ત્રણ દિવસ સુધી હજારો ગુજરાતીઓ એક સભાખંડમાં કલાકો સુધી ગુજરાતીપણાના જામ પીયે ગયા.. દરેક ક્ષેત્રના જાણીતા ગુજ્જુઓ મંચ પરથી ગુજરાતની અસ્મિતા, સંસ્કારિતા, ખમીરી, ખુમારી, વૈભવ જેવી વાનગીઓ જે પીરસી રહ્યા હતા. આજે માંડીને વાત કરવી છે, આ ત્રણ દિવસના 'ચાલો ગુજરાત' મહોત્સવની. મહિનાઓ અગાઉથી લગભગ દરેક ગુજરાતી બ્લોગ મિત્રોના બ્લોગ પર આ મહોત્સવની કહો કે જાહેરાત ચમકતી ચાલુ થઈ ગઈ હતી, જે હજી લગભગ અક્બંધ છે! ભઈલાઓ હવે નિકાળો એ જાહેરાત, એ ઉત્સવ પુરો થઈ ગ્યો.. અને આ લેખ તમારા બ્લોગમાં ચીપકાવો! તમને સવિસ્તાર વર્ણવીશ એ ઉત્સવ અહીં.
શુક્રવાર (૨૯મી ઓગ્સ્ટ, ૨૦૦૮)ની સાંજથી ન્યુ જર્સીના એડિસન શહેરના એક ઔદ્યોગિક (સ્પેલિંગ માફ ! Thanks Japan for the correction)વિસ્તારમાં આ ગુજરાતી મેળાવડો ચાલુ થયો. આપણા ભારતીય સમયનું પુરુ પાલન થયુ, ૩ વાગ્યે શરુ થનાર આ કાર્યક્રમ લગભગ ભારતના ૩ વાગ્યે ચાલુ થયો! આઈ મીન, અઢી કલાક જેટલો મોડો! બે રીતે ભારતીયતા જળવાય રહી !! પણ, મારી જેવા ઘણા બધા ઑફિસથી સીધા અહીં ટપકવાના હતા, તેમને ફાયદો થયો. મને પહેલેથી જ થતું હતું કે આટલી મોટી મેદની બેસશે કયાં? શમિયાણા હશે કે હૉલ..વગેરે. લગભગ અડધો માઈલ દૂર ગાડી મુકવાની માંડ જગ્યા મળી. ચાલતા હૉલ પર પહોંચ્યો, પણ ઉત્સુકતા તો એ જ જણવાની હતી કે આટલા બધાને અમેરિકામાં કેવી રીતે સમાવાય છે.. એ મહકાય હૉલમાં પ્રવેશતા જ સમજાયુ... જોયુ એક ગુજરાતને સર્જાતું... હજુ ઘણી જગ્યાઓ ખાલી હતી. પાંચ વાગી ચુક્યા હતા. લોકોનૂં આવવાનું બા-આદબ જારી હતું. ક્યાંય ઇંગ્લિશ કે હિન્દી અક્ષર સંભળાતો ન્હોતો. બધુ સંપૂર્ણ ગુજરાતમય બની ચૂકયુ હતું. પરદેશમાં. કેટલીય ખુરશીઓ પર લાંબા પાથરેલા દુપ્ટટાઓ એકસાથે ૪-૫ જગ્યાઓ રોકવા સક્ષમ હતા. કેટલાય પરિચિતો મળી જાય અને 'કેમ છો?', 'હમણા દેખાતા નથી' જેવો કોલાહલ, રોજે પેન્ટ્-શર્ટમાં નોકરી કરતી યુવતીઓ/સ્ત્રીઓ આજે ડ્રેસમાં અને કેટલાક પુરુષો ઝભ્ભામાં જોવા મળતા હતા. મંચ પર ખાસ શણગાર ન હતો, પણ ત્રણ સ્ક્રીન સહુનું ધ્યાન ખેંચવા સક્ષમ હતી. આ સિવાય પણ બીજી ચાર સ્ક્રીન હૉલમાં મુકાયેલ છે.
