મિત્રો આ પોસ્ટ બીજી ઘણી પોસ્ટની જેમ જ ફોર્વર્ડેડ પોસ્ટ છે પણ ગમતાનો ગુલાલ કરવા યોગ્ય જ છે. આપની પેઢીના ઘણા વાંચકો કદાચ કુમાર મેગેજીનથી અપરિચિત હોય પણ કુમાર મેગેજીનના ભવ્ય અતીતને સાચવવાનું બીડું રમેશ શાહે એકલા હાથે ઉપાડ્યું છે અને આ રહ્યો એમનો તરોતાજો પત્ર! ટાઈટલમાં લખ્યા મુજબ એમણે કુમારને રંગ આપવાનું કામ પણ કર્યું છે, કુમાર મેગેજીનમાં આવેલી ઘણી તસવીરોમાં એમણે રંગ પુરવાનું કામ પણ કર્યું છે ! ૭૩ વર્ષે પણ આવા સરસ કામ કરવાની એમની ધગશ એક કુમારને પણ શરમાવે એવી છે. મારો બકવાસ બંધ કરી એમની કુમારકોશની યાત્રા એમના જ શબ્દોમાં !!
પ્રિય મિત્રો,
કુમારના ૧૦૦૦ અંકનો આંક હવે ફક્ત દસ મહિના પછી સિદ્ધ થશે.
એક હજાર મહિનાઓ સુધી મહિને મહિને એક એક અંક પ્રગટ થતાં રહ્યાં.
નવો અંક હાથમાં આવે ત્યારે રોમાંચ થતો હોય છે, તો એક હજાર અંકો એક સાથે હાથવગાં થાય ત્યારે મનમાં કેવાં કેવાં ભાવ પ્રગટ થાય ! એક હજાર અંકમાં ચારિત્ર્ય ઘડતરનાં જ ઉદ્દેશથી બધી સામગ્રી પીરસાઈ છે. ‘આવતી કાલના નાગરિકોના ઘડતર માટે’ ––કુમારનો આ દાવો નથી પણ એક હકીકત છે. મારું કૉમ્પ્યુટર બતાવે છે કે આજ સુધીમાં ૮૬૪૦ સર્જકોનો આ ઘડતર માટેનો ફાળો છે. આ સર્જકોને અતિ ઉત્તમ રીતે વાચકો સમક્ષ લાવવાનું ભગીરથ કાર્ય કુમારના સંપાદકોએ કર્યું છે. કુમારની વાનગીઓ તરફ વાચકોનું ધ્યાન દોરવા ઉત્તમ મથાળાંઓ એવા બાંધ્યા છે કે વાચકો એ વાંચ્યા પછી જ પાનું ફેરવે !
વિનસ–એફ્રોડાઇટના શિલ્પની કળાની પિછાન કરાવીને છેલ્લે સંપાદક ઊમેરે છે કે : સામાન્ય આંખને અડવાં લાગતાં આવાં કલારત્નોના સર્જનનો ઉદ્દેશ એવો ઉચ્ચ–શુચિ જ હોય છે, અને એને એવી વિકારહીન શાસ્ત્રીય દષ્ટિએ જ સમજવાનાં છે. ––મારી વીસ વર્ષની વયે મને આ પાઠ (અંક ૪૦૦ – ૧૯૫૭) આ રીતે ભણવા મળ્યો તેનું સ્મરણ સદાકાળ રહ્યું છે.
કુમારના સર્જકોએ ૧૦૦૦ મહિનાઓ સુધી જે કાર્ય કર્યું અને એની ઉપર મેં ૧૦૦ મહિના સુધી સંવર્ધન કરી કુમારકોશ તૈયાર કર્યો; એના હજારો શીર્ષકો (કૉમ્પ્યુટર કહે છે –૪૦૬૩૮)માંથી જે જોઈતું હોય તે ક્ષણ વારમાં મેળવવું; વળી આ સંગ્રહને અદ્યતન બનાવવા ચિત્રો, ઓડિઓ, વિડિઓની હજારોની સંખ્યામાં ઉમેરાયેલી પૂર્તિ........ આ બધું મળીને આ સંગ્રહ ‘ઇનએવિટેબલ’ બની ચૂક્યો છે.
ઘણાં મિત્રો મારા નિવાસસ્થાને આવી કલાકો સુધી આ અજાયબી નિહાળી પ્રભાવિત થયા છે. તેમની વાતો સાંભળી પત્રકારોએ પણ આવીને જોયું અને તેને લેખો લખી હજારો–લાખો વાચકો સુધી દોર લંબાવ્યો.
મેં તો દસ વર્ષ પહેલાં અંગત ઉપયોગ માટે પ્રત્યેક વર્ષના ડિસેમ્બર મહિનામાં આવતાં વાર્ષિક સાંકળિયાની ઝેરોક્ષ કરાવી ફાઈલો કરી હતી. એ કામ ધીરે ધીરે વધીને આજના કુમારકોશ સુધી પહોંચ્યું છે.
ઇન્ટરનેટ દ્વારા મિત્રોને આ કાર્યની વાત કરતો રહ્યો છું. એ બધાં મિત્રોને માટે ટહેલરૂપે આ પત્ર લખું છું. હું બધે તો ન પહોંચી શકું. મારા આ બસો મિત્રોને વિનંતિ કે તેમના પરિચિતોને ફોરવર્ડ કરી આ જણાવો. બસોમાંથી બેહજાર અને એમાંથી વીસહજાર કે વીસલાખ ગુજરાતીઓ સુધી આ કાર્યની જાણ કરો. મારા ફેસબુક પર કુમારકોશના અંકો મૂકી રહ્યો છું. દુનિયાભરનાં એક એક ગુજરાતીને આ કુમારકોશ ઉપયોગી થવાનો છે. પોતાના બાળકોને ઘડવાનાં કપરાં કામને આ કુમારકોશ સરળ બનાવી શકશે એમ કહેવું વધુ પડતું નથી.
મને સતત પ્રોત્સાહન અને પ્રેરણા આપી રહ્યા છે તે સહુ મિત્રોનો આભાર.
1 comment:
મિત્ર
મારા કામને વેગ મળતો રહે છે.
તમારા જેવા મિત્રોએ ‘કુમારકોઘ’ના કાર્યને વેગ મળે એ માટે ટેકો આપ્યો છે. આભાર
Post a Comment