બીજો દિવસ નિર્ધારિત સમય કરતા મોડો ચાલુ થયો. સવારમાં ભકિત સંગીત અને પછી સ્વામી અધ્યાત્માનંદજીનું પ્રવચન. તેમણે ઉપદેશ આપતા કહ્યુ, જીવનમાં નાની બાબતોથી અસ્વસ્થ થશો નહિ. ખૂબ પ્રેમથી સંસાર ચલાવો. શંકા, આઘીપાછી, વગેરેથી દૂર રહો. ઉદાર બનો.
આ આખ્ખા કાર્યક્રમનો કમાઉ દિકરો છે બેઠકખંડની બહાર ગોઠવાયેલ પ્રોપર્ટી શૉ અને બીજા અનેક સ્ટૉલ્સ. આ બધા મોટી રકમ આપી પોતાની પ્રોડકટ હજારો ગુજરાતીઓ સુધી પહોંચાડવા માંગે છે. જેમાં અનેક બિલ્ડર્સ ગુજરાતથી આવ્યા છે. કેટલાક જાણીતા નામો જેવા કે એર ઇન્ડિયા, મૅક માય ટ્રીપ, જેટ એરવેઝ, વાયબ્રન્ટ ગુજરાત ૨૦૦૯, વગેરે સ્ટોલ્સ હાજર હતાં. સોફટવેર ઇન્ડસ્ટ્રીનો પણ એક સ્ટૉલ હતો!! સાંઈ ઈન્ફોસીસ્ટમ. આ સ્ટૉલની મુલકાત કોઇ બોરીંગ કાર્યક્રમ વખતે લઈશુ!
બપોરે દોઢ વાગ્યાથી અલગ અલગ ચાર ખંડોમાં જુદા-જુદા વિષયો પરના સેમિનારોનું આયોજન થયુ હતું. મને આમાના એક સેમિનારની ઘણા સમયથી વાટ હતી, રાહ હતી. એના વક્તા હતા ડૉ. સામ પિત્રોડા. જેમણે 'ટેકનોલોજી' પર સરસ વ્યકતવ્ય આપ્યુ. તેમણે એ વાત પણ કહી કે ભલે કોઈ મોટી શોધખોળ ભારતીયના નામે જોવા ના મળતી હોય, મોટા ભાગની આધુનિક શોધોમાં કોઈક ભારતીયનો હાથ ચોકકસ હોય છે. ફરક એટલો જ છે કે એ વિદેશી ધરતી પર અને વિદેશી નોકરી દરમિયાન આ સિધ્ધિ મેળવે છે. તેમણે ટેકનોલોજીને દરેક પ્રશ્નના ઉત્તર તરીકે ગણાવી. એક વિષયનું જ્ઞાન આજની એડ્વાન્સ ટેકનોલોજીના યુગમાં નહિં ચાલે, multi-disciplinary જ્ઞાન એ આજના યુગની આવશ્યકતા છે. ધારાવિમાં પાણી ભરેલી બેગ દિવાલે લટકાડી મોટી જગ્યા બચાવી શકાઈ છે, જે તેમણે ટેકનોલોજીના દરેક પ્રશ્નના ઉકેલ શોધવાના ઉદાહરણ તરીકે ટાંકયુ. મેડિકલ સાયન્સની પ્રગતિથી ૧૨૦ વર્ષનું આયુષ્ય આસાનીથી આવતા વરસોમાં જોવા મળશે. ૮૦-૧૦૦ જેટલા રસિયાઓ સમક્ષ એમણે વિજ્ઞાન વહેંચ્યુ!
સામ પિત્રોડા એક સવાયા ગુજરાતી. હજુ ઘણું સરસ ગુજરાતી બોલે છે. ૭૫+ પેટન્ટસ એમના નામે બોલે છે. ચેરમેન વર્લ્ડ ટેલ, એડ્વાઈઝર ટુ ધ મોસ્ટ ટેક્નો પ્રાઈમ મિનિસ્ટર રાજીવ ગાંધી, ચેરમેન ટુ ધ નૉલૅજ કમિશન અને બીજા કેટલાય હોદ્દાઓ શોભાવ્યા છે એમણે. એમની વાત નીકળી છે તો એક આડવાત કરી દઉ. થોડા સમય પહેલા ચિત્રલેખામાં એક ખુબ સરસ લેખ 'મળવા જેવા માણસ' કૌશિક મહેતાની કલમે આવેલો. આ લેખ હતઓ ખ્યાતનામ શિક્ષક ભરાડસાહેબ વિષે હતો. આ લેખના પહેલા બે અક્ષર હતા "સામ પિત્રોડા". એમા એવું કહેવાયુ છે કે સામ પિત્રોડા ગીજુભાઈ ભરાડ જોડે ભણ્યા છે. મેં વાત-વાતમાં પુછી લીધુ સૅમ પિત્રોડાને, અને અચરજ! સૅમ પિત્રોડા ભરાડ સાહેબને ઓળખી શક્યા નહિ! ખબર નહિં પણ ક્યાંક તો કાચુ કપાયુ છે ! સૅમ કહે છે કે, તેઓ કયારેય રાજકોટ કે સૌરાષ્ટમાં ભણ્યા જ નથી. ખેર, બેક ટુ ધ ટૉપિક નાઉ.
