Monday, June 29, 2009

સંવેદનશીલ ઋતુ: વરસાદ

મારી મનગમતી, મનભાવતી મૌસમ છે: વરસાદ. મને સૌથી પઝવતી ઘટનાનું નામ છે: વરસાદ. મને અંદરથી માણવાનું મન થાય એવી ઋતુ એટલે વરસાદ.

ચોમાસું એટલે બહારથી પલળવાની અને અંદરથી ભીંજાવાની ઋતુ. જેઓ પલળી શકતા નથી તેઓ પલાળી કેમના શકે ? અને મનતરબોળ થઇ ભીંજાઈ ના શકે બીજા કોઈ પાત્રને ભીંજવી પણ કેમના શકે ?

વરસાદ એ કુદરતના આનંદની ચરમસીમા છે. કુદરત ઘેલી બની નાચી ઉઠે એને આપણે વરસાદ કહેતા હોઈએ છીએ. એ વરસાદ આપણને નચાવી ના શકે તો તમે કાં તો જિંદગીભર નાચવાના આનંદથી વંચિત રહ્યા છો કાં તો માત્ર બાહ્યદેખાડા ખાતર ઠુમકા લીધા છે.

કાળા ડીબાંગ કે ધોળા રૂની પુણી જેવા વાદળાનું સામ્રાજ્ય, લાંબા ટૂંકા શેરડા વીંઝતી ઝબુક વીજળી, ગેબી ગડગડાટ, હિલોળતાં વૃક્ષો, પલળતી માટી, નીતરતા માણસો, મસ્તીમાં મહાલતા પક્ષીઓ, આકાશી રંગોળી મેઘધનુષ્ય, મોરના ટહુંકા, પવનના સુર ને સુસવાટા, ઠંડીનો ચમકારો.. આટલા વાજિંત્રો કયા આલબમમાં જોયા છે તમે, જરા કહેશો મને ? મેં નથી જોયા.

અને આ વરસાદનું પાણી! ધોધમાર, મુશળધાર, ઝાપટાભેર , ઝરમર ઝરમર, છાંટા, પછેડીભર, સાંબેલાધાર, એકરસ અને ક્યારેક ખાબકેય ખરો ! બારે મેહ ખાંગા!

વરસાદ માણવામાં જેઓને આનંદ મળતો નથી, (કે સંકોચ અનુભવે છે ) તેઓ જિંદગીથી ત્રસ્ત હોવાની શક્યતા ઘણી ઉંચી છે! ઘણા ગેલેરીમાં ઉભા રહી હાથ લંબાવી મેહુલિયાને ઝીલી ભીંજાશ પામે છે, છત્રીની નીચે રહી પલળવાની મજા કંઈક ઔર હોય છે, ઘણા બારીમાંથી ડોકિયું કરી વર્ષાની ધાર નિહાળી લેતા હોય છે, ઘણાને મેઘતાંડવ સાંભળવું ગમે છે, અને ખુલ્લા મિજાજના બેફામ લોકો છલાંગ મારી આભ નીચે આવી જાય છે !

માથામાંથી પાણી નીતરતા યુવાન તેની અસલી કેફિયતમાં કોસ્મેટીકરણથીય હજાર દરજે રૂડા દીસે છે! પાણીમાં છબછબીયા કરતા ટાબરિયાએ કયારેય તમારી પાસે ચોકલેટ માંગ્યાનું યાદ છે, ભેરુ? આજકાલ મમ્મીઓ છોકરાવને સ્વીમીંગ પુલ કે વોટરપાર્ક લઇ જશે, પણ વરસાદમાં 'છુટા' નહિ મેલે!

વરસાદી બુંદથી જમીન પર રચાતા વર્તુળોની ત્રિજ્યા કેવી લંબાતી જાય છે અને અંતે બીજા વર્તુળો જોડે કેવા એકમેકમાં મળી જાય છે! ભીંજાય ગયેલી ઈમારતો કેવી ગભરુ દેખાઈ છે! રસ્તાઓ ક્ષુબ્ધ થઇ જાય છે. અને રસ્તાઓ, ફોર અ ચેન્જ, વાહનોને બદલે પાણી વહન કરવાનું કામ બખૂબી નિભાવી લે છે! ક્યારેક વરસાદ 'રહી જવા'ની રાહે ચાલકો વૃક્ષો નીચે ઉભા રહી ન્હાવાનું પસંદ કરે છે! અને જયારે,જ્યારે એ મેઘરાજ્જા રહી જાય ત્યારે આ જ વૃક્ષો નીચેથી નીકળતા રાહદારીઓને પવનની ઝાપટથી ઓચિંતા પલાળે, એ બોનસમાં! કેવી અજબ ઘટના છે આ મેઘ-મહાશય-પતનની!

બીજા દિવસે વહેલી સવારે પીળી ચાદર ઓઢીને ચણવા આવતી ચકલીઓને કેમ ભૂલાય? આખ્ખું વરસ પટારામાં સંઘરેલા રંગીન કપડા કાઢવાનું ચકીબેનનું ટાઈમ ટેબલ કેવું નિરાળું છે! પહેલા વરસાદે જો કે હવે તો માટીની સોડમ યાદ કરવી પડે છે! નવી પેઢી આ રોમાંચક સુંગધ ક્યારેય પામશે? બે-ત્રણ દિવસમાં ઉગી નીકળતા કુણા કુણા ઘાસ, તેની ચમક-નરમાશ અને પરસાનીલીટીનું તો પૂછવું જ શું? ખાતરના ઢગલામાં માથું કાઢતા બિલાડીના ટોપ, ઉનાળામાં ખાધેલી કેરીના પુરાવા સમાં આંબાના છોડ, ખેતરમાં માપપટ્ટી વગર એકસરખા અંતરે ચાંચ પાડતા ખેડૂતો ને તેની આસપાસ ઘુમતી ટીન્ટોડીઓ , કપાળે કંકુ ને મોમાં ગોળના ભેલા ખાતાં બળદો, મોરને મકાઈ અને કબૂતરને જુવાર, બાજરીના રોટલા ને અડદની દાળ!

લોખંડના સળિયાને ભીની માટીમાં ખુતાવવાની રમત ખુતામણીની મજા વિડીયો ગેમ આપી શકે એમાં વિશ્વાસ નથી બેસતો ! ખાલી ડબલું કેડે બાંધી કુવા કે તળાવમાં નહાવાની રોમાંચકતા સ્વીમીંગ પુલ ક્યારેય આપી શકે? ચીકણી માટીમાં લાપસવાનો જલસો કદાચ લપસણીય નહિ કરાવી શકે. ખાલી કોથળાનો કુથલો ઓઢી શાળાએ જતાં બાળકો જોવા મળશે હવે?

વાતાવરણમાં અસર થઇ જાય છે, રંગ આવી જાય છે. નદી-નાળાં, તળાવ, ખેતર, ખાડા બધા એકસાથે હર્ષોલ્લાસથી ઉભરાઈ ઉઠે છે. મોરના ટહુંકા અને કળા બીજી કોઈ મોસમમાં આટલા મધુરાં અને લયબદ્ધ નથી હોતા. બતક અને ભેંસ વચ્ચે કેવી રમતો ચાલુ થઇ જાય છે! અને પેલા દેડકાઓનું ડ્રાઉ ડ્રાઉ.. આખી રાત ગુંજતું રહે છે.

આ મોસમમાં બે યુંવાહ્ર્દય એકબીજાને સંભાર્યા વિના આ મેઘરાજાની મહેર માણી શકે ખરા?!

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ !
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા !

ગુગલનું ગુજરાતી ટાઈપીંગ બુકમાર્કલેટ


આ બ્લોગ ગુગલની ઈન્ડીક સેવાથી લખું છે જેનાં વડે હવે કોઈ પણ ટેક્ષબોક્ષમા તમે ગુજરાતીમાં ટાઈપ કરી શકાશે કોઈ કોપી-પેસ્ટની માથાકુટમાંથી છુટકારો મળશે! કોઈ પણ સાઈટ પર જઈ એક બટન ક્લિક કરો અને ગુજરાતીમાં ટાઈપ કરો! તમે પણ અજમાવી જુઓ સંપૂર્ણ ટાઈપરાઈટર !

ફક્ત એક બીજા ફીચરની જરૂરિયાત છે: હાલમાં આ બુકમાર્કલેટ ફક્ત ટેક્ષબોક્ષમાં અને અમુક જગ્યાએ જ ટેક્ષએરિયામાં ચાલે છે, જો દરેક જગ્યાએ ટેક્ષએરિયામાં આ રીતે ચાલે તો ઘણી વધુ જગ્યાએ ઉપયોગી થશે !

Saturday, June 27, 2009

Google Voice


Google is coming up with their long-awaited service called Google Voice. I have been using this since last more than two years and its very exciting service ! Its a great way to centralized all your phone numbers. If you want to hide your actual number you can do that by giving people Google number. It stores all your Voice Messages in an inbox like Gmail. It does call forwarding to other phones as well. If you get a call at home, your mobile will ring in your pocket !

Free SMS, & call receiving..

Google Voice (formerly GrandCentral) upgrades accepting new accounts soon.

Invite Request:

Google Voice Beta

Google Voice features

Google Voice Announcement

Google number - One number for all your calls and SMS

* Call screening - Announce and screen callers
* Listen in - Listen before taking a call
* Block calls - Keep unwanted callers at bay
* SMS - Send, receive, and store SMS
* Place calls - Call US numbers for free
* Taking calls - Answer on any of your phones
* Phone routing - Phones ring based on who calls
* Forwarding phones - Add phones and decide which ring

Google voicemail - Voicemail as easy as email, with transcripts

* Voicemail transcripts - Read what your voicemail says
* Listen to voicemail - Check online or from your phone
* Notifications - Receive voicemails via email or SMS
* Personalize greeting - Vary greetings by caller
* Share voicemail - Forward or download voicemails


Voice features - More cool things you can do with Google Voice

* Conference calling - Join people into a single call
* Call record - Record calls and store them online
* Call switch - Switch phones during a call
* Mobile site - View your inbox from your mobile
* GOOG-411 - Check directory assistance
* Manage groups - Set preferences by group

Friday, June 12, 2009

આંખનું કાજળ ગળે ઘસ્યું !

આજે આ લેખ વાંચ્યો કારણ કે એ બર્મ્યુડા ત્રિકોણ પર હતો. અને હેરાન થઇ ગયો ...તમે પણ થઇ શકો છો નીચેની હકીકતો વાંચીને..!

આ લેખ માત્ર સનસનીરૂપ પ્રથમ પાનું ચીતરવાના ભાગરૂપ લખાયેલ જણાયું બાકી માહિતી અને હકીકતો સાથે આ લેખને ખાસ કઈ સંબંધ છે નહિ. હજારો ગુજરાતીઓ વિઝિબિલિટીના આંકડા જોઈ ઓફીસ જવા નીકળતા હશે અને જાણતા હશે કે એનો એકમ અંતરમાં હોય છે એટલે કે એનું માપ માઈલ કે કી.મી.માં હોય છે જયારે આ લેખમાં એ વેગના સંદર્ભે લખાયેલ છે.

[...પાઈલટની વિઝિબિલિટી ૧:૬ (પ્રતિ મિનિટે ૬ માઈલ)...]

જરા વિચારો તમને રસ્તો કેટલો સાફ દેખાય છે એનો આધાર સમય હોત તો !!! તમારા વાહનની સ્પીડ તમારા હાથમાં ના રહેતા આ કુદરતી પરિબળના હાથમાં હોત ! સારા અજવાળામાં તમારું વાહન ખુબ ઝડપથી ચાલે અને અંધારામાં 'હલે' નહિ!

એકમની વાત નીકળી છે તો બીજી એક વાત,

{ અલ્ટોમીટરનો કાંટો જોઈને વધુ ઊચાઈ મેળવવા મેં થ્રોટલ ખેંરયું. ૮૦૦૦, ૧૦૦૦૦, ૧૨૦૦૦..બસ, આટલી ઊચાઈ હવે કાફી હતી. }

જરા જણાવો તો કેટલી ઉંચાઈ ? એકમ વગર ક્યાંથી ખ્યાલ આવે? સિવાય કે તમે જાણતા હો કે વિમાન સામાન્યરૂપે કેટલી ઉંચાઈ પર ઉડે.

[બ્રુસ ગેર્નોન નામના પાયલટે આ વિસ્તારમાંથી બહાર નીકળીને તેનો અનુભવ વર્ણવ્યો. તેના આધારે વિજ્ઞાનલેખક આર્થર સી. કલાર્કે ‘ધ મિસ્ટિરિયસ યુનિવર્સ’ અને લેખક-પત્રકાર ચાલ્ર્સ બર્લિત્ઝે ‘વિધાઉટ અ ટ્રેસ’ નામના પુસ્તકો લખ્યા છે.]

આ હકીકતની નીચે બ્રુસ ગેર્નોન ખુદે લખેલા પુસ્તકનો તો ઉલ્લેખ જ નથી. THE FOG: A Never Before Published Theory of the Bermuda Triangle Phenomenon, (Llewellyn, 2005) નામનું પુસ્તક એમણે બીજા એક લેખક સાથે મળીને લખ્યું છે, જે પુસ્તકમાં તેના અનુભવના આધારે અને વિજ્ઞાનની મદદથી કેટલાક વૈજ્ઞાનિક તારણો કાઢ્યા છે, ના કે જેમ લેખમાં (અનુ)ઉચિત રીતે વાર્તાનુંવાદ કરાયો છે,

[ ચારે તરફ જાંબલી-લીલો પ્રકાશ આંખોને આંજી રહ્યો હતો અને વાદળમાંથી જાતભાતના આકારો ખુન્નસભરી આંખે જાણે અમારા તરફ ત્રાટકી રહ્યા હોય તેવો આભાસ થતો હતો., ] અને [વાદળમાંથી ડોકાતા ભેદી આકારો વચ્ચે અંગ્રેજી ‘ટી’ જેવા આકારમાં ખુલ્લા આકાશ જેવો ભૂરો ઊજાસ દેખાતો હતો.]

હવે આ અંગ્રેજી 'ટી' તેના પુસ્તકમાં ઈલેકટ્રોનના બનેલા ટનલ રૂપે બતાવેલી છે જે આ લેખમાં હમેંશા અંગ્રેજી 'ટી' આકાર જ રહે છે !! ક્યાં ટનલ અને ક્યાં અંગ્રેજી ટી મારા ભાઈ!

[બ્રુસ ગેર્નોન] {મેં ફલોરિડા એરપોર્ટ સાથે કનેકટ કરવા રેડિયો ઓન કર્યોતો થોડી ઘરઘરાટી પછી બિપ..બિપ અવાજ સાથે રેડિયો પણ બંધ થઈ ગયો.}

પણ હકીકતે, Gernon contacted Miami air traffic control and reported that he wasn’t sure of his position and would like radar identification. “I told them that we were about 45 miles southeast of Bimini heading east. But the controller came back and said that there were no planes on radar between Miami, Bimini, and Andros.”

{સાધારણ રીતે ૪૫ મિનિટમાં પૂરી થઈ જતી મુસાફરીમાં આ વખતે અમારે સવા બે કલાક થયા હતા}

પણ હકીકતે આ લોકો ૪૭ મિનિટમાં પહોંચ્યા હતા અને સામાન્ય રીતે ૭૫ મિનિટમાં પહોંચાય છે! Listen Bruce Gernon's own words:
“I had made this flight from Palm Beach to Andros at least a dozen times and had never flown it in less than 75 minutes, and that was on a direct route. This flight was indirect and would probably cover a distance of close to 250 miles. The Bonanza could not possibly travel that distance in 47 minutes when its maximum cruising speed was 195 miles per hour. We had no answers.”

વાંચ્યા પછી વાયકા, વાસ્તવિકતા કે વહેમમાંથી કશું પણ નહિ પણ નર્યા ગપગોળા જ લાગ્યા. અને એ પણ ભાસ્કર પૂર્તિના પહેલા પાને ?

Thursday, June 11, 2009

ધર્મ હિતાય - ધર્મ રક્ષાય

ધર્મના હિત , રક્ષા અને સુ-સ્થાપના માટે આપણે ધર્મથી થોડા દુર જવાની જરૂર છે. જેને આપણે ધર્મ સમજીને અધર્મનો આંધળો પ્રચાર કરી રહ્યા છે અને જ્યારે હરામખોરો પકડાયા છે ત્યારે દેકેરો માંચાવીયે છીએ અને કેટલાય (ની)રાશારામો અને જાડેજાઓ આ અધર્મના છાયા હેઠે સમાજને છેતરે છે. આ બે તો માત્ર છાપે ચડેલા ઉદાહરણો છે બાકી તો હિમશિલા પાણીની માલપા છે. મોટા ભાગના આપણા - હિંદુઓના- ધર્મો આવા સડા નીચે ચાલે છે. રીડ ઇટ અગેઇન. સાધુ-બાવાઓની જમાત સ્વાર્થ અને ભપકામાં રચે છે અને ભોળી જનતા જનાર્દન એનો ભોગ બને છે કેમ કે આ લોકો ભગવાનના બેનર હેઠે બધા ઠાઠ/નાટક કરે છે. આ ભગવાનનો એવો ભાવ ભક્તોના મગજમાં ભરી દેવામાં આવ્યો છે કે એ લોકો ચુપચાપ બધું સહન કરી લે. ગુરુના ચરણોમાં જ રહેવાની વાતો હોય ત્યાં ભક્તોને ગુરુની ગાડી અને ગાદી ક્યાંથી દેખાય?

આ બધા સાધુ બાવાઓની જમાત ઉનાળામાં ફોરેઇન ઉપડી જાય છે, આપણા તડકાથી અને વિદેશની ઠંડીથી બચવા. છાપામાં લખવા થાય કે ભાઈશ્રી અમેરિકામાં સત્સંગ કરી પરત ફર્યાના ઓઠા હેઠે એની પ્રતિષ્ઠા થાય. હકીકત કઈક જુદી જ હોય છે, જયારે તમે સાંભળો કે ફલાણો ઢીકણો મહારાજ વિદેશપ્રવાસે જઈ આવ્યો, એટલે સમજવું કે મહારાજ ઝોળી ભરી આવ્યા. અહી આવી આ લોકો નીચેના ૩-૪ કામો જ કરે છે
૧- દરેક ભકતોના ઘેર પધરામણી નું આયોજન. લગભગ ફરીજીયાત. અને પધરામણીનો ભાવ ૫૦૦ થી ૨૦૦૦ ડોલર હોય છે. એક ભક્તના ઘેર આવી પધરામણી થઇ, પેલા ભક્તે પ્રાઇસ ટેગ વાંચેલું નહીં. બિચારા પેટે પાટા બાંધી ઘર ચલાવે. પેલા મહારાજ તો પધરામણી કરી જતા રહ્યા. એના હિસાબનીશ ભક્તે હિસાબ માંગ્યો અને ભક્ત મૂંઝાયો. ૧૦૦૦ ડોલર લાવવા ક્યાંથી? ઘણી આજીજી થઈ. પણ એમ કઈ છુટાઈ? બિચારો ભક્ત ઉછીના પાછીના કરી માંડ ચુકવણું પતાવ્યું.

૨- આવે ત્યારે આગમન, જાય ત્યારે વિદાય અને રોકાય ત્યારે સભાઓ વગેરે. આ દરેક પ્રસંગે આરતી, પૂજા, કિર્તન, જમણ ઈત્યાદી અનેક પ્રકારના બાહ્યાચારના નામે કેટલાય ભક્તોને મુન્ડવામાં આવે છે. ઘણા ભક્તો રાજીખુશી કરે છે ત્યાં સુધી બધું બરાબર પણ જયારે, સમાજની બીકે થાય ત્યારે ભગવાન ક્યારેય રાજી ના થાય.

૩- સભાઓમાં ભાગ્યે જ સાચા ધર્મની વાતો થાય છે, મોટે ભાગે એના વાડાનો અને વડાનો પ્રચાર, વાડાનો દરવાજો બનાવવો છે અને અહીં નહીં મંદિર બાંધવા માટે મદદની માંગણીઓ, ગુરુની મહત્તા અને મર્યા પછી મોક્ષ નહિ પામોની ધમકીઓ જ હોય છે.

૪- ઘણી વાર તો ગુરુ જાદુગર હોય એવો ભાવ રચવામાં આવે છે, એ અંતરયામી છે અને તમને સુખ આપે છે વગેરે વગેરે કચરાપટ્ટી.

આ બધી વાતોમાં ભગવાન ઘણે દુર રહી જતો હોય છે અને પેલો ધુત પૂજાતો હોય છે. સાચો હિંદુ ધર્મ જોજનો દુર રહેતો હોય છે. જ્યાં સુધી મોક્ષ, પૈસા અને ઢોંગી ગુરુઓ દુર નહિ થાય ત્યાં સુધી ખરો હિંદુ ધર્મ ઉજાગર થવો કઠિન છે. સિવાય કે બીજા શંકરાચાર્ય કે વિનોબા કે ગાંધીજીનો ઉદય થાય અને ધર્મ માટે જીવન ખપાવે.

આપણા રાજકારણીઓએ પણ આ બધા ઢોન્ગીઓને સાચવવા પડતા હોય છે કેમ કે પાંચ વરસમાં બે ચૂંટણી આવે છે ને પેલા બાવાઓનો મઢ તો ત્યાનો ત્યાં જ હોય છે. સભામાં ગુરુ મહારાજ બે સારા શબ્દો કોઈ નેતા વિષે બોલે તો એની જીત નક્કી જાય એટલો સમુદાય આ ધર્મનેતાઓ ભેગો કરી શકે છે ભલે કોઈ સ્ટાર પ્રચારક ના કરી શકે. એટલે પછી સ્ટાર પરચારકો આ બાવાના ખોળે જાય છે. અને પેલા બાવાની ભક્તિની હાટડી વધુ ફૂલેફાલે છે.

કેવી અદભુત રચના કરી છે આ જમાતે ?! જાદુના શોમાં કે. લાલ કરે એનાથી પણ ગુઢ અને વિશિષ્ઠ. કોઈ ફસાયો એટલે આ જાળમાંથી નીકળવું જ મુશ્કેલ.

હે પ્રભુ ! આ ભક્તો અને ગુરુઓને સદબુદ્ધિ આપજે. શરૂઆત મારાથી કરજે, મારો પગ ક્યાંક આવી જાળમાં ફરીથી ના પડી જાય એનો ખ્યાલ કરજે. મારી અને નવી પેઢીની ધર્મ પ્રત્યેની શ્રધ્ધા જળવાય રહે એવું વાતાવરણ બનાવજે.

આ શ્રધ્ધા અને અંધશ્રધ્ધા નામની બહેનપણીઓ વિષે પછી કયારેક !

Thursday, June 4, 2009

સાભાર પરત

અમારો ઢીલુ લેખક બન્યો એ પહેલા કુદરતે એની કસોટી, વનેચંદ પરણ્યો એ પહેલાં છોકરી શોધવામાં થઈ એવી કંઈક જ થઈ હતી. ઢીલુ ઢાંચો અમારા મિત્રોમાં સૌથી આદરણીય પાત્ર પણ એણે જે'દી લખવાનું ચાલુ કર્યુ એ જમાનામાં બધા તંત્રીઓનું કદાચ સૌથી અપ્રિય પાત્ર થઈ પડેલો. બધા ખ્યાતનામ લેખકોની જેમ એણે પણ પત્ર લખવા પર હાથ અજમાવેલો અને બે-ચાર પત્રો છપાણા પછી તો સ્લીપર પહેરતો થઈ ગ્યો. એને પત્રો કરતાં એનું નામ છપાણું એનું મા'તમ મોટું હતું એટલે જે દી' એનો પેલો પત્ર છાપાણો, એમા જીણા અક્ષરોમાં છપાયેલ પોતાના નામજોગ સંદેશને ઠેઠ ગારિયાધાર જઈ મોટી કોપી કાઢીને લેમીનેટ, પડખે રહેતાં કાંત્યાની દહની નોટ ચોરીને, કઢાવી આવેલો.
પત્રલેખક બનતા તો બોવ વાર નોતી લાગી પણ પત્રલેખકમાંથી 'પત્ર'ને જાકારો આપતાં ભવ ભાંગ્યો. એના કાકા ( આજના જમાનામાં ડૅડી) ખેતીકામ કરતાં પણ આ એનો ભત્રીજો, સૉરી એનો છોરો, ખેતર ડોકાવાય જાતો નહીં. અમારા વાલાકાકા એને કાંઈ સીંધે તો કેતો કે આ મારામાં પડેલી અઢળક કળાને તમે લોકો ઢેંફામાં ધોઈ નાખ્શો ને મને આગળ નઈ આવવા દ્યો.
વાલાકાકા ભણેલાં નહીં એટલે એમને કાગળપત્ર સાથે ખાસ લેવાદેવી નહીં. એક દિ રતિમાસ્તર એના ઘરે ટપાલ આપવા આવ્યા તો વાલાકાકા એ રતિમાસ્તરને પૂછેલું, 'એલા રતિ, આ મેલાનાય કવર આવવા મંડયા?' રતિમાસ્તરે ચોખવટ કરી આ મેલો નથી. છાપાવાળાની ઑફિસેથી કવર આવ્યુ છે. પણ તે દી'થી વાલાકાકાને ઢીલુની વાત ગળે ઉતરી ગઈ કે ઈ આગળ આવે એમ છે. પછી તો રતિમાસ્તર લગભગ રોજ આવતાં થયા ને વાલાકાકા હરખાતાં રહેતાં ને ઢીલુ ને જોઈએ ત્યારે પૈસાની સગવડ કરી દેતાં.

