર સતત મજબૂત રહે અને વિશ્વભરનો માલ પોતાને સસ્તામાં મળી રહે એ માટે અન્ય દેશોનાં ચલણ યેનકેન પ્રકારેણ નબળાં બનાવવાની અમેરિકાની રમતનું હાર્દ છે : તમે મને માલ આપો, હું તમને ટ્રેઝરી બોન્ડ આપીશ !
આપણા અગાઉના વેપારી શાહુકારોની ખબર છે ને ? આજુબાજુ બધેથી માલ લેવો તેના રૂપિાયની ચિઠ્ઠી ફાડવી ને પછી પાર્ટીને કહેવું કે બધા એક સાથે શા માટે લઈ જાય છે ? - લુંટાઈ જશે કે ખોટા વપરાઈ જશે. ખપ પૂરતા લઈ જા, બાકીના પેઢીમાં રહેવા દે અને આજ નાણાં પછી લોકોને વ્યાજે ધીરવાં !!
હા, મૂળ વાત છે અમેરિકાની, અમેરિકન પાવરના પાયામાં રહેલો ડોલર ડોલવા માંડયો છે. ચાલુ વર્ષે વિશ્વના મોટા ભાગનાં ચલણો સામે ૮-૧૨ ટકા ગગડયો છે. કેનેડિયન ડોલર જેવી કરન્સી સામે તો ડોલરનું મૂલ્ય બે વર્ષમાં ૩૧ ટકા ઘટયું છે. ડોલરના ડેપ્રિશિએશનથી સુપરપાવર અમેરિકા હવે ‘વલ્ર્ડ ડિસ્કાઉન્ટ મોલ’માં ફેરવાતું જાય છે. જીમ રોજર્સ જેવાઓ તેમની ડોલર સ્વરૂપની તમામ એસેટ્સને ચાઇનીઝ યુઆન કે અન્ય કરન્સીમાં ફેરવવાની જાણ કરી ચૂકયા છે.
મોરેશિયસ જેવા ટચુકડા દેશોમાંય લોકો ટુરિસ્ટોને ડોલર સિવાયની કરન્સીમાં પેમેન્ટ કરવાનું કહેવા માંડયા છે. ડોલરના દા’ડા ધીરે ધીરે ભરાઈ રહ્યા છે. ૨૧મી સદીના અંતે અમેરિકા કયાં હશે? ૧૯મી સદી બ્રિટનની હતી, ૨૦મી સદી અમેરિકાએ નંબર-વનની સાહ્યબી ભોગવી. ૨૧મી સદી તેના અસ્તાચળની બની રહેશે. સૂર્ય ફરી પાછો પૂર્વમાંથી ઊગશે...! અમેરિકન ઓટની અસર આગામી સમયમાં વિશ્વભરની ચિંતાનું કારણ બનશે. ઘણી બધી આર્થિક-રાજકીય ઊથલ-પાથલ કરાવશે.

Alpesh B - Will post a separate write-up Nimesh Kampani on his experience on the Share Market. His views on American Dollars Vs. Indian Rupee. etc. In summary, he predicts 1 USD = 33 INR !
Source: divyabhasker

No comments: