****
“અમથું કૈં આ વાદળીઓને ઍડમીશન દેવાનું ?
ડૉનેશનમાં આખ્ખે આખ્ખું ચોમાસું લેવાનું.”
****
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ...
ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ...
એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ...
******************
કૃષ્ણ દવે ગીતોનો માણસ છે. કૃષ્ણ દવે આજે ભલે બેન્કમાં કામ કરતાં હોય, પણ મોટાભાઈનું શિક્ષણ ખોરંભે ન ચડે એટલે સુથારીકામ કરી ઘેર ઘેર જઈ ફર્નિચર પણ બનાવતાં હતાં.
*******
ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાનાં પૂર,
અને ઉપરથી ગોપીઓ ને રાધા..
અહીં મારે તો જીવવાના વાંધા ..
આંખોની પથરાળી ધરતીમાં વૃન્દાવન, ગોવર્ધન, ગોકુળ ક્યાં વાવીએ?
ભાંભરડા દેતી આ ભૂખી ઈચ્છાઓનાં ધણનાં ધણ ક્યાં જઈ ચરાવીએ?
આયખે વલોવાતાં એક એક દ્હાડાને માગી માગીને મેં ખાધા
અહીં મારે તો જીવવાના વાંધા ..
પૂરેલાં ચીર એમાં માર્યો શું મીર ? એનું કારણ એ રાજાની રાણી
નજરે ના કેમ ચડી આછેરા જીવતરની માંડેલી આમ ખેંચતાણી
ખેંચાતાં ખેંચાતાં ટાંકા તૂટે ને વળી દોરા ખૂટે
ને તોય કરવાના રોજ રોજ સાંધા?
અહીં મારે તો જીવવાના વાંધા ..
ગોકુળનો શ્વાસ લઈ, મથુરાની હાશ લઈ દરિયામાં જાત તેં બચાવી
મેં તો આ પ્હાનીના હણહણતા અશ્વોને ખીલ્લાની વારતા પચાવી
ભાગી ભાગીને હુંય ભાગું કદાચ તોય રસ્તાને પગલાંની બાધા
અહીં મારે તો જીવવાના વાંધા ..
*****
શ્રી કૃષ્ણ દવેનો જન્મ તા. સપ્ટેંબર 4, 1963. વતન સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાનું ધારી ગામ. એટલે 1 થી 7 ધોરણ સુધીનો અભ્યાસ એમણે ધારીમાં કર્યો.
*****
શું કહેશો આ શાયરને ? નેટિઝન નરસૈયો ? મોડનૅ મીરામૅમ(બાઈ) ? ટેક્નો પોએટ ?
***