અમદાવાદમાં દિવ્ય ભાસ્કરમાંથી એકીસાથે સાત પત્રકારો ટાઈમ્સ ભણી
16-11-2007
અમદાવાદના દિવ્ય ભાસ્કર દૈનિકમાંથી ચાલુ મહિને સાત રાજીનામા પડ્યા છે. આમાં પોલીટીકલ રિપોર્ટર દિલીપ પટેલ, શિક્ષણના રિપોર્ટર ભરત યાગ્નિક, હોસ્પિલ અને હેલ્થના રિપોર્ટર મેહુલ જાની, રેલવે એરપોર્ટ કસ્ટમ એક્સાઈઝ વેટ ઈંકમ ટેક્સના રિપોર્ટર યોગેશ અવસ્થી, અમેરિકા એડિશનનું કામ સંભાળતા રાજેશ કછોટ, અમદાવાદની સીટી ભાસ્કર એડિશન સંભાળતા આશીષ વશી અને અમદાવાદના અનુભવી ક્રાઈમ રિપોર્ટર પણ છેલ્લે સુરતમાં દિવ્ય ભાસ્કરના બપોરના દૈનિક ભાસ્કર ગોલ્ડનુ કામકાજ સંભાળતા પ્રશાંત દયાળ આ બધા ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં જોડાયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા જાન્યુઆરી ૨૦૦૮માં અમદાવાદથી મુંબઈની માફક અમદાવાદ મીરર નામની રોજિંદી ટેબ્લોઈડ પૂર્તિ આપવાનું છે તેના માટે આ બધાની ત્રણ વર્ષના કોંટ્રેક્ટ પર ઉંચા પગારે ભરતી થઈ છે.
ટાઈમ્સે દિવ્યભાસ્કરમાંથી કરેલી આ ભરતીની પાછળની સ્ટોરી જોઈએ તો દૈનિક ભાસ્કર ગ્રુપ અને ઝી ટીવી ગ્રુપ બંનેએ ભેગા થઈને મુંબઈમાં ડેઈલી ન્યુઝ એન્ડ એનાલિસીસ નામનુ અંગ્રેજી દૈનિક અખબાર કાઢ્યુ અને એમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ખમતીધર પત્રકારોને તોડીને ભરતી કર્યા.મુંબઈ પછી દૈનિક ભાસ્કર ગ્રુપે પાછલી પહેલી નવેમ્બરથી અમદાવાદમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સામે દૈનિક અંગ્રેજી અખબાર ડીએનએ માત્ર એક રૂપિયાની કિંમતમાં લોંચ કર્યું અને એમાં પણ અગાઉથી જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો સ્ટાફ તોડીને ભરતી કર્યો. જેમ કે લેટેસ્ટમાં અમદાવાદ ઈકોનોમીક ટાઈમ્સના મેઘાવી પત્રકાર નારાયણ ભટ્ટને ડીએનએ લઈ ગયું. તો આના વળતા ઘા રૂપે ટાઈમ્સે ભાસ્કર ગ્રુપના ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરના સ્ટાફ ઉપર પંજો માર્યો છે. આ પંજો મારવાનું ટેક્ટીકલ કારણ એ છે કે ગુજરાતી દિવ્ય ભાસ્કરના અનુભવી પત્રકારોની સ્ટોરી અંગ્રેજીમાં ટ્રાન્સ્લેટ થઈને સીધી આ જ ગ્રુપના ડીએનએ માં છપાય તો હરીફ ટાઈમ્સને નુકસાન થાય તેમ હતુ.
ટાઈમ્સે મુંબઈમાં મીરર ચાલુ કર્યુ ત્યારે મુંબઈના વર્નાક્યુલર એટલેકે અંગ્રેજી સિવાયની ભાષાઓના અનુભવી પત્રકારોને ભરતી કર્યા હતા. આ પત્રકારો તેમની સ્ટોરી ભલે મરાઠીમાં લખે, પણ બીજો સ્ટાફ તેને ટ્રાન્સ્લેટ કરી નાખે.ટાઈમ્સે અમદાવાદમાં ગુજરાતી પત્રકારો મુંબઈના અનુભવ પરથી જ ભરતી કર્યા છે. પત્રકારોને અમદાવાદની પતંગ હોટેલમાં લંચ ઉપરાંત આબુ અને મુંબઈમાં ટ્રેનીંગ મળશે અને જાન્યુઆરીથી નીકળશે અમદાવાદ મીરર.ત્યાં સુધીમાં દિવ્ય ભાસ્કર ગાબડુ પૂરવા ભરતી કરી લેશે અને બધા છાપા પોતપોતાની રીતે નીકળતા રહેશે.
ચોવીસ કલાકની ગુજરાતી ન્યુઝ ચેનલ પહેલી ડિસેમ્બરથી
16-11-2007
છેવટે સૌપ્રથમ ગુજરાતી ચોવીસ કલાકની ન્યુઝ ચેનલ ટીવી નાઈન ગુજરાતી પહેલી ડિસેમ્બરથી શરૂ થશે. ચેનલે અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં ઓફિસ અને સ્ટાફની ભરતી બે મહિના પહેલા જ કરી લીધી હતી. પણ પછી ચેનલ શરૂ થવાની તારીખ વારંવાર બદલાતી રહેતી હતી. જો ચૂંટણી પહેલા યોગ્ય સમયે ચેનલ શરૂ થઈ જાય તો ચેનલને પ્રારંભિક લાભ મળે એમ હોવાથી મોડે મોડે ઉતાવળે પણ આ ચેનલ પહેલી ડિસેમ્બરથી શરૂ કરાશે એવુ જેપીના સોર્સ કહે છે.
ટીવી નાઈનના ગુજરાતના બ્યુરો ચીફ તરીકે ઝ ન્યુઝના બ્યુરો ચીફ લોકેશકુમારની પસંદગી થઈ છે. લોકેશકુમાર મૂળ બિહારના છે. આ ઉપરાંત ટીવી નાઈનની ટોપ ટીમમાં ઝીના જ સમીર શુક્લ, જનક દવે અને ઋત્વિક ત્રિવેદીનો સમાવેશ થાય છે. ટીવીનાઈને તમામ પત્રકારો યંગ લીધા છે. રાજકોટ, અમદાવાદ અને સુરતમાં આ ચેનલની ઓબી વાન તૈનાત રહેશે જે દરરોજ લાઈવ ટેલીકાસ્ટ કરશે.
ટીવી નાઈન મૂળ તો આંધ્રપ્રદેશના પત્રકાર રવિપ્રકાશે સત્યમ કોમ્પ્યુટર્સના માલિકના પૈસે તેલુગુમાં શરૂ કરી હતી. પછી ચેનલ બીજા રાજ્યોમાં ફેલાઈ. જેપીના આંધ્રપ્રદેશ સ્થિત પત્રકાર મિત્ર કહે છે કે આ ચેનલ મનોરંજક રીતે સમાચાર રજૂ કરે છે. ઉપલા સ્તરના નહીં પણ નીચલા સ્તરના અધિકારીઓના સ્ટીંગ ઓપરેશન રજૂ કરે છે. જેમ કે બ્યુટી પાર્લરના નામે ચાલતા કૂટણખાનાનું સ્ટીંગ ઓપરેશન કલ્લાક સુધી બતાવવામાં આવે છે.
ચેનલના મુખિયા રવિપ્રકાશ નકસલવાદ તરફ કૂણૂ વલણ ધરાવતા હોવાની માહિતી પણ જેપીને આંધ્ર સ્થિત પત્રકાર મિત્રે આપી. આંધ્રપ્રદેશમાં ટીવીનાઈને આવીને ઈ ટીવીની તેલુગુ ચેનલને સ્પર્ધા આપી હતી. ગુજરાતમાં હાલ ઈ ટીવી ગુજરાતી ઉપરાંત ઝી ગુજરાતી એમ બે ચેનલો સમાચાર અને મનોરંજનના કાર્યક્રમો બતાવે છે. ચોવીસ કલાકની ગુજરાતી ન્યુઝ ચેનલ એ કોન્સેપ્ટ જ પોતાનામાં નવો છે હવે કોન્સેપ્ટ સિવાય કન્ટેન્ટમાં ટીવીનાઈન ગુજરાતી નવુ શું આપે છે એ જોવાનું છે.
Source: DeshGujarat.com/abg
A.B. - When Divya Bhaskar got introduced in Gujarat, they pulled out a whole team of journalists from Gujarat Samachar and now its Times..