Tuesday, October 21, 2008

ગ્લોબલ ગરબો

ગુજરાતની અસ્મિતા, ગુજરાતની વૈશ્વિક ઓળખ, ગુજરાતની આઈડેન્ટીટી ખરેખર શું?. ગુજરાતનો પર્યાય વૈશ્વિક સમૂદાય માટે શું હોય શકે ? હમણા આપણા મુખ્યમંત્રીએ 'કેમ છો?' શબ્દને ગ્લોબલ બનાવવાની હિમાયત કરી હતી. આડવાત રુપે, એ હિમાયતના બીજા જ દિવસે જોન કોરઝાઈનને (ન્યૂ જર્સી સ્ટેટ ગવર્નર, યુ.એસ.) ઘણૂં શીખવાડ્યુ છતા બોલવામાં ફાંફા પડયા હતા. છતાં, 'કેમ છો?' એ જરુર એક સ્પર્ધક ઉમેદવાર તરીકે ગણાવી શકાય. 'ગાંધીજી' આપણી અસ્મિતાને ઉજાગર કરવામાં સૌથી આગળ છે. વિશ્વના કોઈ પણ ભાગમાં ગુજરાતનું નામ સાંભળતા ગાંધીજીને સંભારનાર મળી આવે. ગુજરાતના આઈડેન્ટીટી બ્રાન્ડ એમ્બેસેડરની સ્પર્ધામાં જો ગાંધીજી પછી કોઈ નામ મૂકવું હોય તો કદાચ આપણો 'ગરબો' આવે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ઘૂમ્યો આપણો ગરબો. એની અસર એવી ઉભી થઈ કે ગરબો એ વિદેશમાં આપણા ભારતીય સમુદાયને એકત્રિત કરવાનું માધ્યમ પણ બની ગયુ. વિદેશોમાં યોજાતા ગરબામાં ૩૦ થી ૫૦% તો બિનગુજરાતી જોવા મળે. ભારતમાં આ એકતા જોવા નથી મળતી. બેંગ્લોરમાં થતા ગરબામાં મોટો સમૂહ ગુજરાતીઓ જ હોય છે, પણ શિકાગોના ગરબામાં બધા સ્થાનિક ભારતીયો હોંશે હોંશે ભાગ લે છે.

ગઈ નવરાત્રીમાં મને જર્સી સીટીના શેરી ગરબાનો રસાસ્વાદ થયો અને આ બ્લોગનો જન્મ. દિવસે ખાસ્સી ચહલ પહલ ધરાવતી ઈન્ડિયન સ્ટ્રીટ ઉર્ફે Newark Avenue એ જર્સી સીટીના જૂજ મુખ્ય બિઝનેસ રસ્તાઓમાંનો એક છે. નવરાત્રીના સમયે બે વીક-એન્ડ (સપ્તાહાંતો !) દરમિયાન અહીં રાત્રે આ શેરી બંધ કરી દેવામાં આવે અને શેરી ગરબા જામે ! અમેરિકન પ્રજા આપણા મ્યુઝિક, શોર-બકોર કે ઘોંઘાટ સહી લે! વેલ, ઘણા ગોરાઓને મેં ગરબામાં પગલા પાડતા પણ જોયા. કેટલાકે તો આપણા ટ્રેડીશનલ ડ્રેસમાં પણ હતાં. આ ડાન્સ તેમને ભાવી જશે તો આપણો ગરબો ગ્લોબલ થયો સમજો. બીજા સ્થળોએ ગરબામાં આટલા વિદેશીઓ નહિં જોડાતા હોય કેમ કે મોટા ભાગે બધે ટિકિટ હોય, અને કોઈ નવાસવા નિશાળીયાને ટિકિટ દઈ જવાની ઈચ્છા ઓછી થાય. જર્સી સીટીમાં કોઈ ટિકિટ હોતી નથી.

હમણા કોઈ અંગ્રેજી મુવિમાં 'પંખીડા ઊડી જાજે'નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક લેવાયુ છે. કેટલીય યુનિવર્સીટીમાં પણ ગરબા થતા હોય છે અને એમા વિદેશીઓ ખાસ જોડાતા હોય છે.

મને બીજી નવાઈ એ વાતની લાગી કે અહિં થતા ગરબા ફક્ત એક સર્કલમાં જ લેવાય! સંખ્યા ખુબ વધે તો બે સર્કલ થાય. અમદાવાદના મારા લગભગ ૧૫ વર્ષના અનુભવમાં કોઈ જાહેર ગરબો એક સર્કલમાં જોયેલ નહિં. સોસાયટીના પ્રાઈવેટ ગરબા થાય છે એક સર્કલમાં, પણ પાર્ટી પ્લોટમાં ટોળાશાહી વધુ હોય છે. વળી, આ જર્સી સીટીના ગરબાને એક સર્કલમાં રાખવા ટાઉનના માણસો (નોન-ઈન્ડિયન અફ કોર્સ) સર્કલ વચ્ચે રહી તકેદારી રાખે કે કોઈ સર્કલ બ્રેક ના કરે !

સલામ ગુજરાતી ડાયસ્પોરાને, ગુજરાતી ગરબાને આટલો ગ્લોબલ કરવા માટે!

1 comment:

Rajni Agravat said...

અલ્પેશભાઈ

સુંદર યાર, ગુજરાતીઓની "ખાસિયતો" બાબતે તમારી સાવ સાચી વાત છે. બાકી તો તમે લખેક માહિતી એટલી સરસ છે કે વધુ લખીને એની બ્યુટી ખરાબ ન કરવી એવી મને છેલ્લી ઘડીએ અક્કલ આવી ગઈ.. હા હા હા