Monday, June 29, 2009

સંવેદનશીલ ઋતુ: વરસાદ

મારી મનગમતી, મનભાવતી મૌસમ છે: વરસાદ. મને સૌથી પઝવતી ઘટનાનું નામ છે: વરસાદ. મને અંદરથી માણવાનું મન થાય એવી ઋતુ એટલે વરસાદ.

ચોમાસું એટલે બહારથી પલળવાની અને અંદરથી ભીંજાવાની ઋતુ. જેઓ પલળી શકતા નથી તેઓ પલાળી કેમના શકે ? અને મનતરબોળ થઇ ભીંજાઈ ના શકે બીજા કોઈ પાત્રને ભીંજવી પણ કેમના શકે ?

વરસાદ એ કુદરતના આનંદની ચરમસીમા છે. કુદરત ઘેલી બની નાચી ઉઠે એને આપણે વરસાદ કહેતા હોઈએ છીએ. એ વરસાદ આપણને નચાવી ના શકે તો તમે કાં તો જિંદગીભર નાચવાના આનંદથી વંચિત રહ્યા છો કાં તો માત્ર બાહ્યદેખાડા ખાતર ઠુમકા લીધા છે.

કાળા ડીબાંગ કે ધોળા રૂની પુણી જેવા વાદળાનું સામ્રાજ્ય, લાંબા ટૂંકા શેરડા વીંઝતી ઝબુક વીજળી, ગેબી ગડગડાટ, હિલોળતાં વૃક્ષો, પલળતી માટી, નીતરતા માણસો, મસ્તીમાં મહાલતા પક્ષીઓ, આકાશી રંગોળી મેઘધનુષ્ય, મોરના ટહુંકા, પવનના સુર ને સુસવાટા, ઠંડીનો ચમકારો.. આટલા વાજિંત્રો કયા આલબમમાં જોયા છે તમે, જરા કહેશો મને ? મેં નથી જોયા.

અને આ વરસાદનું પાણી! ધોધમાર, મુશળધાર, ઝાપટાભેર , ઝરમર ઝરમર, છાંટા, પછેડીભર, સાંબેલાધાર, એકરસ અને ક્યારેક ખાબકેય ખરો ! બારે મેહ ખાંગા!

વરસાદ માણવામાં જેઓને આનંદ મળતો નથી, (કે સંકોચ અનુભવે છે ) તેઓ જિંદગીથી ત્રસ્ત હોવાની શક્યતા ઘણી ઉંચી છે! ઘણા ગેલેરીમાં ઉભા રહી હાથ લંબાવી મેહુલિયાને ઝીલી ભીંજાશ પામે છે, છત્રીની નીચે રહી પલળવાની મજા કંઈક ઔર હોય છે, ઘણા બારીમાંથી ડોકિયું કરી વર્ષાની ધાર નિહાળી લેતા હોય છે, ઘણાને મેઘતાંડવ સાંભળવું ગમે છે, અને ખુલ્લા મિજાજના બેફામ લોકો છલાંગ મારી આભ નીચે આવી જાય છે !

માથામાંથી પાણી નીતરતા યુવાન તેની અસલી કેફિયતમાં કોસ્મેટીકરણથીય હજાર દરજે રૂડા દીસે છે! પાણીમાં છબછબીયા કરતા ટાબરિયાએ કયારેય તમારી પાસે ચોકલેટ માંગ્યાનું યાદ છે, ભેરુ? આજકાલ મમ્મીઓ છોકરાવને સ્વીમીંગ પુલ કે વોટરપાર્ક લઇ જશે, પણ વરસાદમાં 'છુટા' નહિ મેલે!

વરસાદી બુંદથી જમીન પર રચાતા વર્તુળોની ત્રિજ્યા કેવી લંબાતી જાય છે અને અંતે બીજા વર્તુળો જોડે કેવા એકમેકમાં મળી જાય છે! ભીંજાય ગયેલી ઈમારતો કેવી ગભરુ દેખાઈ છે! રસ્તાઓ ક્ષુબ્ધ થઇ જાય છે. અને રસ્તાઓ, ફોર અ ચેન્જ, વાહનોને બદલે પાણી વહન કરવાનું કામ બખૂબી નિભાવી લે છે! ક્યારેક વરસાદ 'રહી જવા'ની રાહે ચાલકો વૃક્ષો નીચે ઉભા રહી ન્હાવાનું પસંદ કરે છે! અને જયારે,જ્યારે એ મેઘરાજ્જા રહી જાય ત્યારે આ જ વૃક્ષો નીચેથી નીકળતા રાહદારીઓને પવનની ઝાપટથી ઓચિંતા પલાળે, એ બોનસમાં! કેવી અજબ ઘટના છે આ મેઘ-મહાશય-પતનની!

બીજા દિવસે વહેલી સવારે પીળી ચાદર ઓઢીને ચણવા આવતી ચકલીઓને કેમ ભૂલાય? આખ્ખું વરસ પટારામાં સંઘરેલા રંગીન કપડા કાઢવાનું ચકીબેનનું ટાઈમ ટેબલ કેવું નિરાળું છે! પહેલા વરસાદે જો કે હવે તો માટીની સોડમ યાદ કરવી પડે છે! નવી પેઢી આ રોમાંચક સુંગધ ક્યારેય પામશે? બે-ત્રણ દિવસમાં ઉગી નીકળતા કુણા કુણા ઘાસ, તેની ચમક-નરમાશ અને પરસાનીલીટીનું તો પૂછવું જ શું? ખાતરના ઢગલામાં માથું કાઢતા બિલાડીના ટોપ, ઉનાળામાં ખાધેલી કેરીના પુરાવા સમાં આંબાના છોડ, ખેતરમાં માપપટ્ટી વગર એકસરખા અંતરે ચાંચ પાડતા ખેડૂતો ને તેની આસપાસ ઘુમતી ટીન્ટોડીઓ , કપાળે કંકુ ને મોમાં ગોળના ભેલા ખાતાં બળદો, મોરને મકાઈ અને કબૂતરને જુવાર, બાજરીના રોટલા ને અડદની દાળ!

લોખંડના સળિયાને ભીની માટીમાં ખુતાવવાની રમત ખુતામણીની મજા વિડીયો ગેમ આપી શકે એમાં વિશ્વાસ નથી બેસતો ! ખાલી ડબલું કેડે બાંધી કુવા કે તળાવમાં નહાવાની રોમાંચકતા સ્વીમીંગ પુલ ક્યારેય આપી શકે? ચીકણી માટીમાં લાપસવાનો જલસો કદાચ લપસણીય નહિ કરાવી શકે. ખાલી કોથળાનો કુથલો ઓઢી શાળાએ જતાં બાળકો જોવા મળશે હવે?

વાતાવરણમાં અસર થઇ જાય છે, રંગ આવી જાય છે. નદી-નાળાં, તળાવ, ખેતર, ખાડા બધા એકસાથે હર્ષોલ્લાસથી ઉભરાઈ ઉઠે છે. મોરના ટહુંકા અને કળા બીજી કોઈ મોસમમાં આટલા મધુરાં અને લયબદ્ધ નથી હોતા. બતક અને ભેંસ વચ્ચે કેવી રમતો ચાલુ થઇ જાય છે! અને પેલા દેડકાઓનું ડ્રાઉ ડ્રાઉ.. આખી રાત ગુંજતું રહે છે.

આ મોસમમાં બે યુંવાહ્ર્દય એકબીજાને સંભાર્યા વિના આ મેઘરાજાની મહેર માણી શકે ખરા?!

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ !
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા !

5 comments:

Anish Patel said...

superb sir....... mind blowing....

Rajni Agravat said...

સાહેબશ્રી.... કેમ છો?

તમે તો યાર છુપારૂસ્તમ નીકળ્યા! મને તો એમ કે આંકડા ને વિજ્ઞાનની માયાજાળ જ જાણો છો પરંતુ તમે તો વરસાદ ને વ્હાલ કરી શકો છો, અને ટેન્શનને "સાભાર પરત" પણ કરી શકો એવા હળવા માણસ છો ! હજુ બીજી કઈ કઈ કલામાં માહિર છો પ્રભુ?

ખરેખર મજા આવી યાર.

Sarth Shah said...

"અને રસ્તાઓ ફોર અ ચેન્જ વાહનોને બદલે પાણી વહન કરવાનું કામ બખૂબી નિભાવી લે છે!"

ક્યા બાત હૈ!!!

વરસાદની મોસમનું આબેહૂબ શબ્દચિત્ર!!સાથે-સાથે ભૌતિક સુખોને વામણા પુરવાર કરી નાખ્યા!!!

thesisbinding said...

સુપર્બ... વર્ષાઋતુનું આટલું અદભૂત અને સચોટ વર્ણન આજ સુધી મેં ક્યાંય વાંચ્યું નથી

harnish5 said...

તમે તો યાર કેવા છો? વરસાદમામ પલળતા યુવાન દેખાય છે અને ટાબરિયાં દેખાય છે-પરંતુ યુવતી નથી દેખાતી-વરસાદમાં પલળતી સફેદ સાડી પહેરેલી યુવતી કદી જોઇ છે ખરી ? "આજ ફિસલ જાઇએ તો હમકો ના ઉઠૈયો- સાહેબ, આખું બોલિવુડ વરસાદ અને સુંદરી પર ઝુમે છે-
આર્ટિકલ સરસ છે. ગમ્યો.