Tuesday, November 13, 2012

કસોટી સ્માર્ટફોનની


ગયા અંકનો સવાલ: 


વિષય: તર્ક ( લોજીક )
ગહનતા : 3.5/5
આજના કોયડાઓ આમ તો ખુબ જાણીતાં છે પણ તોય જવાબ યાદ ના હોય તો વાળ ખેંચાવે એવા છે !

1) વિહંગ અને વિમર્શ જોડિયા ભાઈઓ છે અને એમની જન્મતારીખ હમણા આવી રહી છે, એટલે થોડા ફૂલો લાવી રાખ્યા છે. મારી પાસે કેટલાં ફૂલો હશે જો બે સિવાયના બધા ગુલાબ હોય, બે સિવાયના બધા કરેણ હોય અને બે સિવાયના બધા કમળ હોય ?!

2) આજે  વિમર્શનો જન્મદિવસ છે, તેનો મોટો પણ જોડિયો ભાઈ વિહંગનો જન્મદિવસ પરમદિવસે છે, આવું કેમ? આપણો  આઝાદદિવસ અને પાકિસ્તાનનો આઝાદી દિન અલગ જ છે ને! પણ આ કોયડામાં નાના વિમર્શનો જન્મદિવસ મોટા વિહંગના જન્મદિવસ પહેલાં આવે છે એ વાત પણ ઉકેલજો જરાં.


જવાબ:

1) આ કોયડો સરળ છતાં અટપટો છે પણ તમે જવાબ વાંચશો તો લાગશે ઓહ આ તો એકદમ સરળ છે. એમની પાસે એક કરેણનું, એક કમળનું અને એક ગુલાબનું ફૂલ હશે !

2) આ કોયડો ખુબ અટપટો છે અને તર્કની સાથેસાથે થોડું સામાન્ય જ્ઞાન પણ ચકાસે એવો કોયડો છે. અહી બે સવાલ છુપાયેલા છે. પહેલો સવાલ એ કે બે જોડિયા ભાઈઓના જન્મદિવસ વચ્ચે 2 દિવસનો તફાવત કેમ, અને બીજો સવાલ જે વધુ આંટીઘૂંટીવાળો છે એ કે મોટા ભાઈ નો જન્મદિવસ કેમ પાછળથી આવે છે ?

ચાલો જોઈએ આ ટ્રીકી કોયડાનો જવાબ.

પહેલા એક સાદો કેસ વિચારતા,

ધારો કે 28 ફેબ્રુઆરીની મધરાતે એક ભાઈનો જન્મ થયો અને થોડી મીનીટો પછી 1લી માર્ચની વહેલી સવારે બીજા ભાઈનો જન્મ થયો. એટલે કે એ લીપ યર ન હતું. પણ આજે જયારે બે દિવસનો તફાવત છે ત્યારે લીપ યર છે એટલે કે એક ભાઈનો જન્મ દિવસ 28મીએ છે જયારે બીજા ભાઈનો જન્મદિવસ 1લી માર્ચના રોજ છે પણ વચ્ચે 29
 ફેબ્રુઆરીનો ખાલી દિવસ આવે છે! આમ બીજા ભાઈનો જન્મદિવસ પરમદિવસે આવે એ શક્ય છે.

સારું હવે જોઈએ નાના ભાઈનો જન્મદિવસ 1લી તારીખે અને મોટા ભાઈનો  28 તારીખે કઈ રીતે શક્ય છે.

બે ભાઈઓના જન્મ સમય વચ્ચેથી જો GMT ( ગ્રિનવીચ મીન ટાઇમ) રેખા પસાર થાય તો સમયમાં 12 કલાકનો ફેર પડે. ભારતથી અમેરિકાની દિશામાં જતા હો તો 12 કલાક સમય પાછળ જાય અને અમેરિકાથી ભારતની દિશામાં સમય 12 કલાક આગળ વધે. આમ, મોટા ભાઈનો જન્મ 1લી માર્ચે વહેલી સવારે થયો અને બીજા ભાઈનો જન્મ GMT ની સામેની બાજુ ( વિમાનમાં અથવા શીપમાં મુસાફરી દરમિયાન ) થયો જ્યાં સમય 12 કલાક પાછો ઠેલાયો અને નાના ભાઈ નો જન્મ 28 ફેબ્રુઆરીના રોજ થયો !સાચા જવાબ આપનાર બુદ્ધિશાળી વાંચકો, આ રહ્યા -

