Saturday, November 17, 2007

કૃષ્ણ દવે : A Technocrat Poet !!



લોકશાહીની સાંકળ પાછી ચૂંટણીએ ખખડાવી.
બૂઢી માની ખબર કાઢવા જાણે દિકરી આવી.
મશીન પણ આ મતદાતાનો કેવો રાખે ખ્યાલ!
જેના પર એ મૂકે આંગળી બત્તી ધરતુ લાલ.
કહે મીનીસ્ટર આ વખતે પણ ચૂંટણી લડશું ત્યાંથી
થોભો પહેલા યાદ કરી લઉં ચૂંટાયોતો ક્યાંથી?
એ ય આપણે જીત્યા તો તો દિલ્હી રહેવા જાશું,
રાજ મળે તો ઠીક નહીંતર ટેકા વેચી ખાશું.
તું કહે છે તો આ ચૂંટણીમાં લે ઊભો રયો હું
પણ ધારો કે જીતી ગ્યો તો ત્યાં કરવાનું શું ?
અભિનંદન બભિનંદનને તો હમણા ટાંગો ભીંતેં
પહેલા ઇ તો ગોતી કાઢો જીતી ગ્યા કઇ રીતે ?
****

“અમથું કૈં આ વાદળીઓને ઍડમીશન દેવાનું ?
ડૉનેશનમાં આખ્ખે આખ્ખું ચોમાસું લેવાનું.”

****
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ...

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ...

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ...

******************

કૃષ્ણ દવે ગીતોનો માણસ છે. કૃષ્ણ દવે આજે ભલે બેન્કમાં કામ કરતાં હોય, પણ મોટાભાઈનું શિક્ષણ ખોરંભે ન ચડે એટલે સુથારીકામ કરી ઘેર ઘેર જઈ ફર્નિચર પણ બનાવતાં હતાં.

*******

ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાનાં પૂર,
અને ઉપરથી ગોપીઓ ને રાધા..
અહીં મારે તો જીવવાના વાંધા ..
આંખોની પથરાળી ધરતીમાં વૃન્દાવન, ગોવર્ધન, ગોકુળ ક્યાં વાવીએ?
ભાંભરડા દેતી આ ભૂખી ઈચ્છાઓનાં ધણનાં ધણ ક્યાં જઈ ચરાવીએ?
આયખે વલોવાતાં એક એક દ્હાડાને માગી માગીને મેં ખાધા
અહીં મારે તો જીવવાના વાંધા ..
પૂરેલાં ચીર એમાં માર્યો શું મીર ? એનું કારણ એ રાજાની રાણી
નજરે ના કેમ ચડી આછેરા જીવતરની માંડેલી આમ ખેંચતાણી
ખેંચાતાં ખેંચાતાં ટાંકા તૂટે ને વળી દોરા ખૂટે
ને તોય કરવાના રોજ રોજ સાંધા?
અહીં મારે તો જીવવાના વાંધા ..
ગોકુળનો શ્વાસ લઈ, મથુરાની હાશ લઈ દરિયામાં જાત તેં બચાવી
મેં તો આ પ્હાનીના હણહણતા અશ્વોને ખીલ્લાની વારતા પચાવી
ભાગી ભાગીને હુંય ભાગું કદાચ તોય રસ્તાને પગલાંની બાધા
અહીં મારે તો જીવવાના વાંધા ..
*****

શ્રી કૃષ્ણ દવેનો જન્મ તા. સપ્ટેંબર 4, 1963. વતન સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાનું ધારી ગામ. એટલે 1 થી 7 ધોરણ સુધીનો અભ્યાસ એમણે ધારીમાં કર્યો.

*****
શું કહેશો આ શાયરને ? નેટિઝન નરસૈયો ? મોડનૅ મીરામૅમ(બાઈ) ? ટેક્નો પોએટ ?
***

1 comment:

Yatharth said...

ફાસ્ટફૂડ – કૃષ્ણ દવે

 પ્રકાર: કાવ્યો અને પદ્ય   

[કૃષ્ણભાઈનું પ્રસ્તુત કાવ્ય પહેલી નજરે કંઈક રમૂજ પમાડે એવું જરૂર લાગે, પરંતુ ધ્યાનપૂર્વક વિચારતા પ્રત્યેક પંક્તિ પાછળ રહેલો કવિનો આક્રોશ આપણને સ્પર્શ્યા વગર રહી શકતો નથી. જમાના પ્રમાણે ચાલવાની દોડમાં વ્યક્તિ ન તો પોતે પોતાના ખોરાક પ્રત્યે સભાન છે કે ન તો પોતાના પહેરવેશ પ્રત્યે. ઘોંઘાટિયા બેસૂરા અવાજોને તે ‘સંગીત’ સમજી બેઠો છે. બસ, દુનિયાની સ્પર્ધામાં ટકી રહેવા એ તો રાત-દિવસ દોડી રહ્યો છે. પોતાને શું પામવું છે અને ક્યાં જવું છે તેની કંઈ જ ખબર નથી – આ વ્યથાથી પીડાતું કવિહૃદય લખી ઊઠે છે કે ‘જાવ ફાસ્ટફૂડ ખાવ....’ આપ તેમનો +91 9426563388 અથવા krushnadave@yahoo.co.in પર સંપર્ક કરી શકો છો.].
લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે !
પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?
વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
અપ ટુ ડેટ કાગડા ને કાગડીયું માઈકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા !
કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં નીકળી પડ્યા છો તમે ન્હાવા ?
કૂંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?
માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?
લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