મહોત્સવનું ઉદઘાટન કરીયે એ પેલા મારા ગુજરાતમાં બેઠેલા મિત્રોને થોડી ભૂમિકા આપી દઉં. જ્યારે મોદીજીને વિઝા ન્હોતા મળ્યા, એનો વિરોધ કરવા AAINA સંસ્થા ઉભી થયેલી ને પછી ૨૦૦૬માં સફળ ગુજરાતી કોન્ફરન્સ યોજેલ. આ વર્ષે એમને ફરીથી આંમત્રણ મોકલાયુ, પણ કદાચ વિઝા નહિ મળવાની બીકે મોદી વિઝા લેવા ગયા નહિં. મહિનાઓ અગાઉ અહિના ગુજરાતી છાપાઓમાં પ્રસિધ્ધ થતી જાહેરખબરોમાં હાજર રહેનાર મહાનુભાવોનું બહુ લાંબુ લિસ્ટ આવતું હતું, પણ છેલ્લી ઘડીએ ઘણા બધા ફસકી ગયેલા જણાયા. જેમ કે મોરારિબાપુ, મુકેશ અંબાણી, પરિમલ નથવાણી, શાહબુદ્દીન રાઠોડ, પાર્થિવ પટેલ, ઇરફાન પઠાણ, દેવાંગ પટેલ વગેરે. આમાના કોઈને વિઝાનો પ્રશ્ન નડે એમ નથી. પણ ઘણા બધાએ આવા જ કોઈને સાંભળવા ટિકિટો ખરીદી હતી. જો કે ટિકિટ અહિં યોજાતા બીજા કાર્યક્રમો કરતા ઘણી સસ્તી હતી. એક નાટકની ટિકિટ ૧૫-૨૦ ડૉલરથી ચાલુ થતી હોઈ છે, (જે ૭૫ સુધી સહેલાઈથી જતી હોઈ છે!) તેની સામે ૩ દિવસના આ મહોત્સ્વની ટિકિટ ફક્ત ૩૦ ડૉલર હતી.
બૅક ટુ ધ સ્ટેજ નાઉ! આ સ્ટેજ સંભાળવાનું કામ પણ એક કળા માંગી લેતું કામ છે. આ કામ સોંપાયુ છે હિના સક્સેનાને ! મેં ભલે પેલીવાર નામ સાંભળ્યુ આમનું પણ સહેલાઈથી કોઈને પણ સ્પર્શી જાય એવું જાજરમાન ગુજરાતી વ્યકિત્ત્તવ! સાડી અને ગુજરાતી ઘરેણામાં સજ્જ આ મનોવિજ્ઞાનના (સ્પેલિંગ માફ, ઘણી મહેનત છતા નથી લખાઈ સાચી જોડણી - નોંધઃ મનીષભાઈની કોમેન્ટમાંથી કોપિ કરી આ અને બીજા સ્પેલિંગ સુધારી લેવાયા છે, આભાર મનીષભાઈ! જો કે મારૂ એડિટર તો હજુ આ લખવા ટૂંકુ જ પડયુ.) આ પ્રોફેસર પ્રસંગનું ઘરેણું બની રહ્યા. એમનો સુંદર અવાજ, અને એથીય સુંદર સ્મિત વેરતી રજુઆત. એમણે બિરાજમાન મહેમાનોને સ્ટેજ પર આમંત્રણ આપ્યુ દિપજ્યોત પ્રાગટય થકી કાર્યક્રમને ખુલ્લો મુકવા. કેટલાક નામો યાદ છે એવા, સંત શ્રી માધવપ્રિયદાસજી, ડૉ. જગદીશ ભગવતી, અધ્યાત્માનંદજી, સ્વામી અવિચલદાસજી, શંકરસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, સૌરભ દલાલ, વગેરે. એક સાઈડનોટઃ થોડા સમય પહેલા માધવપ્રિયદાસજી અહિં આવેલા ત્યારે એમણે મંગળ ઉદઘાટન કરી જ દીધુ હતું! આજે એ ફરીથી હાજર રહી શક્યા. મહાનુભાવોએ દિપજ્યોત થકી વિશાળ જનમેદનીની હાજરીમાં પ્રસંગની વિધિવત શરુઆત કરી.
માફ કરશો કોઈ તમારા લાડિલા મહાનુભાવનું નામ લેવાનું ચૂકી જાવ તો, માફ કરશો કોઈના વિશે સારુ ના લખી શકુ ત્યારે. મને જેવું લાગ્યુ એવું લખ્યું છે, આ કંઈ પૈસા લઈને લખેલ રિપોર્ટ નથી કે મારે કોઇનો પક્ષ લેવાનો હોય કે વિરોધ કરવાનો હોય. લાગ્યુ એવું જ લખ્યુ! સીધૂ ને સટ! તડ ને ફડ! ના તો હું કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ છું! મને માખણ મારતા આવડતું નથી ને શીખવાની કોઈ અદમ્ય ઈચ્છા પણ નથી.
