Thursday, June 4, 2009

સાભાર પરત

અમારો ઢીલુ લેખક બન્યો એ પહેલા કુદરતે એની કસોટી, વનેચંદ પરણ્યો એ પહેલાં છોકરી શોધવામાં થઈ એવી કંઈક જ થઈ હતી. ઢીલુ ઢાંચો અમારા મિત્રોમાં સૌથી આદરણીય પાત્ર પણ એણે જે'દી લખવાનું ચાલુ કર્યુ એ જમાનામાં બધા તંત્રીઓનું કદાચ સૌથી અપ્રિય પાત્ર થઈ પડેલો. બધા ખ્યાતનામ લેખકોની જેમ એણે પણ પત્ર લખવા પર હાથ અજમાવેલો અને બે-ચાર પત્રો છપાણા પછી તો સ્લીપર પહેરતો થઈ ગ્યો. એને પત્રો કરતાં એનું નામ છપાણું એનું મા'તમ મોટું હતું એટલે જે દી' એનો પેલો પત્ર છાપાણો, એમા જીણા અક્ષરોમાં છપાયેલ પોતાના નામજોગ સંદેશને ઠેઠ ગારિયાધાર જઈ મોટી કોપી કાઢીને લેમીનેટ, પડખે રહેતાં કાંત્યાની દહની નોટ ચોરીને, કઢાવી આવેલો.
પત્રલેખક બનતા તો બોવ વાર નોતી લાગી પણ પત્રલેખકમાંથી 'પત્ર'ને જાકારો આપતાં ભવ ભાંગ્યો. એના કાકા ( આજના જમાનામાં ડૅડી) ખેતીકામ કરતાં પણ આ એનો ભત્રીજો, સૉરી એનો છોરો, ખેતર ડોકાવાય જાતો નહીં. અમારા વાલાકાકા એને કાંઈ સીંધે તો કેતો કે આ મારામાં પડેલી અઢળક કળાને તમે લોકો ઢેંફામાં ધોઈ નાખ્શો ને મને આગળ નઈ આવવા દ્યો.
વાલાકાકા ભણેલાં નહીં એટલે એમને કાગળપત્ર સાથે ખાસ લેવાદેવી નહીં. એક દિ રતિમાસ્તર એના ઘરે ટપાલ આપવા આવ્યા તો વાલાકાકા એ રતિમાસ્તરને પૂછેલું, 'એલા રતિ, આ મેલાનાય કવર આવવા મંડયા?' રતિમાસ્તરે ચોખવટ કરી આ મેલો નથી. છાપાવાળાની ઑફિસેથી કવર આવ્યુ છે. પણ તે દી'થી વાલાકાકાને ઢીલુની વાત ગળે ઉતરી ગઈ કે ઈ આગળ આવે એમ છે. પછી તો રતિમાસ્તર લગભગ રોજ આવતાં થયા ને વાલાકાકા હરખાતાં રહેતાં ને ઢીલુ ને જોઈએ ત્યારે પૈસાની સગવડ કરી દેતાં.

રોજ ઉઠે ન્યાથી ઢીલુ લખવા બેહી જાય અને એના થપ્પાબંધ પરબીડિયાઓ ગામની ટપાલપેટી એમના લેખો શહેરમાં પહોંચાડે. રતિમાસ્તર કેય ખરા કે મારી નોકરી ઢીલુએ જાળવી રાખી છે. રોજ રતિમાસ્તર ઢીલુને ઘેર આવે ઢગલો કાગળપત્રો લઈને. બધાને લાગે ઢીલુ બોવ મોટો માણહ થઈ ગ્યો છે. પણ ઢીલુ અમને કેતો કે હાળું પાહરયુ પડતું નથી. મહિના પેલા મોકલેલાં બધા લેખો એક નાનકડી પસ્તીના કાગળની ચબરખી સાથે પાછા આવતાં, એ ચબરખીમાં માત્ર બે શબ્દો લખેલાં રહેતાઃ સાભાર પરત.
સાભાર પરતની હોડમાંથી છુટવા ઢીલુએ બનતા બધા પ્રયત્નો કર્યા પણ ઈ લપ એમ જાય એમ નો'તી. એકવાર તો સાભાર પરત થયેલ પત્રમાં સાભાર પરતની એક બીજી ચબરખી ચોંટાડી પાછો મોકલી આપ્યો, જો કે આ વખતે આ લેખ ફરીથી સાભાર પરત ના થયો પણ એ છપાય એની રાહ ઢીલુ આજે દહ વરહ પછીય જોવે છે. જો કે ગામમાં તો ઢીલુ બીજા બધાને રોફથી કેતા ફરતો કે આજે એને છો સાભાર પરતના કાગળ આવ્યા છે અને લોકો જાણે એને કોઈએ ચેક મોકલ્યા હોય એવી અમી દ્રષ્ટિથી જોતાં. અમારા ગામની લોકજીભે બોલાતાં શબ્દોની ડિક્શનરીમાં સૌથી શિષ્ટ અને વિશિષ્ઠ શબ્દ હોય તો 'સાભાર પરત' જ હતો એનો અર્થ અમારા વર્તુળ બહાર તદ્દન વિપરીત હતો.
ઘણા લેખકો સાભાર પરત કાગળ આવવાની ( કે ન આવવાની ) અનિયમિતતાને લીધે એક જ લેખ કે કવિતા એકથી વધુ તંત્રીઓને મોકલતા હોય છે અને ક્યારેક એકથી વધુ જગ્યાએ છપાતાં પણ હોય છે. પણ ઢીલુએ શ્યાહીની કેટલીય બોટલો ખાલી કરી, ગામની ત્રણેય દૂકાનોમાં આવતી પસ્તીની નિયમિત ખરીદી અને એનું વાંચન, કેટલા લેખ ક્યા સામયિકમાં કેટલી વાર છપાયા અને કેટલા બીજેથી ઉઠાંતરી થયેલા હતાં એનું મોટુ લીસ્ટ બનાવ્યુ પણ તોય એના લેખોનો કોય ધણી નો થયો.

એકવાર ઢીલુ માંદો પડ્યો, તાવ હતો ને ઉલ્ટીઓ ચાલુ થઇ. દવાખાનાવાળાઓએ ભાવનગર લઈ જવા કહ્યું. અઠવાડિયાના ખાટલા પછી પાછો આવ્યો. ઢીલુની ખબર પૂછવા ગ્યા ત્યારે એણે કીધૂ, ભગવાને મને સાભાર પરત કર્યો.
જો કે ચડતી પછી પડતી નિર્વિવાદ હોય છે એમ એની પડતી પછી ચડતીના દા'ડાય આવ્યા. ગુજરાતમાં ઘણા ચોપાનિયા/છાપાઓનું માર્કેટ આવ્યુ. એના એક લેખના જવાબમાં નોકરીની ઓફર મળી. છ હજારથી શરુઆત અને વર્ષ પછી નવ હજારની ખાતરીબંધ નોકરી. અમદાવાદમાં આવી રહેલાં રાષ્ટ્રીય ગ્રુપના સમાચારપત્રમાંથી આ કાગળ હતો. જેમાં લખ્યુ તુ, તમને લખતા આવડે છે અને અમને આવા ૪૦૦ માણસોની જરુર છે. તમારા અક્ષરો સારા છે માટે તમને એક વિભાગના એડિટરના પદ પર રાખીશું. વાલાકાકાનો ઢીલુ આગળ આવી ગ્યો હતો.
ઘણો સમય થયો પણ ઢીલુના કોઈ ખબરઅંતર નોતા એટલે બુધાએ એને ટપાલ લખી, અઠવાડિયામાં જવાબ આવ્યોઃ સાભાર પરત.
અમારા એક મિત્ર ભાવુભાઈ અમદાવાદ રહે છે એને જાણ કરી કે આ ઢીલુના કાંઈ ખબરઅંતર મળે તો જોવા. એણે છાપામાં આવતા નંબર પર ફોન કર્યો. રિસેપ્શનીસ્ટે એનો વિભાગ પૂછ્યો પણ એની તો અમને જાણ ન્હોતી. છેવટે રિસેપ્શનીસ્ટે એની ડિરેકટરીમાં જોઈને ઢીલુને ગોતી કાઢ્યો. 'હવે યાદ રાખ્જો, એ સાભાર પરત ડિપાર્ટ્મેન્ટમાં કામ કરે છે' એમ કહીને ફોન ઢીલુને ટ્રાન્સફર કર્યો. ઢીલુએ માંડ એકાદ મિનિટ વાત કરી. સાર આવો કાઈક હતો, 'હું આ આખ્ખા વિભાગનો એડિટર છું અને મને મરવાનોય ટેમ નથી. આઈ એમ રનીંગ વેરી બિઝિ'. ઢીલુભાઈ આજે બે-ચાર કોલમો પણ ઢવડે છે અને એટલે એના બિઝિના બણગાં શિરાની માફક લોકોને ગળે ઉતરે પણ છે.
આ બાજુ વાલાકાકાની હાલતમાં ખાસ ફેર નથી. એનું એ જ વાહીદુ, ગમાણ, ભેંસ અને ભારો. હમણાં દામનગરથી પસ્તીવાળો આવ્યો હતો. વાલાકાકાને થયુ બે રુપિયે કિલો લેખે તો ઘણા પૈસા મળશે, લાવ આ ઢીલ્યાના કાગળિયા પધરાવી દઉ. વાલાકાકાએ પસ્તીના થોકડા ડેલીની માલકોર કર્યા અને ઓલા પસ્તીવાળાને લઈ આવ્યા. પસ્તીવાળો નિસાસો નાખીને બોલ્યો, 'હું છાપાની પસ્તી જ લઉં છું, આ પસ્તીના પડીકા નો વળે.' વાલાકાકા સાભાર પરતના કાગળિયા વટાવવા ગયા પણ પસ્તીવાળાએ બીજીવાર સાભાર પરત કર્યા. જીવ બાળતાં એણે પાછા ઉપાડીને પટારામાં ભરી દીધા.

આ વાતને ચાર-પાંચ વરસ થયા અમે કોઈએ ઢીલુને પછી ના તો કોઈ કાગળ લખ્યો છે ના તો કોઈ ફોન. જાણે અમારો જિગરી શહેરના નામે થઈ ગયો છે. ત્યારે આખુ ગામ ઢીલુ શહેરમાંથી અથવા આ ઢોંગીલા કલ્ચરમાંથી સાભાર પરત થાય તેની રાહ જોવે છે.

This got released recently in one the Orkut group's eMagazine called 'The Readers'. Want to see it ? Click Here

This is my first ( and probably last too) attempt to write humorous article !

2 comments:

Rajni Agravat said...

આખો આર્ટીકલ આપવાને બદલે..થોડો જ આપ્યો હોત અને બાકીનું જોવા માટે ઇ-મેગેઝિન THE READERS પર... તો કેમ રહેત?

Anish Patel said...

why last sir!!!!
It's nice and we enjoyed it....