1) રાગ હાર્દિક જોશી, આણંદ
2) રોહિત અને જીગ્નેશ પંચાલ, માલણ (પાલનપુર)

End Game


વિષય: તર્ક ( લોજીક ) - ગણિત 
ગહનતા : 4/5

તમારી પાસે 2 આઈ-ફોન 5 સ્માર્ટફોન  છે !! એક 100 માળના સ્કાય સ્ક્રેપર બિલ્ડીંગ પાસે તમને ઉભાં રાખવામાં આવ્યા છે. તમને આઈ-ફોન ટેસ્ટ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. જરાક ધ્યાન દઈને સાંભળજો જો જરાક પણ આડું અવળું કર્યું છે કે ખોટો જવાબ લાવ્યા તો જોબમાંથી પાણીચું નહિ તો પ્રમોશન!

બંને ફોન એકદમ એકસરખાં છે એના લુક, ફિલ, મજબૂતાય બધું જ. કોઈ પણ રીતે  સહેજ પણ ફેર નથી. હવે તમારે આ ફોનની મજબૂતાય માપવાની છે. બિલ્ડીંગના કેટલા માળ ઉંચેથી આ ફોન પડતો મુકીએ તો  એ તૂટતો નથી એ શોધવાનું છે. આઈ-ફોનની  હવે પછીની એડમાં કહેવામાં આવશે કે દુનિયાનો એકમાત્ર ફોન જે X માળ પરથી ફેંકો તો પણ તૂટતો નથી. માટે તમારે શક્ય તેટલો ઉંચો માળ  શોધવાનો છે. દાખલા તરીકે જો ફોન 25માં માળ પરથી પડતો મુકવાથી પણ ના તૂટતો હોય અને તમે જો જવાબ 24 લાવો તો તમે ખોટા સાબિત થશો. તમારી જેમ બીજા પણ આ ટેસ્ટ કરી રહ્યા છે અને બધાનો જવાબ એક સરખો જ આવશે. એટલે કે તમારે ઊંચામાં ઊંચા ક્યાં માળ પરથી આ ફોન પડતો મુકીએ તો પણ એ તૂટે નહિ એ શોધવાનું છે.

પણ કેટલીક શરતો છે. તમને માત્ર બે જ ફોન આપવામાં આવ્યા છે, એ બંને ફોન તૂટી જાય ત્યાં સુધી તમે ટેસ્ટ કરી શકો છો. અને તમારે ઓછામાં ઓછી વખત ફોન પડતો મુકીને ( ફેંકીને નહિ !) આ જવાબ લાવવાનો છે અને તમારે એ પણ જણાવવાનું છે કે કેટલી વખત ફોન પડતો મૂકી તમે ઉપરોક્ત જવાબ શોધો છો. ફોન પડતો મુકવો એટલે ધારો કે તમે 45માં માળ  પરથી ફોન નીચે નાખો છો એ એક પ્રયત્ન ગણાય. પણ તમે તમારી તાકાત વાપરીને ના ફેંકી શકો, માત્ર તમારે ત્યાંથી ફોન નીચે પડવા દેવાનો છે અને પરિણામ જુવો કે ફોન તુટ્યો કે નહિ.
 
ટૂંકમાં, ઓછામાં ઓછા પ્રયત્નો કરી ઊંચામાં ઊંચા ક્યાં માળથી ફોન ફેંકીએ તો તૂટે નહિ એ બે ફોનની મદદથી શોધવાનું છે, તૈયાર ?!

જવાબ ક્યાં મોકલશો?
તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpesh.bhalala@gmail.com પર મોકલી શકો છો અથવા http://www.alpeshbhalala.com/ પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો. લખ્યા તારીખ : 17/09/12  

No comments: