ચૂંટણી આવે એટલે આપણા જેવા આમ આદમીઓને ચર્ચાનો વિષય મળે, મતગણતરી વખતે તો ક્રિકેટ મેચની છેલ્લી ઓવર જેવો રોમાંચ મળે! હુંય સવારના સાડા પાંચ વાગ્યામાં ઉઠી ઉત્કંઠાપૂર્વક કોમ્પ્યુટર સામે ગોઠવાયો પણ સવાર સુધરી ગઈ! કેમ કે...
૧) મતદારો આ વખતે ખુબ ઓછા ભોળવાયા હોય એવી છબી મને દેખાઈ, વર્ષો પછી. કેટકોય કચરો સાફ કરી નાખ્યો.
૨) 'બરાડા પાડે એ સિંહ, વિવેક જાળવે એ વીક' નામની હવાનું સુરસુરીયુ થઈ ગયુ. મતદારો જાણે છે અક્કલ બડી કે ભેંસ!
૩) સ્પષ્ટ બહુમત આપી કોંગ્રેસનું યુપીએમાં વર્ચસ્વ વધાર્યુ. હવે મોટાભાગે કોંગ્રેસ ધાર્યુ કરી શકશે.
૪) ઉગી નીકળેલા 'વેઈટીંગ ઈન પીએમો'ના દિવાસ્વપનોનું બાળમરણ થયુ! આ ચૂંટણીએ લગભગ ડઝનેક લોકોને એટલીસ્ટ છાપાઓએ ક્ષણિક પીએમ બનાવ્યા અને હરખાવ્યા!
૫) કોંગ્રેસને શું ફળ્યુ? સ્થિરતા, યુવા કેડર અને બીજેપી! પહેલા બે તો બધા જાણે છે, પણ ભાજપ એટલાં માટે કે એમણે એક નાના રાજ્યકક્ષાના પક્ષ જેવું બેહુદુ વર્તન કર્યુ અને ઘણું હાથવેંત હતુ એ જતું કર્યુ. નકારાત્મક રાજકારણ સામેના પક્ષને ચોક્કસ ફાયદો કરાવે છે.
૬) ભાજપને શું નડયુ? સંકલન! એક નેતા ઉત્તરમાં બોલતો હોય અને બીજો આકાશમાં! પંજાબમાં જઈને ગુજરાતની સ્ટોરીઓ મોટા અવાજે કહેવાથી પંજાબનો એક પણ પ્રશ્ન ઉકેલાતો નથી. કોંગ્રેસ સામે કાદવ ઉછાળવાથી તમે શું કરી શકશો એનો કોઈ જવાબ મળતો નથી. લોકો નાટક જોવા આવ્યા હોય એમ સભામાં આવે, નેતા અભિનેતાની માફક બરાડા પાડી હળવી (આધારવિહોણી) કોમેન્ટ મારે, લોકો મનોરંજન કરે, તાળીઓ પાડે, નાસ્તા કરે, મજા કરે અને મત કોંગ્રેસને આપે. મેં પણ ઘણા બધા ભાષણો અને ચાર્ટર પ્લેનમાં લેવાયેલા ઈન્ટરવ્યુઓ જોયા ખુબ મજા પડી!! હવે થોડી વધુ મજા આવે છે જાણીને કે લોકો ઘરમાં ભરાય ગયા છે ને બરાડા તો શું ફોન ઉપાડવોય કઠીન થઈ પડયો છે! વિમાનમાંથી જમીન પર આવ્યા છે! અરુણ જેટલી જેવા સક્ષમ નેતા હાંસિયામાંથી બહાર આવશે ત્યારે કમળ ખીલશે. સાથી પક્ષના નીતીશકુમાર જેવા કામો ભાજપની સરકાર કરતા શીખશે ત્યારે કમળ ખીલશે. અને લાસ્ટ, બાજપેઈની ગેરહાજરી!
૭) ઈન્ટરનેશનલ લેવલે ભારત સક્ષમતાથી પોતાનો પક્ષ રાખી શકશે. જે બીજો કોઈ પક્ષ કરી શકત કે કેમ એ શંકાનો વિષય છે.
૮) બીજા કોઈ પક્ષ પાસે કાર્યક્ષમ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર છે કે કેમ એ પણ શંકાનો વિષય છે. જ્યોતિ બાસુ જેવા એકાદ બે નેતાને બાદ કરતા મને કોઈ આ પદ માટે લાયક નેતા જડતો નથી.
૯) નરેન્દ્રભાઈને ચૂંટણી વખતે જ કોંગ્રેસને પુછવાના પ્ર્શ્નો સભાઓમાં જ યાદ આવે છે, પાંચ વરસમાં તમારા પક્ષના કેટલા સાંસદ એમાના કેટલા પ્ર્શ્નો સંસદમાં રાખી ચૂક્યા છે? ભાજપના કોઈ ગુજરાતી સાંસદને સંસદમાં બોલતો સાંભળ્યો છે? મેં બેન્ચો પર હાથ પછાડતાં અને અડવાણીની પાછળ બેસીને હવામાં હાથ ઊછાળતાં તો ઘણી વાર જોયા છે.
૧૦) રામમંદિર બાંધવાના અને સ્વીસ બેંકોમાંથી પૈસા પાછા લાવવાના મુદ્દા અપેક્ષિત રીતે જ બૂમરેંગ થયા. આમ જનતા ગરીબ છે, ભોળી છે પણ આંધળી તો નથી જ અને પાંચ-દસ વર્ષ જુનું થોડું ઘણું યાદ પણ રાખી શકે છે.
૧૧) શશી થરુર જેવા દિગ્ગજ ચૂંટણી જીતી શક્યા.
અને હવે મને શું ના ગમ્યુ?
૧) ગુજરાતમાં ભાજપનું ધોવાણ. ભારતમાં જેવી સ્થિતિ ભાજપની છે એવી જ દશા ગુજરાતમાં કોંગ્રેસની છે કોઈ સંકલન નહીં, કોઈ નેતા નહીં, કોઈ વિચાર નહીં. ગઢમાં ભાજપનું ધોવાણ મને જરા પસંદ ના પડ્યુ.
૨) હજી ઘણા ક્રિકેટરો કે ફિલ્મ સ્ટારોને લોકો મત આપે છે અને જીતાડે છે.