કાયદાના રક્ષકો જ કાયદાનું પાલન કરતા નથી એવી ઢગલેબંધ ફરિયાદો આવતાં પોલીસ કમિશનર ધનંજય જાધવે આદેશ આપ્યો હતો કે ડ્રાઈવ કરતી વેળા પોલીસ સીટ-બેલ્ટ કે હેલ્મેટ ન પહેરે તો તેમને
સસ્પેન્ડ કરવામાં આવશે.
વાહન ચલાવતી વેળા સીટ-બેલ્ટ કે હેલ્મેટ ન પહેરનારા સંખ્યાબંધ લોકો સામે પોલીસે કાર્યવાહી કરીને દંડ ફટકાર્યોછે. એમાંના ઘણા લોકોએ ફરિયાદ કરી હતી કે ખુદ પોલીસ પણ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેમને કેમ દંડવામાં આવતા નથી.
નાગરિકોની વારંવારની ફરિયાદોને ઘ્યાનમાં લેતાં કમિશનરે ૨૭ મે, ૨૦૦૭ના રોજ પરિપત્રક બહાર પાડીને ડ્રાઈવ કરતી વખતે પોલીસે પણ સીટ-બેલ્ટ અને હેલ્મેટ પહેરવાં જરૂરી છે એવી તાકીદ કરી હતી.
દરમિયાન ઓકટોબર ૨૦૦૭ સુધીમાં પોલીસે ટુ-વ્હીલર ચલાવતી વેળા હેલ્મેટ ન પહેરનારા ૨,૯૦,૪૭૪ જણને દંડયા હતા. એ જ રીતે કાર ડ્રાઈવ કરતી વેળા સીટ-બેલ્ટ ન પહેરનારા ૨૬,૦૬૨ જણને દંડયા હતા.
જૉકે આમાં એકેય પોલીસ દંડાયો નહોતો. આથી સજાગ નાગરિકો વારંવાર ફરિયાદ કરતા હતા કે ખુદ પોલીસ જ હેલ્મેટ કે સીટ-બેલ્ટ પહેરતા નથી. વળી, કમિશનરની તાકીદ છતાં પોલીસો તેને ઘોળીને પી ગયા છે અને હજુ પણ તેઓ છડેચોક નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
ફરિયાદો વધતાં કમિશનરે હાલમાં જ ફરી ફતવો બહાર પાડયો છે અને જૉ હવે પછી કોઈ પણ પોલીસ ડ્રાઈવ કરતી વેળા સીટ-બેલ્ટ કે હેલ્મેટ નહીં પહેરશે તો તેને દંડ ફટકારાશે અને જૉ એમાં કોઈ પણ રકઝક કરી તો તેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાશે. આ આદેશ પોલીસ દળમાં ચર્ચાનો વિષય બની ગયો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
No comments:
Post a Comment