રોજ ઉઠે ન્યાથી ઢીલુ લખવા બેહી જાય અને એના થપ્પાબંધ પરબીડિયાઓ ગામની ટપાલપેટી એમના લેખો શહેરમાં પહોંચાડે. રતિમાસ્તર કેય ખરા કે મારી નોકરી ઢીલુએ જાળવી રાખી છે. રોજ રતિમાસ્તર ઢીલુને ઘેર આવે ઢગલો કાગળપત્રો લઈને. બધાને લાગે ઢીલુ બોવ મોટો માણહ થઈ ગ્યો છે. પણ ઢીલુ અમને કેતો કે હાળું પાહરયુ પડતું નથી. મહિના પેલા મોકલેલાં બધા લેખો એક નાનકડી પસ્તીના કાગળની ચબરખી સાથે પાછા આવતાં, એ ચબરખીમાં માત્ર બે શબ્દો લખેલાં રહેતાઃ સાભાર પરત.
સાભાર પરતની હોડમાંથી છુટવા ઢીલુએ બનતા બધા પ્રયત્નો કર્યા પણ ઈ લપ એમ જાય એમ નો'તી. એકવાર તો સાભાર પરત થયેલ પત્રમાં સાભાર પરતની એક બીજી ચબરખી ચોંટાડી પાછો મોકલી આપ્યો, જો કે આ વખતે આ લેખ ફરીથી સાભાર પરત ના થયો પણ એ છપાય એની રાહ ઢીલુ આજે દહ વરહ પછીય જોવે છે. જો કે ગામમાં તો ઢીલુ બીજા બધાને રોફથી કેતા ફરતો કે આજે એને છો સાભાર પરતના કાગળ આવ્યા છે અને લોકો જાણે એને કોઈએ ચેક મોકલ્યા હોય એવી અમી દ્રષ્ટિથી જોતાં. અમારા ગામની લોકજીભે બોલાતાં શબ્દોની ડિક્શનરીમાં સૌથી શિષ્ટ અને વિશિષ્ઠ શબ્દ હોય તો 'સાભાર પરત' જ હતો એનો અર્થ અમારા વર્તુળ બહાર તદ્દન વિપરીત હતો.
ઘણા લેખકો સાભાર પરત કાગળ આવવાની ( કે ન આવવાની ) અનિયમિતતાને લીધે એક જ લેખ કે કવિતા એકથી વધુ તંત્રીઓને મોકલતા હોય છે અને ક્યારેક એકથી વધુ જગ્યાએ છપાતાં પણ હોય છે. પણ ઢીલુએ શ્યાહીની કેટલીય બોટલો ખાલી કરી, ગામની ત્રણેય દૂકાનોમાં આવતી પસ્તીની નિયમિત ખરીદી અને એનું વાંચન, કેટલા લેખ ક્યા સામયિકમાં કેટલી વાર છપાયા અને કેટલા બીજેથી ઉઠાંતરી થયેલા હતાં એનું મોટુ લીસ્ટ બનાવ્યુ પણ તોય એના લેખોનો કોય ધણી નો થયો.

