નવું વરસ ૨૦૧૧ બધાને ખુબ ફળે. તન, મન, અને ધનની શાંતિ આપે. આ કોઈ આશીર્વાદ નથી, આશાવાદ જરૂર છે.
ગયા વરસમાં કેટલા હુલ્લડ થયા, કેટલી હોનારત થઈ, કેટલા કૌભાંડ થયા, કેટલા હુમલા થયા, કેટલા હોમાયા વગેરેપર લખવાનું કામ છાપાવાલાઓનું છે અને એ ફરીથી બધા ફોટાઓ છાપીને તમને યાદ પણ કરાવ્યું હશે. પણ આપણે નવી આશાઓ પર અને કેટલીક ૨૦૧૧ને લગતી માહિતી પર લખીએ તો ? ( કોણ બોલ્યું, લોકો કોપી કરે..!) ફિલ્મ (આ પોસ્ટ) ફ્લોપ ભલે જાય, પણ બે વાત જાણવા તો જરૂર મળશે.
ચાલો જોઈએ કેટલીક રસપ્રદ(interesting) ઘટનાઓ જે ૨૦૧૧મા બનશે!
સૌ પ્રથમ ૨૦૧૧ એ અવિભાજ્ય સંખ્યા છે. ( કોણ બોલ્યું, એટલે ભારે રહેશે ? જરૂર કોઈક સિન્ડ્રોમની અસર ) ૨૦૦૫, ૨૦૧૧ અને ૨૦૨૨ આ ત્રણેય સૌથી નજીકના એવા વરસો છે જેના અંગ્રેજી કેલેન્ડર એકસરખા છે. ( છેલ્લાં ૯૦ વરસોમાં આ કેલેન્ડર ૧૧ વખત રીપીટ થયું છે !)
કેટલીક રસપ્રદ તારીખો ૨૦૧૧ના વરસની. ( તારીખો વિશેની જૂની પોસ્ટ્સ ૨૦૦૮/૦૮/૦૮અને વર્ગમૂળ દિવસ )
૧) માત્ર એકડાઓવાળી તારીખો. ૧/૧/૧૧, ૧/૧૧/૧૧, ૧૧/૧/૧૧, અને ૧૧/૧૧/૧૧. ( આવો છ સરખા કોઈ પણ આંકડા તારીખમાં આવવાનો સુભગ સંયોગ છેક ૧૧/૧૧/૨૧૧૧ સુધી જોવા નહિ મળે, મતલબ આપણને જોવા નહિ મળે! )
૨) અને લો આ બે પાક્કી રોન: ૯/૧૦/૧૧ - નૌ દસ ગ્યારહ- અને ૧૩/૧૨/૧૧.
3) ૨૦/૧૧/૨૦૧૧ ( ૨૦૧૧ ૨૦૧૧ )
૪) પોઈન્ટ નંબર ૧) વાળી બધી અને દર મહિનાની ૧૧/૨/૧૧, ૧૧/૩/૧૧, ૧૧/૪/૧૧ ...૧૧/૯/૧૧ : આગળ અને પાછળથી વાંચતા સરખી (palindrome) છે.
૫) ૫/૭/૧૧ - ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ !
૬) ૭/૯/૧૧ - ક્રમિક અયુગ્મ સંખ્યાઓ.
હવે કેટલીક ૨૦૧૧મા થનારી રસપ્રદ ઘટનાઓ. (સોર્સ: વિકિપીડિયા, આ વરસે મંદિરે ૧૦૦ રૂપિયા ના મુકતા કે ઓછા મૂકી આમને દાન આપો તો કેવું? [સાચો જવાબ: લેખે લાગે.] )
૧) ૧લી જાન્યુઆરી એ કોમ્પ્યુટરનો Y1C પ્રોબ્લેમ ચીનને કનડશે.
૨) ૯ જાન્યુઆરી દક્ષિણ સુદાનની આઝાદી માટેની મહત્વપૂર્ણ મીટીંગ.
૩) ન્યુ હોરાઈઝોન્સ પ્રોબ પાંચ વરસ બાદ માર્ચ ૧૮મીએ પ્લુટોની ભ્રમણ કક્ષા ભેદશે અને એ જ દિવસે મેસેન્જર સ્પેસક્રાફ્ટ બુધની કક્ષામાં પ્રવેશશે.
૪) બીજી અપ્રિલે ક્રિકેટ વર્લ્ડ કપની મુંબઈમાં ફાઈનલ.
૫)પાકિસ્તાન એનો પ્રથમ સ્પેસ સેટેલાઈટ એપ્રિલમાં તરતો મુકશે.
૬) મેં મહિનામાં મંગળ, બુધ, ગુરુ અને શુક્ર ગર્હો માત્ર ૬ ડીગ્રીના અંતરે આવશે.
૭) ૧૦ જુલાઈના રોજ નેપચ્યુન એની ભ્રમણકક્ષામાં ચક્ર પૂરું કરશે. ૧૮૪૬મા નેપચ્યુંનની ડીસ્કવરી પછી આ તેનું પહેલું સંપૂર્ણ ભ્રમણ છે.
૮) ઓગસ્ટ ૧૫મીના રોજ ધૂમકેતુ 45B પૃથ્વીની નજીક આવશે.
૯) ipv4 ( ઈન્ટરનેટ પ્રોટોકોલ )ના બધા એડ્રેસ આ વરસે વપરાઈ જશે.
૧૦) આ વરસ ઇન્ટરનેશનલ જંગલ અને ઇન્ટરનેશનલ કેમિસ્ટ્રી વરસ તરીકે યુનોએ જાહેર કરેલ છે.
હવે આખું વરસ આ બધા સમાચારો છાપાઓમાં કાં તો તમે ફરીથી સહન કરવાનું નહિ વિચારો અથવા વધુ રસથી આખું વરસ વાંચતા રહેશો !
2 comments:
આશિર્વાદનું તો હંમેશા સુરસુરિયુ જ થતું હોય છે. બીજા કોઇપણ વાદ-વિવાદ કરતા બસ આશાવાદ અમર રહે.
૫/૧/૨૦૧૧ ના સ્ટુડન્ટ કોમ્પિટીશન ના જવાબઃ
૧. ૧૦૦ બગડા અડધા- કારણ કે દરેક એકડો અડધો બગડો છે.(ઉપરનો ભાગ કાઢી નાખીએ તો)
૨. ૨૫ માં થી ૫ એક જ વખત બાદ કરી શકાય, કારણ કે પછી માત્ર ૨૦ રહેશે.
૩. ૨૮ સસલાં- ૭૨ માથા પ્રમાણે દરેક માથા દીઠ બે પગ તો હોય જ, તે મુજબ ૨૦૦ માંથી ૧૪૪ બાદ કરતાં ૫૬ પગ રહે. દરેક સસલાંના બાકીના બે પગ મુજબ ૨૮ સસલાં અને ૪૪ મરઘી હોય.
૪. સો એકડામાં સો મીંડા- દરેક ૧ માં એક મીંડુ હોય
૫. ખાલી બાસ્કેટમાં માત્ર એક સફરજન જ મૂકી શકાય કારણ કે પછી તે ખાલી નહીં રહે.
૬. પાંચમાંથી ત્રણ સફરજન લઈ લેવાથી આપણી પાસે ત્રણ સફરજન થાય જે આપણે લીધાં તે!
Post a Comment