ધર્મના હિત , રક્ષા અને સુ-સ્થાપના માટે આપણે ધર્મથી થોડા દુર જવાની જરૂર છે. જેને આપણે ધર્મ સમજીને અધર્મનો આંધળો પ્રચાર કરી રહ્યા છે અને જ્યારે હરામખોરો પકડાયા છે ત્યારે દેકેરો માંચાવીયે છીએ અને કેટલાય (ની)રાશારામો અને જાડેજાઓ આ અધર્મના છાયા હેઠે સમાજને છેતરે છે. આ બે તો માત્ર છાપે ચડેલા ઉદાહરણો છે બાકી તો હિમશિલા પાણીની માલપા છે. મોટા ભાગના આપણા - હિંદુઓના- ધર્મો આવા સડા નીચે ચાલે છે. રીડ ઇટ અગેઇન. સાધુ-બાવાઓની જમાત સ્વાર્થ અને ભપકામાં રચે છે અને ભોળી જનતા જનાર્દન એનો ભોગ બને છે કેમ કે આ લોકો ભગવાનના બેનર હેઠે બધા ઠાઠ/નાટક કરે છે. આ ભગવાનનો એવો ભાવ ભક્તોના મગજમાં ભરી દેવામાં આવ્યો છે કે એ લોકો ચુપચાપ બધું સહન કરી લે. ગુરુના ચરણોમાં જ રહેવાની વાતો હોય ત્યાં ભક્તોને ગુરુની ગાડી અને ગાદી ક્યાંથી દેખાય?
આ બધા સાધુ બાવાઓની જમાત ઉનાળામાં ફોરેઇન ઉપડી જાય છે, આપણા તડકાથી અને વિદેશની ઠંડીથી બચવા. છાપામાં લખવા થાય કે ભાઈશ્રી અમેરિકામાં સત્સંગ કરી પરત ફર્યાના ઓઠા હેઠે એની પ્રતિષ્ઠા થાય. હકીકત કઈક જુદી જ હોય છે, જયારે તમે સાંભળો કે ફલાણો ઢીકણો મહારાજ વિદેશપ્રવાસે જઈ આવ્યો, એટલે સમજવું કે મહારાજ ઝોળી ભરી આવ્યા. અહી આવી આ લોકો નીચેના ૩-૪ કામો જ કરે છે
૧- દરેક ભકતોના ઘેર પધરામણી નું આયોજન. લગભગ ફરીજીયાત. અને પધરામણીનો ભાવ ૫૦૦ થી ૨૦૦૦ ડોલર હોય છે. એક ભક્તના ઘેર આવી પધરામણી થઇ, પેલા ભક્તે પ્રાઇસ ટેગ વાંચેલું નહીં. બિચારા પેટે પાટા બાંધી ઘર ચલાવે. પેલા મહારાજ તો પધરામણી કરી જતા રહ્યા. એના હિસાબનીશ ભક્તે હિસાબ માંગ્યો અને ભક્ત મૂંઝાયો. ૧૦૦૦ ડોલર લાવવા ક્યાંથી? ઘણી આજીજી થઈ. પણ એમ કઈ છુટાઈ? બિચારો ભક્ત ઉછીના પાછીના કરી માંડ ચુકવણું પતાવ્યું.
૨- આવે ત્યારે આગમન, જાય ત્યારે વિદાય અને રોકાય ત્યારે સભાઓ વગેરે. આ દરેક પ્રસંગે આરતી, પૂજા, કિર્તન, જમણ ઈત્યાદી અનેક પ્રકારના બાહ્યાચારના નામે કેટલાય ભક્તોને મુન્ડવામાં આવે છે. ઘણા ભક્તો રાજીખુશી કરે છે ત્યાં સુધી બધું બરાબર પણ જયારે, સમાજની બીકે થાય ત્યારે ભગવાન ક્યારેય રાજી ના થાય.
૩- સભાઓમાં ભાગ્યે જ સાચા ધર્મની વાતો થાય છે, મોટે ભાગે એના વાડાનો અને વડાનો પ્રચાર, વાડાનો દરવાજો બનાવવો છે અને અહીં નહીં મંદિર બાંધવા માટે મદદની માંગણીઓ, ગુરુની મહત્તા અને મર્યા પછી મોક્ષ નહિ પામોની ધમકીઓ જ હોય છે.
૪- ઘણી વાર તો ગુરુ જાદુગર હોય એવો ભાવ રચવામાં આવે છે, એ અંતરયામી છે અને તમને સુખ આપે છે વગેરે વગેરે કચરાપટ્ટી.
આ બધી વાતોમાં ભગવાન ઘણે દુર રહી જતો હોય છે અને પેલો ધુત પૂજાતો હોય છે. સાચો હિંદુ ધર્મ જોજનો દુર રહેતો હોય છે. જ્યાં સુધી મોક્ષ, પૈસા અને ઢોંગી ગુરુઓ દુર નહિ થાય ત્યાં સુધી ખરો હિંદુ ધર્મ ઉજાગર થવો કઠિન છે. સિવાય કે બીજા શંકરાચાર્ય કે વિનોબા કે ગાંધીજીનો ઉદય થાય અને ધર્મ માટે જીવન ખપાવે.
આપણા રાજકારણીઓએ પણ આ બધા ઢોન્ગીઓને સાચવવા પડતા હોય છે કેમ કે પાંચ વરસમાં બે ચૂંટણી આવે છે ને પેલા બાવાઓનો મઢ તો ત્યાનો ત્યાં જ હોય છે. સભામાં ગુરુ મહારાજ બે સારા શબ્દો કોઈ નેતા વિષે બોલે તો એની જીત નક્કી જાય એટલો સમુદાય આ ધર્મનેતાઓ ભેગો કરી શકે છે ભલે કોઈ સ્ટાર પ્રચારક ના કરી શકે. એટલે પછી સ્ટાર પરચારકો આ બાવાના ખોળે જાય છે. અને પેલા બાવાની ભક્તિની હાટડી વધુ ફૂલેફાલે છે.
કેવી અદભુત રચના કરી છે આ જમાતે ?! જાદુના શોમાં કે. લાલ કરે એનાથી પણ ગુઢ અને વિશિષ્ઠ. કોઈ ફસાયો એટલે આ જાળમાંથી નીકળવું જ મુશ્કેલ.
હે પ્રભુ ! આ ભક્તો અને ગુરુઓને સદબુદ્ધિ આપજે. શરૂઆત મારાથી કરજે, મારો પગ ક્યાંક આવી જાળમાં ફરીથી ના પડી જાય એનો ખ્યાલ કરજે. મારી અને નવી પેઢીની ધર્મ પ્રત્યેની શ્રધ્ધા જળવાય રહે એવું વાતાવરણ બનાવજે.
આ શ્રધ્ધા અને અંધશ્રધ્ધા નામની બહેનપણીઓ વિષે પછી કયારેક !