એમના સેમિનાર પછી બીજો સેમિનાર હતો ડૉ.કમલેશ લુલ્લા, ચીફ સાયન્ટીસ્ટ નાસાનો ! એમનો વિષય હતો 'અવકાશમાંથી ગુજરાત'! અને એમણે વિવિધ અવકાશયાનોએ કે અવકાશયાત્રિઓએ ખેંચેલી ગુજરાતની તસ્વીરો બતાવી અને રસપ્રદ ઇતિહાસ વર્ણવ્યો. તેમણે દ્વારકાના અને સેતુબંધના અવકાશમાંથી લેવાયેલ તસવીરો પણ બતાવી! ધર્મ અને વિજ્ઞાનનું રસમય જોડાણ તેમણે કરી આપ્યુ. ખુબ સરસ સેમિનાર. સ્ટ્રેઈટ ફ્રોમ નાસા સાયન્ટીસ્ટ!
જમવામાં કોઈ પ્રકારની કતારો રહી ન્હોતી. ૩ વાગવા આવ્યા હતા. આપણે જમી લીધુ. પણ આજે ગઈકાલ જેવી ટોળાશાહી ન થાય એ માટે રેલીંગ મૂકી સીંગલ કતાર બને એવી વ્યવસ્થા કરાય હતી! મને યાદ આવ્યા બકુલ ધોળકીયા! એમની જ IIMAએ તિરુપતિની ભીડનો ઉકેલ આપેલો, કદાચ અહીં થયેલા શીઘ્ર વ્યવસ્થાપનમાં પણ એમની સૂઝ હોય!
અત્રે જણાવી દઉ, બીજા ત્રણ ખંડોમાં પણ બીજા વિષયો પરના સેમિનાર થયા પણ ચારમાંથી એક જ પસંદ કરવાની સ્થિતિમાં મેં મારા પ્રોફેસનને ન્યાય આપ્યો ! બીજા સેમિનારો કેવા હતા અને હાર્દ શું હતું, કોઇ કહેશે તો સાંભળવું ગમશે.
હવે આજનો બેસ્ટ પ્રોગામ ચાલુ થવાનો હતો. સમય છે હવે આપણા ધૂરંધર કવિઓને અર્જ આપવાનો. હાજર હતા માંધાતાઓ આદિલ મન્સૂરી, જલન માતરી, રાજેશ વ્યાસ, અંકિત, સૌમ્ય જોશી, વિનોદ જોશી, હર્ષ બ્રહ્મભટ્ટ. આદિલ સાહેબે 'પ્રણયની જગમાં..' અને 'માણેકચોકમાં ...' નો આસ્વાદ કરાવ્યો. તાળીઓથી સૌ કોઈએ વધાવ્યા વતનના આ પરદેશી શાયરને. આદિલ સાહેબ મારા ટાઉનમાં જ રહે છે. વર્ષો પહેલા અમદાવાદમાં ડિપાર્ટમેન્ટ ઑફ જર્નાલિઝમમાં સાંભળેલા ત્યારે જાણેલું કે તેઓ એડવર્ટાઈઝીંગ ઇન્ડ્સ્ટ્રી સાથે સંકળાયેલા છે અને મોટા ભાગે બાયલાયન બનાવવાનું કામ કરતા હતાં. બહુ જાણીતી 'નમામિ દેવી નર્મદે...' એ એમણે આપેલી બાયલાયન હતી. તેઓ અંગ્રેજી ન જાણતા હોવા છતા મલ્ટિનેશનલ કંપનીમાં આ પ્રમાણેની નોકરી કરી ચૂક્યા છે. તેમણે સર્જેલ બાયલાયનનું બીજા ટ્રાન્સલેટર ગુજરાતીમાંથી જે પણ ભાષાની જાહેરાત હોય એમાં ભાષાંતર કરતા! છે ને મૂંઠી ઉંચેરો માનવ?! જો કે હાલની તેઓની પ્રવૃત્તિઓથી હું વાકેફ નથી. લો સાંભળો એમની એક ગઝલ -
આપનું મુખ જોઇ મનમાં થાય છે,ચાંદ પર લોકો અમસ્તા જાય છે.
