ગયા અંકનો સવાલ:
એક વસ્તીગણતરીકાર એક ઘેર જાય છે જ્યાં એક માણસ એની ત્રણ દીકરીઓ સાથે રહેતો હતો.વસ્તીગણતરીકાર : "તમારી દીકરીઓની ઉંમર કેટલી છે?" ( કોઈ છોકરીની ઉંમર એના પપ્પાને તો પુછાય ને !!) માણસ: "એમની ઉંમેરોનો ગુણાકાર ૭૨ છે, અને સરવાળો મારા ઘર નંબર જેટલો છે."
વસ્તીગણતરીકાર :"પણ એ પુરતી માહિતી નથી."
માણસ: "સારું, સૌથી મોટી દીકરીને ચોકલેટ બહુ ભાવે છે."
કહો જોઈએ વાંચકો, આ ભાઈની દીકરીઓની ઉંમર !!
જવાબ:
આ કોયડો છેક ૧૮૫૯મા લખાયેલ પુસ્તક 'ધ કમ્પેનિયન ફોર યુથ'માં થોડા ભિન્ન સ્વરૂપે સૌ પ્રથમ વખત લખાયેલ. પછી કેટલાય જુદા જુદા સ્વરૂપોથી આ કોયડો ખુબ પ્રચલિત બન્યો. આ કોયડાનો સાચો જવાબ છે: દીકરીઓની ઉંમર હશે ૩,૩,અને ૮ વર્ષ.
ચાલો જોઈએ કેવી રીતે મળશે આવા આંકડા જયારે કોયડામાં ખાસ કઈ માહિતી આપી હોય એવું લાગતું નથી.
પ્રથમ વાક્ય: ઉંમેરોનો ગુણાકાર ૭૨ છે, અને સરવાળો મારા ઘર નંબર જેટલો છે.
હવે ૭૨ના અવયવો છે ૧,૨,૩,૪,૬,૮,૯,૧૨,૧૮,૨૪,૩૬,૭૨ અને વસ્તીગણતરીકારને એનો ઘર નંબર જાણે છે.
હવે શક્ય ઉકેલો નીચે મુજબ મળી શકે.
ક્રમ | નાની દીકરી | વચ્ચેની દીકરી | મોટી દીકરી | ઘર નંબર |
1 | 1 | 1 | 72 | 74 |
2 | 1 | 2 | 36 | 39 |
3 | 1 | 3 | 24 | 28 |
4 | 1 | 4 | 18 | 23 |
5 | 1 | 6 | 12 | 19 |
6 | 1 | 8 | 9 | 18 |
7 | 2 | 2 | 18 | 22 |
8 | 2 | 3 | 12 | 17 |
9 | 2 | 4 | 9 | 15 |
10 | 2 | 6 | 6 | 14 |
11 | 3 | 3 | 8 | 14 |
12 | 3 | 4 | 6 | 13 |
હવે બીજું વાક્ય: "પણ એ પુરતી માહિતી નથી"
મતલબ એના ઘર નંબર માટે વસ્તીગણતરીકારને એકથી વધુ જવાબો મળ્યા જેથી એમણે કહ્યું કે માહિતી પુરતી નથી. નહિ તો એમણે જવાબ આપી દીધો હોત. આવી શક્યતા માત્ર ઘર નંબર ૧૪ માટે જ છે. (ઉપરના ટેબલ પરથી )
એટલે હવે બાકી રહેતા શક્ય ઉકેલો:
10 | 2 | 6 | 6 | 14 |
11 | 3 | 3 | 8 | 14 |
ત્રીજું વાક્ય : સૌથી મોટી દીકરીને ચોકલેટ બહુ ભાવે છે.
મતલબ મોટી દીકરી એક જ છે. ઉપરના શક્ય ઉકેલોમાંથી પ્રથમ ( નંબર ૧૦ ) ઉકેલમાં બે મોટી દીકરીઓ હોવાથી, એ શક્યતા ગણકારતા મળતો જવાબ બે દીકરીઓની ઉંમર ૩ વરસની અને મોટી દીકરીની ઉંમર ૮ વર્ષની છે!!
જવાબ આપનાર વાંચકો:
સંપૂર્ણ સાચો જવાબ માત્ર નેહલ શાહે (હિંમતનગર) આપ્યો. અને ડીમ્પલ જોશીએ સારો પ્રયત્ન કર્યો.
End Game
ત્રણ નાના બોક્સ છે. દરેક બોક્સમાં બે લખોટીઓ છે. કુલ છ લખોટીમાં ત્રણ કાળી અને ત્રણ સફેદ લખોટીઓ છે. દરેક બોક્સ પર એક લેબલ લગાડેલ છે. દરેક લેબલ પર સફેદ-સફેદ, સફેદ-કાળો, અથવા કાળો-કાળો લખેલ છે. પણ દરેક લેબલ ખોટું છે. દા.ત. કાળો-કાળો લખેલ લેબલવાળા બોક્સમાં એક પણ કાળી લખોટી નથી. ઓછામાં ઓછા બોક્સ ખોલીને સાચા લેબલ બનાવવાના છે. કેટલા બોક્સ ખોલશો તમે ?
જવાબ ક્યાં મોકલશો?
તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpeshbhalala@gmail.com પર મોકલી શકો છો અથવા www.alpeshbhalala.com પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો.