જીવતી માનું શ્રાદ્ધ
આજની આ પોસ્ટ માનનીય ગોવિંદ મારુના બ્લોગ પરથી અક્ષરસ: ઉઠાંતરી કરી છે અને એમણે ગુજરાત મિત્રની દિનેશ પાંચાલની 'જીવન સરીતના તીરે’ કોલમમાંથી. પણ મને ખુબ ગમેલ આ લેખને ગમતાનો ગુલાલ કરવાનું રોકી શકતો નથી.
હોસ્ટેલના મિત્ર નીખીલ પટેલનો પણ આભાર જેમણે મને આ ફોર્વર્ડેડ ઈમેઈલ મોકલ્યો અને હું એના મૂળ સુધી ગયો. (ફોર્વર્ડેડ ઈમેઈલમાં સામાન્ય રીતે મૂળ લેખકનું નામ હોતું નથી )..
... તો માણો, સમજો અને જીવનમાં ઉતારવવા કોશિશ કરો !!
-----
એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે- ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.’ મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી જ હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યાં. મેં મીત્રના બરડે ધબ્બો લગાવતા પુછ્યું- ‘ભલા માણસ, આ શી મજાક માંડી છે…! માજી તો આ રહ્યાં તારી બાજુમાં…!’ મીત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યું: ‘દીનેશભાઈ, વાત એમ છે કે માના મર્યા બાદ ગાય- કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હું માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માગું છું. હું માનું છું કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ જ સાચું શ્રાદ્ધ ગણાય!’
એમણે આગળ કહ્યું: ‘માને ડાયાબીટીઝ છે; પણ એમને સોશીયો બહુ ભાવે છે. હું એમને માટે સોશીયો હંમેશાં ફ્રીઝમાં રાખું છું. ખાજલી, સફેદ જાંબુ, કેરી વગેરે એમની ભાવતી આઈટેમ છે. તે બધું જ હું એમને ખવડાવું છું. શ્રદ્ધાળુઓ મંદીરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મંદીરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માનાં ચશ્માં જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મુર્તી સાફ કરવા કરતા ઘરડી માનાં ચશ્માં સાફ કરવાથી વધુ પુણ્ય મળે છે !’
મીત્રની વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજુદ છે. આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ–દુધપાકનું જમણ જમાડીએ છીએ. રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું; પણ યાદ રહે ગાય – કાગડાને ખવડાવેલું કદી ઉપર પહોંચતું નથી. અમેરીકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ ‘ટીફીનસેવા’ હજી શરુ થઈ નથી. માવતરને જીવતાજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.
એક સત્ય સમજી લેવા જેવું છે. દીકરાઓ ગમે તેટલા શાણા, સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી, પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતું બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે. એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતાં ટેકાની વધુ જરુર પડે છે. આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ તરેહ તરેહના ટેન્શનો અને જવાબદારીનું ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓને કંઈકે માફ કરી શકાય. પરંતુ કેટલાક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડાં માબાપોની નથી લેતા. સમાજના મોટાભાગના વૃદ્ધો અનેક પ્રકારની અવહેલના ઝીલી (હોઠ ભીડીને) જીવે છે. એવા દીકરાઓ માબાપને પાશેર ખમણ ખવડાવતાં નથી અને મર્યા બાદ હજારો રુપીયા ખર્ચીને જ્ઞાતીને જમાડે છે. ભાતમાં વહુ અડધી પળી ઘી મુકી નથી આપતી; પણ સ્મશાને ચીતા પર તેના શરીરે કીલો ઘી ચોળવામાં આવે છે. મર્યા બાદ બ્રાહ્મણોને દાન આપવામાં આવે… તીર્થસ્થળોએ જઈ શ્રાદ્ધ કરવામાં આવે. આ બધી અનપ્રોડક્ટીવ એક્ટીવીટી છે. જુની પેઢીના લોકોની એ જર્જરીત મનોદશામાં કોઈ પરીવર્તન આવવાનું નથી. પરંતુ આજના યુવાનો એવા ખોખલા રીવાજને તીલાંજલી આપે તે જરુરી છે.
હમણાં જાણીતા શાયર દેવદાસ – ‘અમીર’ની એક પુસ્તીકા હાથે ચડી ગઈ. એમાં રમેશ જોશીનું એક વાક્ય વાંચવા મળ્યું- ‘જયારે હું નાનો હતો અને આંખમાં આંસુ આવતા ત્યારે મા યાદ આવતી. આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે…!” સંતો કહે છે, ‘નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે માબાપ આપણી આંગળી ઝાલતા. હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે તેમનો હાથ ઝાલવો જોઈએ !’
વારંવાર એક વાત સમજાય છે. ઘરડાં માબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે; પણ તેમનો હાથ ઝાલીને આદરપુર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તીર્થનું પુણ્ય મળશે. કહે છે માબાપ બે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે… અને બીજું દીકરા તરછોડે ત્યારે. પણ માએ તો જીન્દગીભર રડવાનું જ હોય છે. છોકરાં નાનાં હોય અને જમે નહીં એટલે મા રડે અને એ છોકરાં મોટા થઈને જમાડે નહીં ત્યારે મા રડે છે ! સંજોગોની એ વીચીત્ર વીટંબણા છે કે જે બાળકને માએ બોલતાં શીખવ્યું હોય એ દીકરો મોટો થઈને માને ચુપ રહેવાનું કહે છે. (જો કે વ્યવહારુતા એમાં છે કે સંતાનો પુછે નહીં ત્યાં સુધી તેમને કોઈ સલાહ જ ના આપવી. એમ કરવું એ ઘડપણની શોભા પણ છે અને જરુરીયાત પણ)
માતૃપ્રેમ વીશે લોકકવીઓએ ઘણું લખ્યું છે. કવી ધરમશીએ લખ્યું છે- ‘પહેલાં રે માતા… પછી રે પીતા… પછી લેવું પ્રભુનું નામ… મારે નથી જાવું તીરથધામ…!’ પણ હવે સમય અને સમાજ બન્ને બદલાયાં છે. લોકોનાં વાણી, વર્તન અને જીવનશૈલી પર પશ્વીમની અસર થઈ છે. જે મા દીકરાને ગર્ભમાં રાખે છે તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. કવી ગુલાબદાન કહે છે: ‘ગરીબ માની ઝુંપડીમાં કોઈ દી’ સાંકડ નહોતી થાતી… આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી… તો શરમ, મરજાદ અને સંસ્કૃતી ક્યાં ગઈ જે ગૌરવ આપણું ગણાતી…? આલીશાન બંગલામાં પોસાય આલ્સેશીયન… એક માવડી નથી પોસાતી…!
અમારા બચુભાઈ કહે છે: ‘આણંદના ગોટા અમદાવાદ સ્ટેશને ખાવા મળતા નથી. તેમ જુવાનીના સ્ટેશન પર ઘડપણનાં દુ:ખોનો અંદાજ આવી શકતો નથી. નર્કની પીડા આપણે અનુભવી નથી; પરંતુ નર્કની ભયાનકતાથી બચવા આપણે નીયમીત ભગવાનની ભક્તી કરીએ છીએ, તેમ ઘડપણની યાતનાનો ખ્યાલ ભલે આજે ન આવે પણ તે દુ:ખોની કલ્પના કરીને આપણે વૃદ્ધોની પ્રેમથી સાર સંભાળ રાખવી જોઈએ. માર્ગ પરથી કોઈનું મૈયત જઈ રહ્યું હોય ત્યારે ઘણા રાહદારીઓ હાથ જોડીને પગે લાગે છે. તેઓ મરનારને ઓળખતા હોતા નથી. પણ મૃત્યુની અદબ જાળવવા નમન કરે છે. સંસારનો દરેક વૃદ્ધ આદરને પાત્ર હોય કે ન હોય પણ વૃદ્ધાવસ્થા એ જીવનયાત્રાનું અંતીમ સ્ટેશન છે. જીવનભરનાં તમામ કર્મોનો હીસાબ કરીને માણસ અનંતની યાત્રાએ ઉપડી જાય છે. એથી પ્રત્યેક દીકરાએ માબાપની પુરી કાળજી લેવી જોઈએ. લોકકવી ભીખુદાન ગઢવી લખે છે- ‘અંતવેળા જેના માબાપ ના ઠર્યાં… સાત જનમ તેના બુરા ઠર્યા…!
ધુંપછાંવ
દીકરાઓ દુનીયાની દોડમાં હાંફી રહ્યા છે. તેમની પાસે સમય નથી. ઘરડાં માબાપ એ વાત સમજે છે. છતાં ઘડપણમાં તેમને દીકરા જોડે બેસીને વાત કરવાની ઈચ્છા થતી હોય છે. ઘડપણની આ પણ એક જરુરીયાત છે, ઘરડા થયા વીના એ સમજી શકાતી નથી. વીદેશમાં એક મા દીકરાને પુછે છે: ‘બેટા, તું એક કલાક નોકરી પર મોડો જાય તો તારો કેટલો પગાર કપાય ?’ દીકરો કહે છે: ‘એક કલાક મોડો જાઉં તો મારા પચાસ ડૉલર કપાઈ જાય !’ મા કહે છે: ‘બેટા, મેં થોડા દીવસ મહેનત કરીને પચાસ ડૉલર ભેગા કર્યા છે. તું પચાસ ડૉલર લઈ લે અને મને તારો એક કલાક આપ…!
-દીનેશ પાંચાલ
‘ગુજરાતમીત્ર’,દૈનીક, સુરતની તા.6 સપ્ટેમ્બર, 2009ની રવીવારીય પુર્તીમાં વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતના તીરે’ના સૌજન્યથી સાભાર…
સંપર્ક:
શ્રી દીનેશ પાંચાલ,
સી-12, મજુર મહાજન સોસાયટી,
ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396445
ફોન: (026370 242 098) સેલફોન: 94281 60508
4 comments:
Yes, it is nice story to read!!
I had read this story years back so even Mr Panchal do not seem to me original, anyway- it is not a big issue...point is good thing should reach to more people so atleast some one will feel shame for behaving in a manner which they never would like their own kids with them in future!!
Thnx
great
Incredibly spot on story .eye-opening for all age group
વહાલા મીત્ર,
મારા બ્લોગ તેમજ લેખક મીત્રશ્રી દીનેશભાઈ પાંચાલનું સૌજન્ય સ્વીકારવાની સજ્જનતા દાખવીને "જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો" લેખને ગમતાનો ગુલાલ કરવા માટે આપના બ્લોગ ઉપર "જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો" પોસ્ટ મુકી તે મારે માટે અને લેખક માટે ગૌરવ અને આનંદની ઘટના છે; કારણ આપણો મકસદ સારા વીચારો વહેંચાય, વંચાય અને અનુસરાય તે જ છે..
આભાર.
ગોવીન્દ મારુ
http://govindmaru.wordpress.com/
Post a Comment