Monday, October 26, 2009
દિવ્ય ભાસ્કરનો તરખાટ
નવા વર્ષની શરૂઆત ગુજરાતી ઇ-છાપાઓ માટે કંઇક સારી નથી. કદાચ સ્ટાફ રાજા પર હોય કે પછી તહેવારોની મોસમના લીધે બેધ્યાનપણું વધુ હોય - જે પણ હોય - પરંતુ સમાચાર પત્રની વેબસાઈટ પર સમાચાર મુકવા અંગે કોઈ પ્રોસેસનું પાલન થતું દેખાતું નથી અથવા તો આવી કોઈ પ્રોસેસ છે જ નહિ કે જેનું પાલન કરવું પડે.
જે રીતે છાપું પ્રિન્ટમાં જાય ઇ પહેલા બધું મટીરીયલ ચોકસાઇપૂર્વક જે તે વિભાગના એડિટરના ચશ્માં નીચેથી પસાર થાય, વાંધા-વચકા, જોડણી, કાપકૂપ વગેરે પ્રોટોકોલ બાદ છાપું પ્રિન્ટમાં જાય પણ ઓનલાયન છાપાઓને આ બધી બાબતો ઓછી લાગુ પડે છે એવી મારી માન્યતા દિન-પ્રતિદિન મજબુત થતી જાય છે.
માન્યું કે છાપું કાઢવું એ ૨૪ કલાકનો પ્રોજેક્ટ છે પણ દુનિયામાં ઘણા છાપા નીકળે છે અને બધા કઈ આવું દેવાળું ફૂંકતા નથી !
એમાંય દિવ્ય ભાસ્કરે તો હદ કરી છે. છાશવારે એમની વેબ સાઈટ પર છબરડા હોય છે. ખરેખર તો હાલની વેબસાઈટ તો હજુ ડેવલ્પમેન્ટમાં (Under Construction) હોય એટલી નીચેની કક્ષાની છે જાણે કે કોઈ પણ પ્રકારનું QA થયા વિના મુકાય ગઈ છે. ખેર એ એક આડવાત થઇ, આપણે વાત કરતાં હતાં સમાચારોની.
જુઓ નીચેના ચાર સમાચારો - આ આમ તો એક જ સમાચાર છે પણ એનું આપણે ટેસ્ટીંગ કરવાનું હોય એમ ચાર જુદા જુદા હેડીંગ સાથે
૧)અમદાવાદના ફેકલ્ટી
૨)આઇઆઇએમ
૩)૧૧૧૧૧૧૧
૪)૨૨૨૨૨૨
અને સમાચારમાં પણ કેટલાય અક્ષરો બીજા ફોન્ટમાંથી બરાબર પરિવર્તન પણ પામ્યા નથી .
તો વળી બીજા એક સમાચારનું હેડીંગ છે : (............................),અમદાવાદ
છાપુ બંધ રહેશે પણ ઓનલાયન અપડેટ દિવાળીની રજાઓમાં ચાલુ રહેશેની જાહેર ખબરો ચીપ્કાવ્યા પછી આમ 'દિ વાળવાનો'?
આ સમાચાર ( શેરબજારોમાં મુહૂર્તના સોદામાં ટાબરિયાનો તરખાટ!) માં તમને ક્યાંય સમજાય કે ટાબરિયાએ શું તરખાટ કર્યો તો મને સમજાવશો પ્લીઝ ?
Friday, October 16, 2009
શુભ દિપાવલી - નૂતન વર્ષાભિનંદન
આજે ગુજરાતની અસ્મિતાની માવજત કરવાનો અવસર છે. આજે ઘરમાં એક સુંદર પુસ્તક કે એક સુંદર કેસેટ ભલે આવે. આજે ઘરનાં સંતાનો સાથે બેસીને એકાદ સુંદર કવિતા વંચાય કે એક ભજન ગવાય તો મિષ્ટાન્ન પણ અધિક મધુર બનશે. સરેરાશ ગુજરાતી નાગરિક ઉત્સવપ્રિય અને શાંતિપ્રિય છે. એને વિશ્વનાગરિક થવામાં મુશ્કેલી નથી પડતી. એ દુનિયાના કોઈ પણ ખૂણે જાય ત્યાં ગરબો લેતો જાય છે.
- ગુણવંત શાહ
Saturday, October 10, 2009
એક સાંજ મહેન્દ્ર મેઘાણી સાથે ...
આવતી ૨૫મી ઓક્ટોબર ૨૦૦૯ના સીકોક્સ સ્વામીનારાયણ મંદિરે સર્વશ્રી મહેન્દ્ર મેઘાણી એમના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા પુસ્તક 'ગાંધીજીની જીવનયાત્રા એમના જ શબ્દોમાં'નું વાંચન કરશે. આ કાર્યક્રમ સાંજના ૪ વાગ્યાથી ૫.૩૦ દરમિયાન રાખેલ છે. ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્ર મેઘાણી હાલ અમેરિકામાં આ પુસ્તકની વાંચન યાત્રા પર છે જેના ભાગરૂપે આ કાર્યક્રમ રખાયેલ છે. મહેન્દ્ર મેઘાણી વિષે લખીએ એટલું ઓછુ પડે ! પણ એમણે ગુજરાતી ભાષાને જીવાડવાનું કામ કોઈ સભા કે રેલી વગર કરી બતાવ્યું છે. જ્યાં એક હજાર ગુજરાતી પુસ્તક વેંચવાના ફાંફા પડતા હોય ત્યાં એમણે એક જ પુસ્તકની નકલ લગભગ લાખની સંખ્યામાં વેંચી બતાવી છે! ૮૬ વર્ષના મહેન્દ્ર મેઘાણીને પ્રત્યક્ષ સાંભળવા એક લ્હાવો બની રહેશે.
સાંભળો ગુણવંત શાહને, "જો તમે 'અર્ધી સદીની વાંચનયાત્રા'ના { મહેન્દ્ર મેઘાણી સંપાદિત પુસ્તકોની શ્રેણી } ત્રણ ભાગ ન વાંચ્યા હોય તો તેના ચાર કારણો હોઈ શકે છે: ૧) તમે ગુજરાતી ન હો. ૨) તમે અંગ્રેજી માધ્યમમાં ભણ્યાં હો ૩) તમે અભણ હો, ૪) તમે કંજૂસના કાકા હો. આવાં તો અનેક સુંદર પુસ્તકો ગુજરાતનાં ઘરે ઘરે સાવ જ ઓછી કિંમતે પહોંચાડવાનું રૂષીકર્મ કરવા બદલ ગુજરાત એમનું ઉપકૃત છે."
ઉપરોક્ત કાર્યક્રમમાં સહુને ભાવભીનું નિમંત્રણ છે, કાર્યક્રમ માટે કોઈ એન્ટ્રી ફી નથી અને અંતમાં મંદિર તરફથી પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.
Thursday, October 1, 2009
ફાધર સાથે મુલાકાત
ફાધર વાલેસ એમના બીજા વતનની મુલાકાતે છે અને સન્માન સમારંભ અને પુસ્તક વિમોચન જેવા પ્રસંગો વિવિધ માધ્યમોમાં ચમકી રહ્યા છે ત્યારે, મને કેમ વીસરે રે!!
તારીખ: ૬ઠ્ઠી માર્ચ ૧૯૯૫. સ્થળ: સેન્ટ ઝેવિયર્સ કવાટર્સ
સમય છે એવા સજ્જનને મળવાનો કે જેમના બેય હસ્તગત વિષયો - ગણિત અને ગુજરાતી - મને પણ ગમે છે. હું એ સમયે ગણિત વિષય સાથે બેચલર ડીગ્રીમાં એમના જ કાર્યક્ષેત્રની કોલેજ સેન્ટ ઝેવિયર્સમાં ભણી રહ્યો હતો. કોલેજમાં તો ઘણી વાર દેખાય જતાં પણ નજીકથી મળવાની તક ક્યારેય મળેલ નહીં. આજે એ મહાન વિભૂતિનો ઇન્ટરવ્યુ લેવાનો પ્રસંગ છે જે અમે (હું અને સીમિત શેઠ) ચલાવતાં કોલેજપત્ર "મેથેમેટીકલ ઇન્ટેલીજન્સર"માં લખવાના છીએ.
કમનસીબે મારી પાસે આ પત્રોની કોપી રહી નથી પણ બે-ચાર પોઈન્ટસ ઇન્ટરવ્યુ સમયની નોંધમાંથી મળે છે જે અહીં ગુલાલ કર્યા છે !
* જેમને પ્રથમ શીખવામાં અને પછી શીખવવામાં આનંદ મળે એ જ ખરો આદર્શ શિક્ષક!
* આજના યુવાનો પાસે આશાઓ ઘણી છે પણ યુવાનોની તૈયારી પુરતી જણાતી નથી.
* ગણિત આપણને ચોકસાઈ, પ્રમાણિકતા અને ઉત્સાહ પ્રેરે છે.
* ગણિતના ઉપયોગો એ ગણિતના રસિયાઓએ વિચારવાનો વિષય નથી.
* ફાધર વાલેસની ગણિતના ક્ષત્રે સૌથી મોટી દેન હોય તો એ છે 'કેવળ ગણિત'. તેઓ સૌ પ્રથમ આ વિષય ગુજરાતના આગને લાવ્યા અને આ વિષયના એમના પ્રથમ વિદ્યાર્થીઓ હતાં: પી.સી.વૈદ્ય, એ.આર.રાવ, આઈ. એચ. શેઠ
તારીખ: ૬ઠ્ઠી માર્ચ ૧૯૯૫. સ્થળ: સેન્ટ ઝેવિયર્સ કવાટર્સ
સમય છે એવા સજ્જનને મળવાનો કે જેમના બેય હસ્તગત વિષયો - ગણિત અને ગુજરાતી - મને પણ ગમે છે. હું એ સમયે ગણિત વિષય સાથે બેચલર ડીગ્રીમાં એમના જ કાર્યક્ષેત્રની કોલેજ સેન્ટ ઝેવિયર્સમાં ભણી રહ્યો હતો. કોલેજમાં તો ઘણી વાર દેખાય જતાં પણ નજીકથી મળવાની તક ક્યારેય મળેલ નહીં. આજે એ મહાન વિભૂતિનો ઇન્ટરવ્યુ લેવાનો પ્રસંગ છે જે અમે (હું અને સીમિત શેઠ) ચલાવતાં કોલેજપત્ર "મેથેમેટીકલ ઇન્ટેલીજન્સર"માં લખવાના છીએ.
કમનસીબે મારી પાસે આ પત્રોની કોપી રહી નથી પણ બે-ચાર પોઈન્ટસ ઇન્ટરવ્યુ સમયની નોંધમાંથી મળે છે જે અહીં ગુલાલ કર્યા છે !
* જેમને પ્રથમ શીખવામાં અને પછી શીખવવામાં આનંદ મળે એ જ ખરો આદર્શ શિક્ષક!
* આજના યુવાનો પાસે આશાઓ ઘણી છે પણ યુવાનોની તૈયારી પુરતી જણાતી નથી.
* ગણિત આપણને ચોકસાઈ, પ્રમાણિકતા અને ઉત્સાહ પ્રેરે છે.
* ગણિતના ઉપયોગો એ ગણિતના રસિયાઓએ વિચારવાનો વિષય નથી.
* ફાધર વાલેસની ગણિતના ક્ષત્રે સૌથી મોટી દેન હોય તો એ છે 'કેવળ ગણિત'. તેઓ સૌ પ્રથમ આ વિષય ગુજરાતના આગને લાવ્યા અને આ વિષયના એમના પ્રથમ વિદ્યાર્થીઓ હતાં: પી.સી.વૈદ્ય, એ.આર.રાવ, આઈ. એચ. શેઠ
Saturday, September 26, 2009
જીવતી માનું શ્રાદ્ધ
આજની આ પોસ્ટ માનનીય ગોવિંદ મારુના બ્લોગ પરથી અક્ષરસ: ઉઠાંતરી કરી છે અને એમણે ગુજરાત મિત્રની દિનેશ પાંચાલની 'જીવન સરીતના તીરે’ કોલમમાંથી. પણ મને ખુબ ગમેલ આ લેખને ગમતાનો ગુલાલ કરવાનું રોકી શકતો નથી.
હોસ્ટેલના મિત્ર નીખીલ પટેલનો પણ આભાર જેમણે મને આ ફોર્વર્ડેડ ઈમેઈલ મોકલ્યો અને હું એના મૂળ સુધી ગયો. (ફોર્વર્ડેડ ઈમેઈલમાં સામાન્ય રીતે મૂળ લેખકનું નામ હોતું નથી )..
... તો માણો, સમજો અને જીવનમાં ઉતારવવા કોશિશ કરો !!
-----
એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે- ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.’ મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી જ હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યાં. મેં મીત્રના બરડે ધબ્બો લગાવતા પુછ્યું- ‘ભલા માણસ, આ શી મજાક માંડી છે…! માજી તો આ રહ્યાં તારી બાજુમાં…!’ મીત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યું: ‘દીનેશભાઈ, વાત એમ છે કે માના મર્યા બાદ ગાય- કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હું માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માગું છું. હું માનું છું કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ જ સાચું શ્રાદ્ધ ગણાય!’
એમણે આગળ કહ્યું: ‘માને ડાયાબીટીઝ છે; પણ એમને સોશીયો બહુ ભાવે છે. હું એમને માટે સોશીયો હંમેશાં ફ્રીઝમાં રાખું છું. ખાજલી, સફેદ જાંબુ, કેરી વગેરે એમની ભાવતી આઈટેમ છે. તે બધું જ હું એમને ખવડાવું છું. શ્રદ્ધાળુઓ મંદીરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મંદીરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માનાં ચશ્માં જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મુર્તી સાફ કરવા કરતા ઘરડી માનાં ચશ્માં સાફ કરવાથી વધુ પુણ્ય મળે છે !’
મીત્રની વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજુદ છે. આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ–દુધપાકનું જમણ જમાડીએ છીએ. રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું; પણ યાદ રહે ગાય – કાગડાને ખવડાવેલું કદી ઉપર પહોંચતું નથી. અમેરીકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ ‘ટીફીનસેવા’ હજી શરુ થઈ નથી. માવતરને જીવતાજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.
એક સત્ય સમજી લેવા જેવું છે. દીકરાઓ ગમે તેટલા શાણા, સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી, પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતું બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે. એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતાં ટેકાની વધુ જરુર પડે છે. આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ તરેહ તરેહના ટેન્શનો અને જવાબદારીનું ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓને કંઈકે માફ કરી શકાય. પરંતુ કેટલાક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડાં માબાપોની નથી લેતા. સમાજના મોટાભાગના વૃદ્ધો અનેક પ્રકારની અવહેલના ઝીલી (હોઠ ભીડીને) જીવે છે. એવા દીકરાઓ માબાપને પાશેર ખમણ ખવડાવતાં નથી અને મર્યા બાદ હજારો રુપીયા ખર્ચીને જ્ઞાતીને જમાડે છે. ભાતમાં વહુ અડધી પળી ઘી મુકી નથી આપતી; પણ સ્મશાને ચીતા પર તેના શરીરે કીલો ઘી ચોળવામાં આવે છે. મર્યા બાદ બ્રાહ્મણોને દાન આપવામાં આવે… તીર્થસ્થળોએ જઈ શ્રાદ્ધ કરવામાં આવે. આ બધી અનપ્રોડક્ટીવ એક્ટીવીટી છે. જુની પેઢીના લોકોની એ જર્જરીત મનોદશામાં કોઈ પરીવર્તન આવવાનું નથી. પરંતુ આજના યુવાનો એવા ખોખલા રીવાજને તીલાંજલી આપે તે જરુરી છે.
હમણાં જાણીતા શાયર દેવદાસ – ‘અમીર’ની એક પુસ્તીકા હાથે ચડી ગઈ. એમાં રમેશ જોશીનું એક વાક્ય વાંચવા મળ્યું- ‘જયારે હું નાનો હતો અને આંખમાં આંસુ આવતા ત્યારે મા યાદ આવતી. આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે…!” સંતો કહે છે, ‘નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે માબાપ આપણી આંગળી ઝાલતા. હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે તેમનો હાથ ઝાલવો જોઈએ !’
વારંવાર એક વાત સમજાય છે. ઘરડાં માબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે; પણ તેમનો હાથ ઝાલીને આદરપુર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તીર્થનું પુણ્ય મળશે. કહે છે માબાપ બે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે… અને બીજું દીકરા તરછોડે ત્યારે. પણ માએ તો જીન્દગીભર રડવાનું જ હોય છે. છોકરાં નાનાં હોય અને જમે નહીં એટલે મા રડે અને એ છોકરાં મોટા થઈને જમાડે નહીં ત્યારે મા રડે છે ! સંજોગોની એ વીચીત્ર વીટંબણા છે કે જે બાળકને માએ બોલતાં શીખવ્યું હોય એ દીકરો મોટો થઈને માને ચુપ રહેવાનું કહે છે. (જો કે વ્યવહારુતા એમાં છે કે સંતાનો પુછે નહીં ત્યાં સુધી તેમને કોઈ સલાહ જ ના આપવી. એમ કરવું એ ઘડપણની શોભા પણ છે અને જરુરીયાત પણ)
માતૃપ્રેમ વીશે લોકકવીઓએ ઘણું લખ્યું છે. કવી ધરમશીએ લખ્યું છે- ‘પહેલાં રે માતા… પછી રે પીતા… પછી લેવું પ્રભુનું નામ… મારે નથી જાવું તીરથધામ…!’ પણ હવે સમય અને સમાજ બન્ને બદલાયાં છે. લોકોનાં વાણી, વર્તન અને જીવનશૈલી પર પશ્વીમની અસર થઈ છે. જે મા દીકરાને ગર્ભમાં રાખે છે તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. કવી ગુલાબદાન કહે છે: ‘ગરીબ માની ઝુંપડીમાં કોઈ દી’ સાંકડ નહોતી થાતી… આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી… તો શરમ, મરજાદ અને સંસ્કૃતી ક્યાં ગઈ જે ગૌરવ આપણું ગણાતી…? આલીશાન બંગલામાં પોસાય આલ્સેશીયન… એક માવડી નથી પોસાતી…!
અમારા બચુભાઈ કહે છે: ‘આણંદના ગોટા અમદાવાદ સ્ટેશને ખાવા મળતા નથી. તેમ જુવાનીના સ્ટેશન પર ઘડપણનાં દુ:ખોનો અંદાજ આવી શકતો નથી. નર્કની પીડા આપણે અનુભવી નથી; પરંતુ નર્કની ભયાનકતાથી બચવા આપણે નીયમીત ભગવાનની ભક્તી કરીએ છીએ, તેમ ઘડપણની યાતનાનો ખ્યાલ ભલે આજે ન આવે પણ તે દુ:ખોની કલ્પના કરીને આપણે વૃદ્ધોની પ્રેમથી સાર સંભાળ રાખવી જોઈએ. માર્ગ પરથી કોઈનું મૈયત જઈ રહ્યું હોય ત્યારે ઘણા રાહદારીઓ હાથ જોડીને પગે લાગે છે. તેઓ મરનારને ઓળખતા હોતા નથી. પણ મૃત્યુની અદબ જાળવવા નમન કરે છે. સંસારનો દરેક વૃદ્ધ આદરને પાત્ર હોય કે ન હોય પણ વૃદ્ધાવસ્થા એ જીવનયાત્રાનું અંતીમ સ્ટેશન છે. જીવનભરનાં તમામ કર્મોનો હીસાબ કરીને માણસ અનંતની યાત્રાએ ઉપડી જાય છે. એથી પ્રત્યેક દીકરાએ માબાપની પુરી કાળજી લેવી જોઈએ. લોકકવી ભીખુદાન ગઢવી લખે છે- ‘અંતવેળા જેના માબાપ ના ઠર્યાં… સાત જનમ તેના બુરા ઠર્યા…!
ધુંપછાંવ
દીકરાઓ દુનીયાની દોડમાં હાંફી રહ્યા છે. તેમની પાસે સમય નથી. ઘરડાં માબાપ એ વાત સમજે છે. છતાં ઘડપણમાં તેમને દીકરા જોડે બેસીને વાત કરવાની ઈચ્છા થતી હોય છે. ઘડપણની આ પણ એક જરુરીયાત છે, ઘરડા થયા વીના એ સમજી શકાતી નથી. વીદેશમાં એક મા દીકરાને પુછે છે: ‘બેટા, તું એક કલાક નોકરી પર મોડો જાય તો તારો કેટલો પગાર કપાય ?’ દીકરો કહે છે: ‘એક કલાક મોડો જાઉં તો મારા પચાસ ડૉલર કપાઈ જાય !’ મા કહે છે: ‘બેટા, મેં થોડા દીવસ મહેનત કરીને પચાસ ડૉલર ભેગા કર્યા છે. તું પચાસ ડૉલર લઈ લે અને મને તારો એક કલાક આપ…!
-દીનેશ પાંચાલ
‘ગુજરાતમીત્ર’,દૈનીક, સુરતની તા.6 સપ્ટેમ્બર, 2009ની રવીવારીય પુર્તીમાં વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતના તીરે’ના સૌજન્યથી સાભાર…
સંપર્ક:
શ્રી દીનેશ પાંચાલ,
સી-12, મજુર મહાજન સોસાયટી,
ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396445
ફોન: (026370 242 098) સેલફોન: 94281 60508
Subscribe to:
Comments (Atom)

