Monday, August 11, 2008

Hindu Guru(s)

"...વિશાળ સભામંડપમાં ઘૂઘવતો અંધશ્રદ્ધાનો સમુદ્ર તમે જોયો છે? પોતાના અસંખ્ય અનુયાયીઓની ધેટાંગીરી હવે કોઇ ગુરુજીને સ્વસ્થ રહેવા દે તેમ નથી. ઉપદેશકો ઉધોગપતિઓની માફક વૈભવમાં રાચે છે. વૈભવ અને વૈરાગ્ય વરચે ચાલતી દોરડાખેંચમાં વૈરાગ્ય હારી જાય છે. જે ગુરુ પર એન.આર.આઇ. ચેલાઓ આફરીન થાય તે ગુરુ ન બગડે એ શકય જ નથી બધો વાંક ગુરુજીનો નથી હોતો. હિંદુ સ્ત્રીઓનો સૌથી પ્રિય શણગાર એટલે સુંદર સાડીમાં વીંટળાયેલી અપ્રદૂષિત અંધશ્રદ્ધા!..."

આ શબ્દો છે, લેખકશ્રી ગુણવંત શાહના. જે ગુરુ પર એન.આર.આઇ. ચેલાઓ આફરીન થાય તે ગુરુ ન બગડે એ શકય જ નથી, આ વાત પર મારે એક આખો આર્ટિકલ લખવો છે. પછી કયારેક. વાંચો ગુણવંત શાહને આગળ...

"આસારામનો પૂર્વાશ્રમ વિવાદાસ્પદ છે અને એમનો વર્તમાન અસાધુતાના અતિરેકોથી ધેરાયેલો છે. એમને વિશે કડવું લખવાનું બનેલું. શબ્દો હતા : ‘થાંભલે થાંભલે દાઢી, અને દાઢીએ દાઢીએ થાંભલો!’"

"ઉભરો શાંત થઇ જાય પછી એકાદ વર્ષમાં જ આસારામનો સભામંડપ ફરીથી છલકાવાનો છે. હે હિંદુઓ! તમે કયારે જાગશો? શું કુંભકર્ણ તમારો ઇષ્ટદેવતા છે? "

"આશ્રમમાં સંસાર ઉભો થાય એના કરતાં સંસારમાં આશ્રમ ઉભો થાય તે ઇરછનીય છે. "

"કોઇ તગડા ધુતારાને ઓચિંતું સત ચડે છે અને કયાંક આશ્રમ સ્થપાઇ જાય છે. જમીનના ઝઘડામાં ખાનગી ગોળીબાર થાય છે. ‘આશ્રમ’ શબ્દ જ અઢળક નાણાં ખેંચી લાવે છે. નાણાં સાથે આપોઆપ કેટલીક મૂર્ખ શિષ્યાઓ ચાલી આવે છે. આશ્રમનું ભોંયરું રહસ્યમય શંòગારનું ઉપસ્થાન બની રહે છે. વિચારહીનતાનો મહોત્સવ જામે ત્યારે સ્વામી ધુતારાનંદજીનો જયજયકાર વધી પડે છે. ધીરે ધીરે કેટલીક દાઢીમૂલક અને લંગોટમૂલક હરકતો શરૂ થાય છે. સ્ત્રીઓનું શોષણ સ્ત્રીઓની પૂરી સંમતિથી થતું રહે છે. ફળિયાનું અંધારું પણ આશ્રમના અજવાળા કરતાં સ્ત્રીઓ માટે વધારે સલામત હોય છે."

અહીં "આશ્રમ" મતલબ ashram.org ?!! હું તો આ જ અર્થ લઈશ.

"કયારેક શકિતપાત અને વીર્યપાત વરચેની ભેદરેખા ખતમ થઇ જાય છે. સ્વામી કામસુખાનંદજીના મુખ પર તેજનું લીંપણ પથરાઇ જાય છે. મૂર્ખ અનુયાયીઓ એને બ્રહ્મચર્યનું તેજ સમજીને ગુરુ લંપટેશ્વરજીની ચરણસેવા કરતા રહે છે. પાળેલા ચેલકાઓ ગુરુ ઘંટાલજીના પ્રભાવની અફવાઓ ફેલાવતા રહે છે. ગંદા રાજકારણીઓ અને ભ્રષ્ટ ધર્મકારણીઓ વરચે સેંડવિચ થયેલી અંધશ્રદ્ધાળુ પ્રજાનું કોઇ ભવિષ્ય ખરું? આપણો ઉચિત ક્રોધ (મન્યુ) ખતમ થવાને આરે છે."