હવે સ્ટેજ પરથી અમેરિકાનું રાષ્ટ્રગીત, યા હોમ ગુજરાત, અને વંદે માતરમ ગીત રજુ થયા. યા હોમ ગુજરાત પાર્થિવ ગોહિલે રમતું મૂક્યુ. વંદે માતરમની રજુઆત પણ ખુબ આકર્ષક રહી. યુવાનોએ ત્યાર કરેલ આ ગીતની કોરિયોગ્રાફિ ધ્યાનાકર્ષક રહી. અમેરિકન રાષ્ટ્રગીત પણ ખુબ જ સરસ ગાયુ એક ગુજરાતી છોકરીએ. સાંભળીને કોઈ ના કહે કે આ ગુજરાતી અવાજ છે! હવે એક ના ઘટવાનું ઘટયું. ત્રણ દિવસના કાર્યક્રમમાં ન્હોતો એવો એક નાનો શો કાર્યક્રમ યોજાય ગયો.. જેવું અમેરિકાનું રાષ્ટ્રગીત પત્યુ એટલે ઘણાને મનમાં થયુ હશે કે ભારતનું કેમ નહિં? અને ઇન્ડિયા લીડ ફૅમ દેવાંગ નાણાવટીથી ના રહેવાયુ. સ્ટેજ પર આવી લલકારી ગયા 'જન ગન મન... ' આને તમે દેશદાઝ કહેશો કદાચ. પણ એક મિનિટ.. રાષ્ટ્રગીત હોય કે રાષ્ટ્રધ્વજ એની આમન્યા ના જાળવવાના હો તો બહેતર છે કે રાષ્ટ્રગીત ના ગવાય કે ધ્વજ ના ફરકે. આપણા રાષ્ટ્રગીતને આટલી ખરાબ રીતે ગવાતું મેં કયારેય જોયુ નથી. ગીતની કઢી કરી નાખી. મારી જેવા કેટલાય ખિન્ન થઈ ગયા હશે. પણ ખામોશ રહેવાનું ઉચિત હતું. ઇન્ડિયા લીડના હિરો વિષે જ્યારે ટાઈમ્સમાં વાંચતો ત્યારે કેટલિયે પ્રદેશભાવના કે ગુજરાતભકિત ઉભરાય હતી, એ બધીનો ભાગાકાર શૂન્યથી થઈ ગયો! આ ગીત ૫૨ (52) સેકન્ડસમાં ગાવાનું હોય છે, એવું તો મારા ગામના અભણ શિક્ષકોનેય ખબર હતી!
વૅલ, આગળ વધીએ. હવે માઈકનો માણિગર છે અંકિત ત્રિવેદી. એમને ૨૦૦૬માં જેમણે પણ માણ્યા છે, એ બધા ફરીથી સાંભળવા જરુર તલપાપડ હશે. મેં એમને ઘણા મંચ-સંચાલનમાં જોયા છે, માણ્યા છે. એક માણવાલાયક કવિ! એમણે બીજા દિવસે કહ્યુ ત્યારે ખબર પડી કે આ તો હજી ૨૬ વરસનો અપરિણિત યુવક છે ! પણ મજાનું બોલે છે, લખે છે! બહાર ગોઠવાયેલા સ્ટૉલ્સમાંથી એમના બે પુસ્તકો પણ મેં ખરીદ્યા. એમણે ઇજન આપ્યુ આઈના પ્રેસિડન્ટ સુનિલ નાયકને, બે શબ્દો હવામાં ફેંકવા! હ્દયસ્પર્શી આભાર માન્યો સર્વેનો એમણે, અને એમની ટીમનો; અથાગ પરિશ્રમથી આ દિવસના દર્શન કરાવવા બદલ. ખુબ જ ટૂંકમાં ઘણુ સરસ કહી ગયા, અંગ્રેજીમાં.
હવે ઘણા બધા ભાષણોનો સમય હતો, પ્રથમ હતા ડૉ. જગદીશ ભગવતી. એ આજના મુખ્ય મહેમાન છે અને વિશ્વના જાણીતા અર્થશાસ્ત્રી છે. પણ મોટા ભાગના પ્રેક્ષકો એમના નામથી અજાણ દેખાતા હતા! એમને સાંભળવામાં પણ લોકોને રસ ન્હોતો લાગતો. પોતાના સ્નેહીજનોની જોડે વાતોમાં મશ્ગુલ પ્રેક્ષકો વચ્ચે કોઇને ખરેખર સાંભળવા હોય તોયે ના સંભળાય એવા હાલ હતા. એમણે મુખ્યત્વે ગુજરાતની ખમીરીની વાતો કરી. એમને હજી ગુજરાતી આવડે છે, એ જાણી આનંદ થયો. એક એવા સપૂત જેમણે ગુજરાતનું નામ ખરા અર્થમાં ઉજાળ્યુ છે. આપણી રાહ રહેશે, ડૉ. ભગવતી નોબેલ જીતી લાવે તેની! ઘણીવાર એમનું નામ ચર્ચાય ચૂકયુ છે,નોબેલમાં નોમિનેશન માટે. આશા રાખીયે ગાંધીજીની જેમ ભગવતી ફક્ત નોમિનેશનથી અટકે નહીં, નહિ તો ફરીથી કોઇ ગુજરાતી નોબેલની આટલો નજીક આવે એવું દૂર સુધી દેખાતું નથી.
પછી ઘણા બોલ્યા, મને બધા યાદ પણ નથી. હું કેટલાક કાર્યક્રમોને અહિ સ્થાન આપી જગ્યા અને શાહી નહિ બગાડું, હવે પછીના 'ચાલો ગુજરાત'માં પણ કદાચ જ એમને સ્થાન મળે. વચ્ચે વચ્ચે સ્પોન્સર લોકો સ્ટેજ પર પોતાનો પ્રભાવ પાથરવા આવતા હતા, કયારેક તેમની જાહેરાત સ્ક્રીન પરથી પથરાતી હતી, પણ એ બધુ આપણે યાદ રાખતા નથી! એક ત્રણ પડદા પર ભજવાતી ફિલ્મ રજુ થઈ પણ એમાં કંઇ દમ હતો નહીં. ગુજરાતના વિવિધ સ્થળો વિષે માહિતી આપવાનો પ્રયત્ન હતો આ મુવીમાં. એક સરસ મા શકિતનો ડાન્સ રજુ થયો. કેટલીક જગ્યાએ ક્ર્મ જળવાયો નથી માફ કરશો, કેમ કે મારી યાદ-દાસ્ત પરથી આ લખી રહ્યો છું.
મિનવ્હાઈલ, સ્ટેજ પરના ત્રીજા સંચાલક રેડિયો મીર્ચી ફૅમ ધ્વનિત ઠાકર પણ આવી ગયા હતાં. મને ખાસ જામ્યુ નહિ એના કલબલાટમાં. પણ લોકો પેલા બે દિવસ એ કે ત્યારે તાળી પાડતા રહ્યા હતાં એટલે ઇન જનરલ લોકોને બેએક દિવસ માટે તો આ અવા ચહેરો ગમ્યો હશે. પણ એમની પૂઅર કોમૅન્ટસથી મને ખાસ મજા ના આવી. રેડિયોમાં પુછે એમ અહીં પણ સવાલો પુછ્યા કરે અને દોડદોડ કરી લોકોના જવાબ માઈકમાં લેવા જાય. 'ગુજરાતી ટીન-એજ'ના વર્ગમાં કદાચ આ 'ઘોડુ દોડે' (કહેવતના સંદર્ભમાં લેશો, બાકી મારી કોઈ હેસિયત નથી આ સરસ નામને બગાડવાની!. ), બાકી તો કોઈ પણ થોડા સમયમાં કંટાળે. પણ જેમ છેલ્લા દિવસે બકુલ ધોળકીયાએ નોંધ્યુ તેમ, ખુબ યંગ ટેલેન્ટને ખુબ મોટુ પ્લૅટફોર્મ મળ્યુ. મારે ઉમેરવું રહ્યુ કે, ધ્વનિત સિવાયની બધી યંગ ટેલેન્ટ પ્લૅટ્ફોર્મ પ્રમાણે ટેલેન્ટ પિરસી શક્યા!
સાંજે જમવાનૉ સમય થયો અને આપડા બાપડાઓ ૨૦૦૬ની ગુજરાતી કોન્ફરન્સ પછી જમ્યા ના હોય એમ તૂટી પડ્યા. આટલી ટોળાશાહી મેં કયારેય આ દેશમાં જોઈ નથી. ગજબની ભીડ. કોઇ કચરાય ના જાય એવી બીક લાગી મને, જો કોઈ ઈજાગ્રસ્ત પણ થાય તો ચોક્કસ બાકીના દિવસોના પ્રોગામ્સ બંધ રહે. જમવાનું પતવામાં હતું ત્યારે જમવા જવું ઉચિત હતું. ૮-૧૦ હજાર માણસોનું રસોડું છતા ખુબ જ સરસ રસોઈ, અને એ પણ લગનમાં પણ ના હોઈ એટલી આઈટમ્સ સાથે! સ્વયંસેવકોની પ્રશંસા કરીયે એટલી ઓછી. આપણે ત્યાં જેમ યુવક મંડળ હોય છે, એમ અહીં પણ આપણા ગુજ્જુ ભાઈઓએ એક મંડળ બનાવ્યુ છે એમની સેવા રસોઈ વિભાગને મળી છે. લગભગ ૫૦ સ્વયંસેવકો ખંતથી જમાડે છે બધાને. આવી જ સેવા, પાર્કિંગ વિભાગમાં અક્ષરપુરૂષોત્તમ સંસ્થાના કાર્યકરોએ કરી. રસોઈની વાત નીકળી છે તો એ પણ જણાવી દઉ 'રજવાડુ' અમદાવાદની ૪૦-૫૦ની ટીમ આવી છે અને ઉત્તમ ભોજનનો રસાસ્વાદ કરાવ્યો. એમને સાથ આપ્યો લોકલ કેટરર 'ચોપાટી'એ.
રાતના બહુ જ સરસ પ્રોગામ થયો, નામ હતુ તેનું 'સૂર ગુલાબી સાંજ'. મંચ સંચાલન હવે ગજાવશે તુષાર શુક્લ. સુગમ સંગીત અને કવિ સંમેલનોમાં સાંભળેલો અવાજ ઘણા સમય પછી સાંભળવા મળ્યો. દરેક શબ્દને તોળીને, શબ્દની મહત્તમ સુગંધ રેલાવી દે એનું નામ તુષાર શુક્લ. હાજર હતા ગુજરાતી સંગીતના માંધાતાઓ પુરૂષોત્તમ ઉપાધ્યાય, આરતી-શ્યામલ-સૌમિલ મુનશી, સંજય ઓઝા, આસિત-આલાપ દેસાઈ, ઐશ્વર્યા મઝમુદાર, મૌલી દેસાઈ, અને બીજા એકાદ-બે કલાકારો. બધા કલાકારો દિલ દઈને વરસ્યા. અત્રે બે-ચાર નોંધ લેવી ઘટે. સંજય ઓઝા અને ઐશ્વર્યાને 'વન્સ મોર' સાંભળવાનું નસીબ થયુ. આસિત દેસાઈએ 'હુ તુ તુ તુ...' ગાઈ ધુમ મચાવી. સંજય ઓઝાએ 'અમે અમદાવાદી..' અને 'તારી આંખનો અફિણી...' ગજાવ્યા તો વળી ઐશ્વર્યાએ 'દિકરી તો પારકી થાપણ કે'વાય' થકી વાતાવરણ ડોલાવ્યુ. મૌલી દેસાઈએ પણ નાવિન્યસભર કૃષ્ણગીતથી ચાહના મેળવી. તુષાર શુક્લે એક સરસ વિચાર રમતો મેલ્યો. બંગાળમાં જેમ 'રવિન્દ્ર સંગીત' છે એમ ગુજરાતને 'અવિનાશી સંગીત' જેવો પોતિકો શબ્દ હોવો ઘટે! આમ કહી આજની સાંજ અવિનાશ વ્યાસને અર્પણ કરી. બેએક ગીતો બાદ કરતા બાકીના બધા ગીતો અવિનાશ વ્યાસના હતા.
અને હવે એકાદ-બે મારા નીરિક્ષણો કેટલાક કલાકારો વિષે. શ્યામલ મુનશી પોતે વ્યવસાયે ડૉકટર છે, એ મને આ કાર્યક્રમમાં જાણવા મળ્યું.આરતી-શ્યામલ-સૌમિલની એ તસવીર લેવાનૂં ચૂકાય ગયુ જેમાં તેઓ પોતે જાતે પોતાની સી.ડી. કેસેટસ વેચતા હોય, સ્ટોલ પર ઉભા રહીને!! આમા મને કશુ ખરાબ નથી લાગતું પણ નવીન જરૂર લાગ્યુ છે! પણ જે ખરાબ લાગ્યુ છે એ નીરિક્ષણ હવે. એ છે ગુજરાતી સુગમ સંગીત અને ગુજરતી ફિલ્મ સંગીતના પિતામહ પુરૂષોત્તમ ઉપાધ્યાય વિષે. એમની સ્ટેજ એટિકૅટ બહુ સારી ન હતી. સંજય ઓઝાને વન્સ મોર થયુ તો એમણે કોમૅન્ટ કરી કે, તમે બધાને બે વાર સાંભળશો તો સવાર પડશે. પણ જ્યારે તેની શિષ્યા ઐશ્વર્યાને વન્સ મોર મળ્યુ ત્યારે હરખાતા હરખાતા ગાવાનું કહ્યુ અને એક કોમૅન્ટમાં ઐશ્વર્યાને બિરજુ બાવરા અને તાનસેન જોડે સરખાવી! બધાને બરાબર સંભળાતું હતું જ્યારે તેઓ પોતે ગાઈ રહ્યા હતા, છતા માઈકનો અવાજ વધારવાનું વારંવાર કહ્યે રાખ્યુ. જ્યારે અવાજ અસહ્ય થયો ત્યરે પ્રેક્ષકોએ 'હુરિયો' (આઈ રીપિટ 'હુરિયો') બોલાવ્યો. માઈકનો અવાજ ફરીથી ઘટયો અને સાથેસાથ એમનો દબદબો પણ! નોંધવું જરૂરી છે કે ના તો એમણે ગાયેલા ગીતોમાં તાળીઓ પડી, વન્સ મોર તો બહૂત દૂર કી ચીઝ થી ! પણ એમણે આપેલા યોગદાનનું ગુજરાત હમેંશા ઋણી રહેશે એ સહર્ષ સ્વીકારૂ છું.. આવી નાની ઘટનાઓ એમના વિરાટ યોગદાનની કાંકરી પણ હલાવી ના શકે.
રાત્રે દોઢ વાગ્યે સુગમ સંગીતનો પ્રોગામ પત્યો! બધાએ બહુ રસથી માણ્યો આ પ્રોગામ. મને તો જલસો પડી ગયો...
હવે પેલા દિવસે નોંધાયેલ થોડી વાતો સંક્ષેપમાં.
ન્યૂ જર્સી સ્ટેટ ગવર્નર જ્હોન કોરઝાઈન પણ પધારેલ અને પ્રાસંગિક પ્રવચના કરેલ પણ કોઈએ ધ્યાનથી સાંભળેલ નહીં, અને બે-ચર વાર ખોટી ( આઈ મીન કૃત્રિમ) તાળીઓ પણ પાડેલ!
ન્યૂ જર્સી સ્ટેટે ૨૯ ઑગસ્ટને ગુજરાતી દિન જાહેર કરેલ! મારે રિસર્ચ કરવાનું બાકી છે કે આની અગત્યતા કેટલી છે, વર્ષે દા'ડે કેટલા 'ડે' જાહેર કરાય છે વગેરે.
સભા ખંડ સારા કાર્યક્રમ દરમિયાન ફૂલ ભરેલો રહેતો હતો, અને બાકીના સમયમાં લોકો બહાર ગોઠવાયેલા સ્ટોલ્સ પર સમય પસાર કરતા હતાં.
પ્રવચનોમાં એક હતું, સૌરભ દલાલનું. સૌથી બોરીંગ. મને એ જાણીને દુઃખ થયુ કે આ આપણા ઉદ્યોગમંત્રી છે. છાપામાં નામ વાંચવા મળતું પણ પેલી વાર સાંભળવા મળ્યા. નો સેકન્ડ ટાઈમ, પ્લીઝ.
શકિતસિંહ ગોહિલે ખુબ સરસ વ્યકતવ્ય આપ્યુ, લોકોને હસાવ્યા પણ ખરા ને વારંવાર તાળીઓ પણ પડાવી.
લોકોને લેઝર શોમાં ખુબ મજા પડી. લેઝરથી ગાંધીજી, સરદાર વગેરેની કૃત્તિઓ ઉભી કરાયેલ.
ધેટસ ઈટ ફ્રોમ ન્યૂ જર્સી ફોર ધ ડે! આપની સમક્ષ પ્રસ્તુતિ અલ્પેશ ભાલાળાની. ટૂંક સમયમાં હાજર થઈશ બાકીના કાર્યક્રમોના રસપાન સાથે.