જાગવાનું મન ઘણુંયે થાય છે.આંખ ખોલું છું તો સપનાં જાય છે.
આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?
આપ શું સમજો હૃદયની વાતમાં,આપને ક્યાં દર્દ જેવું થાય છે?
લાખ કાંટાઓ મથે સંતાડવા તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?
દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,ભાગ્યમાં જે હોય છે તે થાય છે.
કવિ સંમેલનમાં બધા કવિઓએ ખુબ રંગત જમાવી. મને વિષેશ મજા પડી સૌમ્ય જોશીની નાવિન્યસભર કવિતાઓથી.. કદાચ પહેલીવાર એમની કવિતાઓ સાંભળી એટલે હશે. એક કવિતા હતી, 'મહાવીર સ્વામી અને જેઠો ભરવાડ' ! તો બીજી વળી 'સ્થિતપ્રગ્ન ભેંસ'! અને 'રાણા માથે શું વીતી હશે ?' ખુબ જ નીરાળી રજુઆત અને તદ્દન નવા આયામ પર રચાયેલી કવિતાઓ. રાજેશ વ્યાસ અને જલન માતરી પણ ખુબ જામ્યા. જલન માતરીએ નિખાલસ કબુલાત પણ કરી કે આ તેમનો પહેલો વિદેશપ્રવાસ છે, બીજા ઘણાનો હશે પણ એવું કહેવાની હિંમત કોની? કોમી હુલ્લડમાં તેમને ઘર છોડી ભાગવું પડયુ અને ત્યારે રચાયેલ મુકતકો કહયા. અંકિત ત્રિવેદીએ પણ મજ્જા કરાવી. 'વન્સ મોર' કોઇ કવિને પણ મળી શકે છે !!
સિકાકસ સ્વામિનારાયણ મંદિરના પાઈપ બેન્ડથી આજના મહેમાનોનું સ્વાગત કરાયુ.
હવે સમય છે મહેમાનોને મંચ આપવાનો. આઈ મીન એ બધા ભાષણો કરશે. શરૂઆત થઈ ઉડ્ડ્યન મિનિસ્ટર પ્રફુલ્લ પટેલથી. તેમની સ્પીચ સારી હતી. ૨-૩ વર્ષોમાં મોટા ભાગના એરર્પોર્ટસ સુધરી જશે, એવી હૈયાધારણ આપી. સારુ ગુજરાતી બોલી જાણે છે.
સામ પિત્રોડાએ પણ એક ટૂંકુ ભાષણ કર્યુ. તેમણે આ સમારંભને "ગુજરાતી મેળો" એવું નામ આપ્યુ. ચિત્રલેખાના મૌલિક કોટકે પણ માઈક ઝાલ્યુ. સિધ્ધાર્થ પટેલે વિકાસને ગુજરાનતના ઈતિહાસ સાથે વણી લીધો. પણ કોઇને કશી સાંભળવાની કે ઝીલવાની તમન્ના હતી નહીં. પંકજ ઉધાસને લોકોએ તાળીઓથી વધાવ્યા, તેમણે પણ પાંચેક મિનિટ વાતો કરી. એક ખુબ ચોટદાર વ્યકતવ્ય આપ્યુ અશ્વિન વઘાસિયાએ. ખુબ યુવાન વયે 'મારફાડ' ઇંગ્લિશમાં સરસ ભાષણ કર્યુ. આ એ જ યુવાન હતો જ્યારે કોઈ પણ અમેરિકન મહાનુભાવો (સેનેટર કે ગવર્નર કે અન્ય કોઈ)ને સભા ખંડમાં કંપનિ આપવાનું કામ જાણે-અજાણ્યે કર્યુ હતું. આમણે કદાચ પેલા દિવસે સવારે ભરતસિંહ સોલંકીને ગવર્નર જોડે ફક્ત માથુ ધુણાવતા જોઈ લીધા હશે! અશ્વિને એક સ્પોન્સરની હેસિયતથી માઈક ઝાલવા મળ્યુ હતું, પણ બાકીના તમામ સ્પોન્સર્સ અને કેટલાય દિગ્ગજોને શરમાવે એવી સરસ સ્પિચ આપી એમણે.
