Thursday, July 24, 2008

મારી ઇ-વાંચનયાત્રા

વતનથી દૂર વસતા દરેક ગુજરાતીની માફક, ઇ-વાંચન એ ગુજરાત સાથે વળગી રહેવાનો મારો શ્રેષ્ઠ માર્ગ છે. ઇન્ટરનેટ પર ઘણી વેબસાઈટ્સ પ્રાપ્ત હોઇ, ગુજરાત જોડે ઇ-ટચથી જોડાઈ રહેવું ઘણું સરળ થયુ છે. મુખ્યત્વે સમાચારપત્રો , બ્લોગસ્ , અને સાહિત્યને લગતી ઘણી બધી વેબસાઈટસ અસ્તિત્વમાં આવી છે. છેલ્લા ૨-૩ વરસોમાં આમા ખાસ્સો વધારો થયો છે. સવારે અકિલા, અને ભાસ્કર તેમ જ બપોર પછી ભાસ્કર, સંદેશ અને ગુજરાત સમાચાર જોવાનો નિત્યક્રમ થઈ ગયો છે. અકિલા અને ભાસ્કર દરરોજ એકથી વધુ વખત સંવર્ધિત થાય છે, સંદેશ ક્યારેક એકથી વધુ વખત સંવર્ધિત થાય છે, પણ ગુજરાત સમાચાર રોજે માત્ર એક જ વખત (લગભગ ૧૨ વાગ્યે રાત્રે ભારતીય સમય પ્રમાણે). તેમના સમાચારોની ઉઠાંતરી થતી રોકવા તે સૌથી છેલ્લે અપડેટ કરે છે.

બ્લોગસમાં સૌથી સરસ સમાચાર બ્લોગ છે, ગુજરાત સમચારના પત્રકાર જપન પાઠકનો "દેશગુજરાત", જે લગભગ રોજ એકવાર અપડેટ થાય છે. જેમાં ઘણી તટસ્થતાથી કેટલાક સમાચારપત્રોમાં ન છપાયેલ વિષયો પર સરસ આલેખન હોય છે. આ બ્લોગ મારા રોજના વાંચનલીસ્ટમાં છે.

સાહિત્યજગતના અસંખ્ય બ્લોગસ પ્રાપ્ય છે, આભાર blogspot અને wordpressનો ! સૌથી આગળ ચાલે છે, રીડગુજરાતી. વડોદરાએ બ્લોગની બાબતે પણ મેદાન માર્યુ છે, ત્યાંથી ઘણા બ્લોગ્સ લખાય છે. રીડગુજરાતી પણ વડોદરાના મૃગેશ શાહ ચલાવે છે. રોજની ૬૦૦+ ક્લીક સાથે આ બ્લોગ ગુજરાતી બ્લોગ્સમાં આગળ છે. સરસ પસંદ કરેલી બે સાહિત્યિક કૃતિઓ રોજ અપડેટ થાય છે.

આ સિવાય બીજા નોંધનીય બ્લોગ્સમાં, ગુજરાત સમાચારના કટારલેખક ઉર્વીશ કોઠારીનો તેમની કોલમનો બ્લોગ, ડૉ. વિવેક ટેલરનો તેમની કવિતાઓનો બ્લોગ, આદિલ મન્સુરી સાહેબનો બ્લોગ, હરસુખ થાનકીનો બ્લોગ, તેમની પુત્રી પ્રતિક્ષાનો TOIમાં પ્રસિધ્ધ થયેલ આર્ટિકલ્સનો English બ્લોગ ,સુરેશ જાનીનો બ્લોગ મુકી શકાય જે હું છાશવારે જોય લઉ છું.

No comments: