Showing posts with label Short Story. Show all posts
Showing posts with label Short Story. Show all posts

Thursday, October 14, 2010

મને ટીવી બનાવી દો ! – અનુ. રાજેશ્વરી શુક્લ

એક દિવસ એક પ્રાથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું :
‘ચાલો બાળકો, આજે તમે એક નિબંધ લખીને મને આપો. નિબંધનો વિષય છે : જો ભગવાન તમને કાંઈ માંગવાનું કહે તો તેમની પાસે તમે શું માંગશો ?’ બાળકોએ ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો. ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘરે તપાસવા લઈ ગયા.
સાંજે જ્યારે તેઓ નિબંધો તપાસી રહ્યા હતા, ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યાં. તેમણે જોયું તો તેમનાં પત્ની રડી રહ્યાં હતાં. તેમણે પૂછ્યું : ‘કેમ શું થયું ? કેમ રડો છો ?’
શિક્ષિકાબેને કહ્યું, ‘હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું.’ તેમના પતિને એક કાગળ આપતાં તેમણે ઉમેર્યું, ‘આ જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ….’
તેમના પતિએ નિબંધ વાંચવાનું શરૂ કર્યું. તેમાં બાળકે લખ્યું હતું કે :
‘હે ઈશ્વર, જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટી.વી. બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માગું છું. હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું કે જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય. સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું ધ્યાન હું મારા તરફ જ ખેંચી શકું. તેઓ કોઈ પણ ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઈ સવાલો ન પૂછે. જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં, હું ટીવી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. મારી સાથે રહેવા માટે મારા ભાઈબહેનો લડાલડી કરે. હું એવું અનુભવવા માગું છું કે બધી જ વસ્તુઓ એકબાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે. છેલ્લે, મને ટી.વી. બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું. હે ભગવાન, હું બીજું કાંઈ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને જલ્દીથી ટી.વી. બનાવી દો.’
શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં.
તેમના પતિ બોલ્યા : ‘હે ભગવાન ! બિચારું બાળક…કેવા ભયાનક માતા-પિતા છે !’
શિક્ષિકાએ ચોધાર આંસુ સારતાં પોતાનાં પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા, ‘આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે…’