અહીં "મૂર્ખ" શબ્દનો ઉપયોગ એક્દમ યોગ્ય છે, કદાચ બીજા બે-ત્રણ સરસ સુરતી શબ્દો આપણી જાતે ઉમેરવા રહયા.

"એક સાચા સંત હતા. એમણે કોઇ ચમત્કાર ન કર્યો. એમણે કોઇને મૂર્ખ ન બનાવ્યા. નહીં ચેલા, નહીં ચેલી! નહીં ફંડ, નહીં ફાળો! નહીં આશ્રમ, નહીં પંથ! એમની ઘરાકી નહીં જામી. તેઓ આબાદ બચી ગયા. એમનું નામ સ્વામી આનંદ. સાધુ કોને કહે તે જાણવું હોય તો સ્વામી આનંદનાં પુસ્તકો વાંચવા રહ્યાં. ગાંધીયુગમાં બીજા સાધુ થઇ ગયા.
તેઓ ચિંતક કિશોરલાલ મશરૂવાળાના ગુરુ હતા. એમનું નામ કેદારનાથજી. એમનું પુસ્તક ‘વિવેક અને સાધના’ વાંરયા પછી ધર્મનો મર્મ આપોઆપ સમજાઇ જાય. વિનોબાજીનું પુસ્તક ‘અઘ્યાત્મ તત્ત્વસુધા’ વાંચીએ તો સાચા ધર્મની ભાળ મળે. જે ગુજરાતમાં પૂજય રવિશંકર મહારાજ થઇ ગયા, તે ગુજરાત આટલું અંધશ્રદ્ધાળુ શાને? હિંદુઓની એક હઠીલી મર્યાદા છે. તેઓ રામભકતને રામ ગણીને પૂજવા લાગે છે. તેઓ કૃષ્ણભકતને કૃષ્ણ (યોગેશ્વર) ગણીને પૂજે છે. આ બાબતે ઇસ્લામ પાસેથી શીખવા જેવું છે. પયગંબર ગમે તેટલા મહાન હોય, તોય ખુદા ન ગણાય."

ખુબ સાચી વાત છે, સ્વામિનારાયણ ધર્મના પાયામાં રહેલા ગ્રંથ શિક્ષાપત્રીમાં શરુઆતના શ્લોકોમાં ભગવાન કૃષ્ણને મુકેલા છે, પણ આજે તો કેટલાય સ્વામિ મંદિરોમાં યા તો કૃષ્ણ ભગવાન હોઈ જ નહીં, યા તો સ્વામિ સંતો કરતા પણ નીચા સ્થાને હોય. મેં એક સ્વામિ મંદિરમાં આરતી વખતે ફક્ત સ્વામિનારાયણ અને તેના સંતોની જ આરતી થતા જોયેલી, ભગવાન રાધાકૃષ્ણ આખી આરતીમાં અપમાન સહ્યા કર્યુ. ખેર, એ લોકો (સ્વામિવાળાઓ) પણ થોડા વર્ષોમા ઝપટમાં જરુર આવશે.

ફરી આગળ વધીએ...

"રસૂલેખુદા આદરણીય ઘણા પણ તેમની બંદગી ન થાય. તેથી કહ્યું છે : ‘આદમ ખુદા નહીં, લેકિન ખુદા કે નૂર સે આદમ જુદા નહીં.’ બંદગી તો ખુદાની જ થાય. આપણા દેશમાં કેટલા ભગવાનો છે?

જગતમાં ઘણા ધર્મોછે અને ઘણી પ્રજાઓ છે. જે પ્રજા પોતાના ધર્મમાં દાખલ પડેલી મર્યાદાઓ અંગે સભાન થઇ જાય તે જ પ્રજા આગળ વધે છે. ખિ્રસ્તી ધર્મને સુધારક માર્ટિન લ્યુથરનો લાભ મળ્યો હતો. દરેક ધર્મમાં ‘પ્રોટેસ્ટંટ ઘટના’ બનવી જ જોઇએ. પ્રોટેસ્ટ કરે તે પ્રોટેસ્ટંટ ગણાય. હિંદુ ધર્મમાં વીર નર્મદ, દુર્ગારામ મહેતાજી અને રાજા રામમોહનરાય જેવા મહાનુભાવોને કારણે પ્રોટેસ્ટંટ ઘટનાઓ બની.

એ જ રીતે સ્વામી દયાનંદ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીએ હિંદુ ધર્મમાં પેધી પડેલી મર્યાદાઓ સામે બગાવત કરી હતી. ઇસ્લામમાં ‘પ્રોટેસ્ટંટ સિન્ડ્રમ’ ઝાઝી બુલંદી પર ન પહોંચી શકયો. ખુલ્લા મનની વિચારશીલતા વિના ધર્મ જામતો નથી. અંધશ્રદ્ધાળુ લોકો તો ધર્મનું શબ ચકીને ચાલનારા ડાઘુઓ છે. આ બાબતે ખિ્રસ્તી પ્રજા આજની દુનિયામાં ખાસી આગળ છે. પિશ્ચમના ખિ્રસ્તી જગતે સાવ ખુલ્લા મનથી યોગ, શાકાહાર, લોકતંત્ર, માનવ-અધિકાર અને ગ્રીન જીવનશૈલીનો મહિમા કરવાની પહેલ કરી છે. એ પ્રજાએ દુનિયાને રેડક્રોસ અને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ જેવી મહાન ભેટ જગતને ધરી છે.

એ જ પ્રજાએ ઇતિહાસમાં બે વખત અણુબોંબ દ્વારા વિનાશ સર્જવાનો ઇતિહાસ પણ રરયો છે. વિસ્તારવાદી માનસિકતાને કારણે ખિ્રસ્તી વિચારધારા ઇસ્લામી વિચારધારા સાથે સતત ટકરાતી રહી છે. એવે સમયે હિંદુ પ્રજા જૉ વિચારશીલતા અને વિજ્ઞાનશીલતા અપનાવે, તો દુનિયામાં શાંતિનું અવતરણ થશે. સાધુવેશમાં ફરતા અસાધુઓને કારણે જગતનો સૌથી વિચારસમૃદ્ધ માનવસમાજ સતત માર ખાતો રહ્યો છે. રાવણે ભગવાં વસ્ત્રો ધારણ કરીને સીતાનું અપહરણ કર્યું હતું. બસ ત્યારથી સીતાઓ સતત છેતરાતી રહી છે. છેતરાવું એ હિંદુ સ્ત્રીઓનો સ્થાયીભાવ છે કે શું?

જેમ પ્રદૂષિત સેકયુલરિઝમ દેશના હિતમાં નથી, એ જ પ્રમાણે પ્રદૂષિત હિંદુત્વ પણ દેશના હિતમાં નથી. આસારામ સામે જે સ્વયંભૂ બળવો ગુજરાતમાં થયો તેની આગેવાની જૉ આર.એસ.એસ. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળે લીધી હોત, તો હિંદુત્વની શોભા વધી હોત. આ ત્રણે સંગઠનો પરિશુદ્ધ હિંદુત્વમાં માને છે કે ગંદાગોબરા હિંદુત્વમાં? શું આ સંગઠનોને હિંદુત્વને લાગેલાં કલંકો પ્રત્યે પણ પ્રેમ છે? જે ધર્મ સ્વસુધારણાની ક્ષમતા ગુમાવી બેસે છે તેનું કોઇ ભવિષ્ય નથી હોતું. સદ્ભાગ્યે હજી પણ હિંદુત્વમાં પોતાની મર્યાદાઓ ખોળીને તેની સામે લડવાની તાકાત બચી છે. પોતાને ‘સનાતની હિંદુ’ ગણાવનારા મહાત્મા ગાંધીએ આવી પ્રચંડ તાકાત બતાવી હતી. એમનું હિંદુત્વ તો મનુષ્યત્વનું જ બીજું નામ હતું. હિંદુઓ આજે એક વિચારક્રાંતિના ઓવારે બેઠા છે. તેઓ કયારે જાગશે? "

વિચારશીલતા અને વિજ્ઞાનશીલતા ... ૨૦૫૦ સુધીમાં આપણા હિંદુ ધર્મમાં આવે એવું દેખાતું નથી... ઘેંટાના ટોળાની જેમ જામતો હકકડેઠઠ મેદની - આપણા કહેવાતા કેટલાક (અ)સાધુની સભાઓમાં - આ વાતની સાબિતી નથી પુરતો ?? કયાંક રખેને તમે પણ આ ટોળામાં તો નથી ને ?? ચેતી જજો.. ત્રાસવાદ જેટલો જ ખતરનાક છે, આ સ્વામિવાદ..


"હિંદુઓ ! તમે કયારે જાગશો? .." આ છે ગુણવંત શાહના લેખનું મથાળું... હવે, સમજાયુ મને ગુણવંત શાહ કેમ પસંદ છે ?

No comments: