Sunday, May 2, 2010

ભગવાનને પત્ર

પ્રિય મિત્ર ભગવાન,


જયભારત સાથ જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના ૭માં ધોરણમાં ભણુ છું. મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય છે.


’હું શું કામ ભણું છું’ એની મારા માં-બાપને ખબરનથી. કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે મારા માં-બાપ મને રોજ નિશાળે મોકલે છે. ભગવાન, બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે. મારા સાહેબે કિધુ’તુ કે તુ સાચી વાત જરૂર સાંભળે છે…!

પ્રશ્ન-૧. હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણનું મંદિરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુ’ય કેમ નથી…દર ચોમાસે પાણી ટપકે છે, આ મને સમજાતુ નથી…!


પ્રશ્ન-૨. તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તુંતો ખાતો’ય નથી…અને હું દરરોજ બપોરે મધ્યાહ્મ ભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું…! આવું કેમ…?


પ્રશ્ન-૩. મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુ’ય મારતું નથી અને તારા પચરંગી નવાનવાં વાઘા…! સાચું કહું ભગવાન હું રોજ તને નહી, તારા કપડા જોવા આવું છું…!

પ્રશ્ન-૪.તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશ ભક્તિગીત રજું કરુ છું ત્યારે, સામે હોય છે માત્ર મારા શિક્ષકો…ને બાળકો…હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય “મારા મંદિરે” કેમ આવતા નથી…!


છેલ્લો પ્રશ્ન

પ્રશ્ન-૫. તને ખોટુ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે’ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે. પ્રભુ! મેં સાભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો, તો’ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ, તો’ય અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…?


શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે…મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે…! ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માં-બાપ પાસે ફિના કે ટ્યૂશનના પૈસા નથી…તું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું…વિચારીને કે’જે…! હું જાણું છું તારે’ય ઘણાયને પૂછવું પડે એમ છે.

પરંતુ ૭માં ધોરણની વાર્ષિક પરીક્ષા જો તું મારામાં ધ્યાન નહી આપે તો મારા બાપુ મને સામે ચાવાળાની હોટલે રોજના રૂ.પાંચના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે…! ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ…પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ…! જલ્દી કરજે ભગવાન…સમય બહું ઓછો છે તારી પાસે…અને મારી પાસે પણ…!


લી.

એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી

અથવા

ભારતના એક ભાવિ મજૂરના વંદેમાતરમ્‌

(FORWARDED EMAIL, INFORM ME IF YOU KNOW ORIGINAL AUTHOR)

2 comments:

Anonymous said...

"પ્રશ્ન-૫. તને ખોટુ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે’ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે. પ્રભુ! મેં સાભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો, તો’ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ, તો’ય અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…??"

The whole letter was touching.

sadaf said...

Superb..

there is no comment on this post. surprised.