એકવાર ઢીલુ માંદો પડ્યો, તાવ હતો ને ઉલ્ટીઓ ચાલુ થઇ. દવાખાનાવાળાઓએ ભાવનગર લઈ જવા કહ્યું. અઠવાડિયાના ખાટલા પછી પાછો આવ્યો. ઢીલુની ખબર પૂછવા ગ્યા ત્યારે એણે કીધૂ, ભગવાને મને સાભાર પરત કર્યો.
જો કે ચડતી પછી પડતી નિર્વિવાદ હોય છે એમ એની પડતી પછી ચડતીના દા'ડાય આવ્યા. ગુજરાતમાં ઘણા ચોપાનિયા/છાપાઓનું માર્કેટ આવ્યુ. એના એક લેખના જવાબમાં નોકરીની ઓફર મળી. છ હજારથી શરુઆત અને વર્ષ પછી નવ હજારની ખાતરીબંધ નોકરી. અમદાવાદમાં આવી રહેલાં રાષ્ટ્રીય ગ્રુપના સમાચારપત્રમાંથી આ કાગળ હતો. જેમાં લખ્યુ તુ, તમને લખતા આવડે છે અને અમને આવા ૪૦૦ માણસોની જરુર છે. તમારા અક્ષરો સારા છે માટે તમને એક વિભાગના એડિટરના પદ પર રાખીશું. વાલાકાકાનો ઢીલુ આગળ આવી ગ્યો હતો.
ઘણો સમય થયો પણ ઢીલુના કોઈ ખબરઅંતર નોતા એટલે બુધાએ એને ટપાલ લખી, અઠવાડિયામાં જવાબ આવ્યોઃ સાભાર પરત.
અમારા એક મિત્ર ભાવુભાઈ અમદાવાદ રહે છે એને જાણ કરી કે આ ઢીલુના કાંઈ ખબરઅંતર મળે તો જોવા. એણે છાપામાં આવતા નંબર પર ફોન કર્યો. રિસેપ્શનીસ્ટે એનો વિભાગ પૂછ્યો પણ એની તો અમને જાણ ન્હોતી. છેવટે રિસેપ્શનીસ્ટે એની ડિરેકટરીમાં જોઈને ઢીલુને ગોતી કાઢ્યો. 'હવે યાદ રાખ્જો, એ સાભાર પરત ડિપાર્ટ્મેન્ટમાં કામ કરે છે' એમ કહીને ફોન ઢીલુને ટ્રાન્સફર કર્યો. ઢીલુએ માંડ એકાદ મિનિટ વાત કરી. સાર આવો કાઈક હતો, 'હું આ આખ્ખા વિભાગનો એડિટર છું અને મને મરવાનોય ટેમ નથી. આઈ એમ રનીંગ વેરી બિઝિ'. ઢીલુભાઈ આજે બે-ચાર કોલમો પણ ઢવડે છે અને એટલે એના બિઝિના બણગાં શિરાની માફક લોકોને ગળે ઉતરે પણ છે.
આ બાજુ વાલાકાકાની હાલતમાં ખાસ ફેર નથી. એનું એ જ વાહીદુ, ગમાણ, ભેંસ અને ભારો. હમણાં દામનગરથી પસ્તીવાળો આવ્યો હતો. વાલાકાકાને થયુ બે રુપિયે કિલો લેખે તો ઘણા પૈસા મળશે, લાવ આ ઢીલ્યાના કાગળિયા પધરાવી દઉ. વાલાકાકાએ પસ્તીના થોકડા ડેલીની માલકોર કર્યા અને ઓલા પસ્તીવાળાને લઈ આવ્યા. પસ્તીવાળો નિસાસો નાખીને બોલ્યો, 'હું છાપાની પસ્તી જ લઉં છું, આ પસ્તીના પડીકા નો વળે.' વાલાકાકા સાભાર પરતના કાગળિયા વટાવવા ગયા પણ પસ્તીવાળાએ બીજીવાર સાભાર પરત કર્યા. જીવ બાળતાં એણે પાછા ઉપાડીને પટારામાં ભરી દીધા.

આ વાતને ચાર-પાંચ વરસ થયા અમે કોઈએ ઢીલુને પછી ના તો કોઈ કાગળ લખ્યો છે ના તો કોઈ ફોન. જાણે અમારો જિગરી શહેરના નામે થઈ ગયો છે. ત્યારે આખુ ગામ ઢીલુ શહેરમાંથી અથવા આ ઢોંગીલા કલ્ચરમાંથી સાભાર પરત થાય તેની રાહ જોવે છે.

This got released recently in one the Orkut group's eMagazine called 'The Readers'. Want to see it ? Click Here

This is my first ( and probably last too) attempt to write humorous article !