બીજા ૨-૩ પ્રવચનો પણ થયા હશે, પણ હવે સ્ક્રીન પર હાજર હતા ગાંધીનગરથી નરેન્દ્ર મોદીજી. વૅલ, નથીંગ ન્યૂ. તમે એમના આ વર્ષના ૩-૪ પ્રવચનો સાંભળ્યા હોય તો બધુ રીપિટ જ હતું. જેમ કે ગુજરાતનો વિકાસ, આતંકવાદ, સ્વર્ણિમ જયંતી, વાયબ્રન્ટ ગુજરાત, અને બીજા આંકડાઓ ! મને એક વાત બહુ ગમી, 'કેમ છો' શબ્દને આંતરરાષ્ટ્રીય બનાવવા અંગેની. વિચાર સરસ છે અને આપણી જોડે લગભગ ૩૦-૪૦ લાખ એમ્બેસેડર્સ વર્લ્ડવાઈડ પથરાયેલા છે એટલે સરળ પણ છે! બીજો મુદ્દો ગમ્યો જેમા એંમણે વડાપ્રધાનને ઇ-મેઇલ કરી ગુજકોકની જરુરિયાત જણાવવા આહવાહન કર્યુ. આ સાંજના જમવાના સમયે ચાલી રહેલું પ્રવચન હતું છતાં કોઈને આજે જમવામાં રસ ન્હોતો !! આખો હૉલ ભરાયેલો હતો અને પાછળ કેટલાય લોકો ઉભા રહીને પણ સાંભળી રહ્યા હતાં.
લંડનથી મેર ગ્રુપના ભાઈઓના રાસે વાતાવરણને ગજાવ્યુ! પ્રેક્ષકોને આકર્ષિત કરવામાં તેઓ સફળ રહ્યાં. ગરબા છાશવારે સ્ટેજ પર પથરાતા રહેતા હતા. પણ હવે કાંઈ ખાસ એનું આકર્ષણ ન્હોતુ રહ્યું. એકાદ નાટક પણ ભજવાયુ હતું દિવસ દરમિયાન, પણ ઠીક હતું. સૌમ્ય જોશીનું નાટક હીટ રહ્યું.
સાંજનો સથવારો હતો ઉધાસ ત્રિપુટીનો! હા મને પણ નવાઈ લાગી હતી એ જાણીને કે પંકજ ઉધાસને બીજા બે ભાઈઓ છે અને ત્રણે સરસ ગાય છે. મનહરને તો દરેક ગુજરાતી ઓળખે પણ નિર્મળનું નામ મેં કયારેય સાંભળ્યુ નહોતું. આ ત્રણે ભાઈઓએ એક સંગીતમય કાર્યક્રમ આપ્યો 'ત્રણ મૌસમ'! મનહર ઉધાસે 'નયનને બંધ રાખીને' ગઝલો ગાઈ. પંકજ ઉધાસે પણ એમના લોકપ્રિય ફિલમી ગીતો ગાયા. નિર્મળે નિરાશ ના કર્યા પણ એમના ભાઈઓ જેટલું નામ એમનું કેમ નથી એ તો જાણી જ શકાયુ.
લગભગ દસ વાગી ચુક્યા હતા, હવે વારો હતો યુવા કલાકારો પાર્થિવ ગોહિલ અને ઐશ્વર્યા મઝમુદારનો. એમણે 'બોલીવુડ ધમાલ' મચાવી. ખુબ સારો પ્રતિસાદ સાંપડ્યો બન્ને ગાયકોને. શ્રોતાઓને ઝુમાવી દીધા, એક એક્થી ચડિયાતા હિન્દી ગીતો થકી. એક પ્રસંગ લખવાનું આંગળા દુખે છે છતા લખવાનું રોકાતું નથી. ઐશ્વર્યાએ 'લીંબૂડા લીંબૂડા ...' ગાયુ. આપણો ધ્વનિત સ્ટેજ ઉપર હાજર હતો લોકોને જોમ ચઢાવવા માટે કદાચ. હવે જોમમાં આવી ગયેલા ધ્વનિતભાઈએ હાથમાં રહેલ મોટુ લીંબુ પ્રેક્ષકો તરફ પુરી તાકાતથી છુટ્ટુ ફેંકયું. મેં આજુબાજુમાં વાત કરી કે આવી બન્યુ આ ભાઈનું આજે. પાંચ મિનિટ પણ નહિ થઈ હોય ત્યાં કોઈકે ફરિયાદ કરી. અસલમાં એક બહેનની આંખ સહેજમાં બચી ગયેલ અને મોટુ ઢોકળું થયેલ. બાપડાએ મંચ પરથી માફી માંગી. સારુ થયુ કે પેલા બહેન પોલિસ સુધી ન ગયા, નહિં તો ધ્વનિતને 'લીંબુપાઠ' મળત. પણ આ ભાઈ ફ્રીજમાંથી કાઢેલ દાળ જેવા થીજી ગયા આ પ્રસંગ પછી!
૯-૧૦ વાગ્યામાં ઉંઘી જતા આપણી જમાતે બે વાગ્યા સુધી આ કલાકારોને મનભરીને માણ્યા. તમને લાગશે પછી બધા વિખેરાય ગયા ? ના રે ના !
બે વાગ્યા પછી જામ્યો ડાયરો ! શાહબુદ્દીન રાઠોડ અને હેમંત ચૌહાણના નામો ડાયરા માટે અગાઉ જાહેરાતોમાં આવી ચૂક્યા હતાં, પણ એ બેમાંથી એક પણ અહિ હતા નહિ. હાજર હતા લોકલાડિલા ભીખુદાન ગઢવી અને ભારતી વ્યાસ. ભારતી વ્યાસને પેલીવાર સાંભળ્યા હવે કયારેય સાંભળવા નહિં પડે. પણ ભીખુદાનદાદાએ જલ્સા કરાવ્યા. અમારી કાઠીયાવાડી તળપદી ભાષામાં સરસ વાતો કરી. એમણે ઝવેરચંદ મેઘાણીને ખુબ યાદ કર્યા. ગામડુ બોલે અને શહેર સાંભળે, અભણ બોલે અને ભણેલ સાંભળે એ ખરી લોકશાહી! વચ્ચે વિક્ષેપ પાડયો રામાયણ સીરીયલના રાવણે! આઈ મીન અરવિંદ ત્રિવેદીએ. એમણે શિવસ્તુતિ રજુ કરી, પણ બીજા કોઈ સમયે કરી હોત તો વધુ મજા આવત. ભીખુદાનભાઈને પડતા મેલી આ સ્તુતિમાં કોઈને રસ ન્હોતો. પણ એમણે પુરી ૩૦ મિનિટ્ કાઢી ૫ મિનિટની સ્તુતિ ગાવા. જો કે એમની અંતર્મ્ગ વાતો જણવા મળી. એ પોતે રામભક્ત છે અને એના ઘેર રામમંદિર પણ બંધાવેલ છે. (સીરીયલ ચાલૂ થઈ એ પહેલા). એમના કહ્યા પ્રમાણે રાવણના પાત્રથી બીજો તો કોઈ ફાયદો ના થયો પણ ગુજરાતની જનતાએ એમને લોકસભામાં પહોંચાડી દિધા. એમણે રમૂજ કરતા કહ્યું, સીતામાતા આખી રામાયણમાં કયાંય ના બોલ્યા રાવણ જોડે પણ લોકસભામાં રોજ બોલતા! રામાયણ સીરીયલનો ૭૦% સ્ટાફ ગુજરાતી હતો એવું પણ તેંમણે જણાવ્યુ. ફરીથી ભીખુદાનભાઈ આવ્યા અને રંગત જામી. એમણે ટોણો મારતા બરાબર કહ્યુ હતું, શેરડીના સાંઠા જેવો તેનો પ્રોગ્રામ છે આજનો. માંડ રસ આવે ત્યાં વચ્ચે ગાંઠ નડે! એમના પ્રોગ્રામની વચ્ચે આવતા વિક્ષેપોને આમ વર્ણવ્યા એમણે. વચ્ચે શિવ સ્તુતિ ને ભારતીબેન ને કયારેક કોઈક એનાઉન્સમેન્ટ્... ભીખુદાનભાઈએ બે એકવાર ગુણવંત શાહને ટાંક્યા એમના પોગ્રામમાં જે એક નોંધ સ્વરુપે.
ચિક્કાર ઑડિયન્સ વચ્ચે સાડા ચાર વાગ્યા પછી પુરો થયો આ પોગ્રામ.સવારના દસથી સવારના સાડાચાર !! ચાલો આવજો ચાલો ગુજરાતના ત્રીજા દિવસના પોગ્રામમાં!